USAના વિઝાના રૂ. ૫૦ લાખની માંગી પાસપોર્ટમાં છેડછાડ કરાયાની ફરિયાદ
સીઆઇડી ક્રાઇમ દ્વારા બે એજન્ટો વિરૂદ્ધ ગુનો નોંધાયો
ભોગ બનનાર યુવકના પાસપોર્ટને અમેરિકાના વિઝા માટે મજબુત બનાવવા માટે યુવકને અનેક દેશોના ટુરીસ્ટ વિઝા પર મોકલ્યો
અમદાવાદ,શુક્રવાર
મહેસાણા જિલ્લાના લાઘણજમાં રહેતા યુવકને અમેરિકાના વિઝા અપાવવાના નામે બે એજન્ટો દ્વારા આબાદ છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સીઆઇડી ક્રાઇમમાં નોંધવામાં આવી છે. જેમાં એક એજન્ટે ૫૦ લાખ રૂપિયામાં યુવકને અમેરિકાના વિઝા મેળવવા મજબુત પાસપોર્ટ તૈયાર કરવાનું કહીને તેને વિવિધ દેશોમાં વિઝીટર વિઝા પર મોકલ્યો હતો. જેમાં તેના ઇગ્લેન્ડના વિઝા કેન્સલ થયા હતા. જ્યારે બીજા એજન્ટે યુવકને પાસપોર્ટમાં ઇગ્લેન્ડ વિઝા રદ થયાના પાનામાં છેડછાડ કરીને યુવક પરિણીત હોવાની ઓળખ આપીને તેને અમેરિકા મોકલવા પ્રયાસ કર્યો હતો. આ અંગે સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના લાઘણજ ગામમાં રહેતા ધૃનિલ પટેલ નામના યુવકે નોધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના સમાજના અનેક લોકો અમેરિકામાં સેટલ થયા હોવાથી તેને પણ અમેરિકા જવુ હતુ. જેથી વર્ષ ૨૦૨૨માં ધૃનિલ તેના મિત્ર આકાશ પટેલ સાથે મોટેરા ચાર રસ્તા પાસે ઓફિસ ધરાવતા કિરણ પટેલ નામના એજન્ટને મળ્યા હતા. કિરણ પટેલેે તેને કાયદેસર અમેરિકા મોકલવાની ખાતરી આપીને ૫૦ લાખની ડીલ કરી હતી. પરંતુ, તે પહેલા પાસપોર્ટને અમેરિકાના વિઝા માટે મજબુત બનાવવાનું કહીને તેને પોર્ટુગલ, હંગેરી, દુબઇ, થાઇલેન્ડ જેવા દેશોમાં ટુરીસ્ટ વિઝા લઇને ફરવા જવાનું કહેતા ધૃનિલ તમામ દેશોમાં ફરીને આવ્યો હતો.ત્યારબાદ તેને ઇગ્લેન્ડના વિઝા અપાવ્યા હતા. તેમે મે ૨૦૨૪માં યુ કે જવા મોકલ્યો હતો. પરંતુ, ઓમાન એરપોર્ટ કનેક્ટીંગ ફ્લાઇટ લેતા સમયે ઇમીગ્રેશન અધિકારીએ તેના વિઝા રદ કરીને વિઝા કેન્સલ લખીને ભારત મોકલ્યો હતો.
ત્યારબાદ તેના એક મિત્ર મારફતે ધૃનિલે જુના વાડજ સુપથ-૨માં આવેલી મૈત્રી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક ધીરૂભાઇ પટેલનો સંપર્ક કર્યો હતો. તેમણે ધૃનિલનો અસલી પાસપોર્ટ લઇને ઇગ્લેન્ડના વિઝા રદ થયા હોવાથી અમેરિકાના વિઝાનો ખર્ચ વધશે તેમ કહીને પાસપોર્ટ પોતાની પાસે રાખીને ફોર્મ ભરાવવાની પ્રોસેસ કરાવી હતી. જેમાં તે ૨૨મી ઓગસ્ટના રોજ અમેરિકન એમ્બેસીની મુંબઇ સ્થિત ઓફિસ પર ગયો ત્યારે એમ્બેસીના અધિકારીએ પુછપરછ કરી હતી કે ઇગ્લેન્ડના વિઝા રદ થયા છે. તેનું પેઇજ પાસપોર્ટમાં નથી. ત્યારે ધૃનિલને ખબર હતી કે ધીરૂ પટેલ નામના એજન્ટે પાસપોર્ટમાં ચેડા કર્યા હતા. તેમજ વિઝા માટેના ફોર્મમાં ૧૦ દિવસ અમેરિકાની હોટલમાં રહેવાની નોંધ હતી. તેની સાથે પાયલ નામની યુવતી પણ જવાની હતી. જેની ઓળખ પત્ની તરીકે આપી હતી. આમ,એજન્ટે છેતરપિંડીનો પ્રયાસ કર્યો હતો. જે અંગે યુવકે સીઆઇડી ક્રાઇમનો સંપર્ક કરી ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.