એજન્ટોએ ભાંડો ન ફૂટે એટલે અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓને અજાણ્યા સ્થળોએ મોકલ્યાં
USA Deportation News | અમેરિકામાં ટ્રમ્પ સરકારે ગેરકાયદે રીતે પ્રવેશ કરેલા નાગરિકોને હાંકી કાઢવાનું અભિયાન શરુ કર્યું છે. જેમાં લાખો રૂપિયા ખર્ચીને બોર્ડર ક્રોસ કરીને ગયેલા અમદાવાદ સહિત ગુજરાતના 74 નાગરિકોને ડિપોર્ટ કર્યા છે. બીજી તરફ આ લોકો જેમના થકી અમેરિકા ગયા તે એજન્ટોને પણ આજે નહી તો કાલે પકડાવાનો ડર સતાવી રહ્યો હોવાથી એજન્ટો સક્રિય ભુમકિા ભજવી રહ્યા છે અને પરત આવેલા આ લોકો ઘરમાં રહેવાના બદલે બીજે જતા રહે તેવી ગોઠવણ કરી છે જેથી એજન્ટોનો ભાંડો ફૂટે નહી, પોલીસ માટે આ વાત પડકાર જનક બની છે.
લાખોનો ધૂમાડા બાદ ડિપોર્ટ થતાં ગુજરાતીઓ હતાશામાં
ડૉલરમાં કમાણી કરવાની ઘેલછામાં ગુજરાત સહિત ભારતના નાગરિકો લાખો રૂપિયા ખર્ચીને એજન્ટો દ્વારા બોર્ડર ક્રોસ કરીને ગેરકાયદે રીતે અમેરિકામાં ગયા હતા. જો કે અમેરિકન સરકારે તેઓને પકડી પકડીને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે તાજેતરમાં 33 સહિત કુલ 74 ગુજરાતી નાગરિકોનો સમાવેશ થાય છે.
એજન્ટોમાં ફફડાટ વ્યાપી ગયો
અમેરિકન સરકાર દ્વારા ગેરકાયદે સાબિત થયેલા નાગરિકોને જ ડિપોર્ટ કર્યા છે. સ્વદેશ પરત આવેલા નાગરિકોની પોલીસ દ્વારા પૂછપરછ કરાતાં તેમને અમેરિકા મોકલવામાં ભુમિકા ભજવાનારા એજન્ટોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જેથી એજન્ટોએ સક્રિય બનીને ગુજરાત પરત આવેલા નાગરિકો પોતાના ઘરે રહે નહી અને બીજે જતા રહે તેવી ગોઠવણ કરી આપી છે. જો કે મોટા મોટા સપાના જોઇને અમેરિકા ગયેલા નાગરિકોને લોખો રૂપિયા ખર્ચ્યા બાદ પરત આવવા પડતાં તેઓ ભારે હતાશામાં આવી ગયા છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત આઇબી વિભાગ દ્વારા હાલ તો પરત આવેલા ગેરકાયદે લોકો ખરેખર ગુજરાતના જ છે તેની ચકાસણી કરી હતી હવે ટૂંક સમયમાં એજન્ટોની વિગતો એકઠી કરવામાં આવશે તેવું આઇબી સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.