Get The App

35 'ભાડૂતી બેન્ક ખાતા'માં ક્રિકેટ સટ્ટાના 1,195 કરોડની હેરાફેરી

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
35 'ભાડૂતી બેન્ક ખાતા'માં ક્રિકેટ સટ્ટાના 1,195 કરોડની હેરાફેરી 1 - image


- CID ક્રાઈમે 3 ખાતાની તપાસ કરી તો 35 એકાઉન્ટ મળ્યાં

- અઢી વર્ષમાં જ ક્રિકેટ સટ્ટો, ઓનલાઈન ગેમના પૈસાની હેરાફેરીના આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં અમદાવાદ, જુનાગઢ-બનાસકાંઠાના સાત આરોપી સામે ફરિયાદ નોંધાઇ

અમદાવાદ,તા.24 જાન્યુઆરી,બુધવાર

ક્રિકેટ સટ્ટો હોય કે અન્ય ઓનલાઈન ગેઈમ્સમાં સટ્ટો બેરોકટોક સમાઈ રહ્યો છે. ક્રિકેટ કે ઓનલાઈન ગેઈમ્સના સટ્ટામાં હારજીતના પૈસાની હેરાફેરી માટે ભાડૂતી બેન્ક ખાતાંનો ઉપયોગ થઈ રહ્યો છે. એક-બે નહીં 35 ભાડૂતી બેન્ક ખાતાં ઓળખી કાઢી ગુજરાત સીઆઈડી ક્રાઈમની ટીમે અઢી વર્ષમાં જ 1,195 કરોડ રૂપિયાની હેરાફેરી પકડી પાડી છે. આ તોસ્તાન કૌભાંડમાં બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર, બેન્ક એકાઉન્ટસ અપાવનાર સહિતના કુલ સાત શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદ, જૂનાગઢ, બનાસકાંઠા અને બાલાસિનોરના શખ્સો સામે ઊંડાણભરી તપાસ બાદ પૈસા ક્યાં ગયાં? પૈસાની હેરાફેરી કે બેટિંગ સાઈટ્સ ઉપરથી થઈ વગેરે વિગતો સીઆઈડી શોધશે કે કેમ તેના પર મીટ મંડાઈ છે.

ક્રિકેટ અને ઓનલાઈન ગેઈમ્સના સટ્ટામાં પૈસાની હેરાફેરી અંગે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના વડાને એક અરજી મળી હતી. આ અરજી અંગે સીઆઈડી ક્રાઈમ, રાજકોટના નાયબ પોલીસ અધિક્ષક આર.એસ.પટેલે ઉંડાણભરી તપાસ હાથ ધરી હતી. તપાસના આરંભે હેમંત ટ્રેડિંગ, શિવમ ટ્રેડિંગ અને ખાનાજી નામની વ્યક્તિના એકાઉન્ટસની સટ્ટાના પૈસાની હેરાફેરીમાં ઉપયોગ અંગે કાર્યવાહી ચાલતી હતી. તપાસ દરમિયાન આવા એક-બે નહીં કુલ 35 એકાઉન્ટસ સીઆઈડી ક્રાઈમની ટીમે શોધી કાઢીને ફરિયાદ નોંધાવી છે.

સીઆઈડી ક્રાઈમ, અમદાવાદ ઝોનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, જૂન- 2021થી જાન્યુઆરી- 2024 એટલે કે અઢી વર્ષના સમયગાળા દરમિયાન ક્રિકેટ અને ઓનલાઈન ગેઈમ્સના સટ્ટાના કુલ 1195 કરોડ રૂપિયાની હેરાફેરી આ એકાઉન્ટસમાં થઈ છે. કુલ સાત આરોપીઓ સામે પોતાના આર્થિક લાભ માટે ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાનો જુગાર રમાડી તેના હાર-જીતના પૈસા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યાં હતાં. પૈસા ટ્રાન્સફર કરવા માટે યેનકેન પ્રકારે, લોન મેળવી આપવા અથવા તો વધારાની આવક મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. આવી વ્યક્તિઓના દસ્તાવેજોના આધારે સીમકાર્ડ ખરીદી અને તેમના નામે અલગ અલગ કંપનીઓ ખોલાવી હતી. આ પછી આ વ્યક્તિઓના નામના ખોટા ઈ-મેઈલ આઈડી બનાવાયાં હતાં અને કંપનીના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યાં હતાં. આ કંપનીઓ માટે ડાયરેક્ટર ઓફ ફોરેન ટ્રેડનું લાઈસન્સ મેળવવાનું ઓનલાઈન ફોર્મ પણ ભરવામાં આવ્યું હતું. આ માટે ખોટી વિગતો રજૂ કરી અને સાહેદોની ખોટી સહિઓ કરી જુગારની પ્રવૃત્તિ માટે આ એકાઉન્ટસનો દુરૂપયોગ કરાયો હતો. અઢી વર્ષના સમયગાળામાં જ આવા કુલ 35 બેન્ક એકાઉન્ટસ થકી 1195 કરોડ રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી. 1,195 કરોડના તોસ્તાન ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન કરી મોટો આર્થિક લાભ મેળવી સાહેદ તથા સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરાયા અંગે સીઆઈડી ક્રાઈમ, અમદાવાદ ઝોન દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.

પૈસાની હેરાફેરીના કૌભાંડમાં સુત્રધાર તરીકે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ઈસ્કોન મેગામોલ પાછળ આવેલા મારૂતી સેલેડ્રોનમાં રહેતા અમીત મનસુખભાઈ મજેઠિયા સામે ગુનો નોંધાયો છે. અગાઉ પીસીબીએ 12000 કરોડની હેરાફેરીનું કારસ્તાન પકડયું હતું તેમાં પણ અમિત વોન્ટેડ હોવાનું ઉચ્ચ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

12,000 કરોડના પીસીબીએ પકડેલા કૌભાંડમાં વોન્ટેડ અમિત મજેઠિયા દૂબઈથી નાસી છૂટયો

1195 કરોડના સીઆઈડીએ પકડેલા કૌભાંડમાં આરોપી અમિત મજેઠિયા માધવપુરામાં પીસીબીએ  સટ્ટાના પૈસાની હેરાફેરીના 12,000 કરોડના કૌભાંડમાં વોન્ટેડ છે. પીસીબીએ કૌભાડ પકડયા પછી  તોડબાજીના આક્ષેપો થયાં હતાં. 12,000 કરોડના આ તોસ્તાન કૌભાંડમાં અમિત મજેઠિયા ઉપરાંત મહાદેવ નામથી સટ્ટાબાજી કરતો બુકી વોન્ટેડ છે. જો કે, ગુજરાત પોલીસની તપાસમાં એવી વિગતો ખુલી છે કે, અમિત મજેઠિયા દુબઈથી પૈસાની હેરાફેરીનું કૌભાંડ ચલાવતો હતો. તેને ડિપોર્ટ કરવા કાર્યવાહી આરંભાયાની જાણ થતાં પલાયન થયેલાં અમિત મજેઠિયા બીજો કોઈ દેશમાં પલાયન થયો છે અને તેની ભાળ મેળવવા એજન્સીઓ કાર્યરત છે.

ત્રણ મુખ્ય બેન્ક એકાઉન્ટ છેતરપિંડી કે પૈસાની લાલચ આપી ડોક્યુમેન્ટસ મેળવીને ખોલાયાં હતાં

સટ્ટાના પૈસાની હેરાફેરીના ત્રણ મુખ્ય એકાઉન્ટની સીઆઈડી ક્રાઈમે તપાસ કરતાં તે સામાન્ય વ્યક્તિઓના નામે હોવાની વિગતો ખુલી છે. છેતરપિંડી કરીને કે પૈસાની લાલચ આપીને ડોક્યુમેન્ટસ મેળવીને એકાઉન્ટસ ખોલવામાં આવ્યાં હતાં. હેમંત ટ્રેડિંગ નામનું એકાઉન્ટ જેના નામે છે તે હેમંત શિકરવાલ પાસેથી ડોક્યુમેન્ટસ મેળવી તેના ફિલ્ડ મેનેજરે કંપની ખોલીને ખોલાવ્યું હતું. બદલામાં હેમંતને મહીને 10-12 હજાર આપતો હતો. શિવમ ટ્રેડિંગ નામનું એકાઉન્ટ શિવમ રાવલના નામે છે. છાપામાં જાહેરખબર જોઈ શિવમ રાવલે અમદાવાદના વિકી પાસે ડોક્યુમેન્ટસ સબમીટ કરાવ્યાં હતાં તેના આધારે એકાઉન્ટ ખોલી હેરાફેરી કરાઈ હતી. જ્યારે, ખાનાજી વાઘેલાનું એકાઉન્ટ થરાના ભાવેશ જોશીએ 3000ની લોન અપાવવાની લાલચ આપી ખોલાવ્યું હતું તેવી વિગતો સીઆઈડીની તપાસમાં ખુલી છે.

સટ્ટામાં અબજો રૂપિયાની હેરાફેરીમાં સાત આરોપી

1) અમીત મનસુખભાઈ મજેઠિયા (મારૂતિ સેલેડ્રોન, બોડકદેવ)

2) ઓમશંકર તિવારી (ન્યુ દિલ્હી)

3) ભાવેશ ગોપાલભાઈ સચાણિયા (મનોરંજન કમ્પાઉન્ડ, જુનાગઢ)

4) અશ્વિન મનસુખભાઈ સચાણિયા (હનુમાનપરા, જૂનાગઢ)

5) ધનંજય પ્રવિણભાઈ પટેલ (ભાથલા લાટ, બાલાસિનોર)

6) વિકીભાઈ (અમદાવાદ શહેર)

7) ભાવેશ ભુરાભાઈ જોશી (થરા, બનાસકાંઠા)


Google NewsGoogle News