Get The App

સીઆઇડી ક્રાઇમે BZ ફાઇનાન્સીયલ કૌભાંડમાં સાત એજન્ટોની ધરપકડ કરી

માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાએ ત્રણ હજાર જેટલા એજન્ટો બનાવ્યા હતા

સૌથી વધારે રોકાણ કરાવનાર એજન્ટોને ઔડી અને ફોર્ચ્યુનર જેવી લક્ઝરી કાર ભેટમાં મળતી હતીઃ એજન્ટો પાસે રહેલી ૧૫થી વધુ લક્ઝરી કાર જપ્ત કરાશે

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
સીઆઇડી ક્રાઇમે BZ ફાઇનાન્સીયલ કૌભાંડમાં સાત એજન્ટોની ધરપકડ કરી 1 - image

અમદાવાદ,મંગળવાર

બીઝેડ ફાઇનાન્સીયલ સર્વિસ દ્વારા રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૃપિયા છ હજાર કરોડ  જેટલી માતબર રકમની છેતરપિંડી કરવાના કેસમાં સીઆઇડી ક્રાઇમે કૌભાંડના માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલા સાથે સકળાયેલા સાત એજન્ટોની ધરપકડ કરી છે. ઝડપાયેલા પાંચ એજન્ટોની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે ભુપેન્દ્રસિંહે ત્રણ હજારથી વધુ એજન્ટોનું નેટવર્ક બનાવ્યું હતું. જેમના દ્વારા રોકાણ લાવતો હતો અને તેની સાથે સીધા જોડાયેલા મોટા એજન્ટોને કરોડોનું રોકાણ લાવવા બદલ ઔડી, ફોર્ચ્યુનર જેવી ગાડીઓ ભેટ આપી હતી. એટલું જ નહી કેટલાંક એજન્ટોએ રોકાણકારોના નાણાં ભુપેન્દ્રસિંહને આપવાને બદલે બારોબાર અંગત વપરાશમાં લઇ લીધા હતા.  પોલીસ દ્વારા ૧૫થી લક્ઝરી કાર, મકાનો સહિતની મિલકતો  જપ્ત કરવાની કાર્યવાહી કરાશે. સાબરકાંઠા સહિત ઉત્તર અને મધ્ય  ગુજરાત અને ગાંધીનગરમાં બીઝેડ ફાઇનાન્સીયલ સર્વિસના નામે ઓફિસ ખોલીને રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને ભુપેન્દ્રસિંહ ઝાલાએ રૃપિયા છ હજાર કરોડની માતબર રકમની છેતરપિંડી આચરવાના કેસની તપાસ કરી રહેલી સીઆઇડી ક્રાઇમની અલગ અલગ ટીમ દ્વારા સાત એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં વિશાલસિંહ ઝાલા (રહે.વગડી, હિંમતનગર),દિલીપસિંહ સોલંકી (રહે. સઢા ગામ, હિંમતનગર), આશિક ભરથરી (રહે. બ્રહ્યાણીનગર મહેતાપુરા, હિંમતનગર), રાહુલ રાઠોડ (રહે. ેઅંબાવાડા ગામ, હિંમતગર), મયુર દરજી (રહે. માલપુર, , અરવલ્લી) અને રણવીરસિંહ ચૌહાણ (રહે.મોટી ચીચણો, માલપુર, અરવલ્લી)નો સમાવેશ થાય છે. ઝડપાયેલા તમામ એજન્ટો ભુપેન્દ્રસિંહ સાથે નજીકનો ધરોબો રાખતા હતા અને તેમના દ્વારા કરોડો રૃપિયાનું રોકાણ બીઝેડ ગુ્રપમાં કરાયાના પુરાવા પણ પોલીસને મળ્યા છે.

પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે ભુપેન્દ્રસિંહ એજન્ટોને કરોડોનું રોકાણ લાવનારને ભેટમાં ઔડી અને ફોર્ચ્યુનર કાર ભેટ આપતો હતો.  આ ઉપરાંત,  અનેક નાની સેડાન કાર, ગોવા અને વિદેશની ટુર પણ આપતો હતો. એટલું જ નહી. આ ઉપરાંત, ૫ થી ૨૫ ટકા સુધી વળતર પણ આપતો હતો. આમ, ભુપેન્દ્રસિંહે અનેક લાલચ આપીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ત્રણ હજાથી વધુ એજન્ટોનું નેટવર્ક બનાવ્યું હતું. જેમાં પાંચ હજારથી માંડીને પાંચ કરોડ સુધીના અનેક રોકાણ કરવામાં આવતા હતા. આ એજન્ટોએ નાના મોટા કુલ સાડા ત્રણ લાખ જેટલા રોકાણકારો પાસેથી નાણાં લીધા હતા. બીજી તરફ એવી ચૌંકાવનારી વિગતો સામે આવી છે કે અનેક એજન્ટોએ રોકાણકારોના નાણાં ભુપેન્દ્રસિંહ ઝાલાને આપવાને બદલે બારોબાર લઇ લીધા હતા અને તેમાંથી મોંઘીદાટ કાર અને અન્ય ચીજવસ્તુઓમાં રોકાણ કર્યું હતું. જ્યારે કેટલાંક એજન્ટોએ નાણાં અંગત વપરાશમાં લઇ લીધા હતા. સીઆઇડી ક્રાઇમની અલગ અલગ ટીમને કુલ ૧૫ જેટલી લક્ઝરી ગાડીઓ પણ મળી આવી છે. જે જપ્ત કરવાની કાર્યવાહી થશે.   

ભોગ બનનાર રોકાણકારોને પોલીસ ફરિયાદ કરવા જણાવાયું


બી ઝેડ ફાઇનાન્સીયલ કૌભાંડમાં છેતરપિંડીનો ભોગ બનનાર લોકોની સંખ્યા સાડા ત્રણ લાખ જેટલા લોકોની છે. સીઆઇડી ક્રાઇમે આ કેસની તપાસમાં વધુ માહિતી મળી શકે તે માટે ભોગ બનનાર લોકોને નાણાંના રોકાણના કે અન્ય પુરાવા સાથે સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે.


ચાર્ટડ એકાઉન્ટન્ટ, ફોેરેન્સીક એક્સર્ટને સાથે રાખીને ખાસ ટીમ તૈયાર કરાશે


બીઝેડ ફાઇનાન્સીયલ કૌભાંડની તપાસમાં અનેક મહત્વની કડીઓ સામે આવી રહી છે. જેમાં નાણાંકીય કૌભાંડને લગતી તમામ વિગતો તપાસવા માટે પોલીસને ચાર્ટડ એકાઉન્ટન્ટ , ફોરેન્સીક એકાઉન્ટ એક્સપર્ટની પણ જરૃર હોવાથી આ અંગે ડીજીપીને રજૂઆત કરવામાં આવી હતી. જે અનુસંધાનમાં વિકાસ સહાયે આ માટે મંજૂરી આપતા સીઆઇડી ક્રાઇમ સીએ,  ફોરેન્સીક એકાઉન્ટ એક્સપર્ટ સાથે એક ટીમ તૈયાર કરશે. જે સમગ્ર કેસની તપાસમાં સાથે રહેશે.


ભુપેન્દ્રસિંહના ઘરેથી  સર્ચ ઓપરેશનમાં અનેક પુરાવા સાથે ત્રણ લક્ઝરી કાર જપ્ત કરાઇ


સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરની ટીમ દ્વારા ગુરૃવારે  બીઝેડ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાને ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં પોલીસને ડાયરી, દસ્તાવેજ, રોકાણના હિસાબોની વિગતો અને ત્રણ લક્ઝરી કાર મળી આવી હતી.  આ ઉપરાંત, આગામી દિવસોમાં ભુપેન્દ્રસિંહ ઝાલાના નજીકના સગા, મિત્ર, ધંધાકીય સંબધો ધરાવતા લોકોને ત્યાં પણ તપાસ કરવામાં આવશે.



Google NewsGoogle News