વિદેશી યુવતીઓ સપ્લાય કરવાના રેકેટનો પર્દાફાશ, એસ્કોર્ટ સર્વિસ એપ દ્વારા યુવતીઓ ગ્રાહકોનો સંપર્ક કરતી
અમદાવાદની હોટલોમાં વિદેશી યુવતીઓને એજન્ટોએ ભારતમાં મોકલી હતી
યુવતીઓ, ટ્રાન્સજેન્ડર અને સીમેઇલ લાંબા સમયથી અમદાવાદ, સુરત અને વડોદરાની વિવિધ હોટલોમાં રહેતા હતાઃ મોટા સેક્સ રેકેટના પર્દાફાશની શક્યતા
Sex Racket busted in Ahmedbad : સીઆઇડી ક્રાઇમ દ્વારા અમદાવાદની વિવિધ હોટલો અને સ્પા સેન્ટર પર દરોડાની કામગીરીને પગલે ગુરૂવારે મોટાભાગના સ્પાના દેહ વિક્રયને લગતી ચોંકાવનારી બાબતો સામે આવી છે. જેમાં અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં વિદેશી મહિલાઓના દેહવિક્રયના વ્યવસાયના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. અલગ અલગ એસ્કોર્ટ મોબાઇલ એપ્લીકેશન દ્વારા યુવતીઓ ગ્રાહકોનો સંપર્ક કરતી હતી.
આ સાથે પોલીસને માત્ર ગુજરાત જ નહી પણ ભારતમાં મોટાપ્રમાણમાં વિદેશી યુવતીઓ સપ્લાય કરવાના રેકેટની વિગતો પણ આવી છે. જે અંગે વિશેષ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી છે.સીઆઇડી ક્રાઇમની ૩૫થી વધારે અલગ અલગ ટીમ દ્વારા બે દિવસ પહેલા અમદાવાદ-ગાંધીનગરમાં 35થી વધુ સ્પા સેન્ટર અને હોટલોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ૨૨ જેટલા સ્થળો પર સફળ રેડ થઇ હતી.
આ દરોડામાં પોલીસને સ્પા સેન્ટરમાં ચાલતા સેક્સ સ્કેન્ડલ ઉપરાંત, મોટી હોટલમાં વિદેશી મહિલાઓને મોકલીને દેહવિક્રયનો મોટા પ્રમાણમાં કારોબાર ચલાવવામાં આવતો હોવાની ચોંકાવનારી વિગતો મળી હતી. ત્યારે પોલીસે વિદેશી મહિલાઓ સુધી પહોંચવા માટે એસ્કોર્ટ સર્વિસ પુરી પાડતી મોબાઇલ એપ્લીકેશનની મદદ લીધી હતી. જેમાં ડમી ગ્રાહકોને લોગઇન કરાવીને અમદાવાદની વિવિધ હોટલોમાં રહેતી વિદેશી યુવતીઓનો વિગતો મેળવી હતી. જેના આધારે ડીલ કરીને ગ્રાહકોને મોકલ્યા બાદ દરોડાની કામગીરી કરવામાં આવી હતી.
હોટલ રમાડામાં પોલીસને વિદેશી સીમેઇલ અને એક ટ્રાન્સજેન્ડર મળી આવ્યો હતો.જે બંને અલગ અલગ રૂમમાં રાખીને છેલ્લાં ત્રણ દિવસથી રહેતા હતા અને એસ્કોર્ટ મોબાઇલ એપ્લીકેશનથી ગ્રાહકો સાથે ભાવતાલ નક્કી કરીને હોટલના રૂમમાં બોલાવતા હતા. આમ, હોટલના રૂમમાં સુવ્યવસ્થિત રીતે સેક્સનું રેકેટ ચલાવવામાં આવતું હતું.
પોલીસે જ્યારે વિદેશી યુવતીઓની પુછપરછ કરી ત્યારે મોટાભાગના યુવતીઓના વિઝા પૂર્ણ થઇ ગયા હતા અને તેમના વિદેશી એજન્ટોએ ભારતમાં ચાલતા સેક્સ નેટવર્કની મદદથી વિદેશથી મોકલી હતી. ઝડપાયેલી યુવતીઓની પુછપરછમાં એવી પણ વિગતો સામે આવી હતી કે સ્થાનિક એજન્ટો તેમને પંદર દિવસથી માંડીને એક મહિના સુધીના કોન્ટ્રાક્ટમાં કામ અપાવતા હતા. જેની સામે તગડુ કમિશન વસુલતા હતા. પોલીસને સ્થાનિક તેમજ વિદેશી એજન્ટોની કેટલીક કડીઓ પણ મળી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.