Get The App

ચિકનગુનિયા થયો હોય તો ચેતવું જરૂરી, મગજને નુકસાન થઈ શકે : નવો સ્ટ્રેન જોવા મળ્યો

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
ચિકનગુનિયા થયો હોય તો ચેતવું જરૂરી, મગજને નુકસાન થઈ શકે : નવો સ્ટ્રેન જોવા મળ્યો 1 - image


Mosquito borne disease in Gujarat : ગુજરાતમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય બીમારીના કેસમાં સતત વધારો થઈરહ્યો છે. ખાસ કરીને ગત વર્ષની સરખામણીએ ચિકનગુનિયાના કેમ બમણા થઈ ગયા છે. ચિકનગુનિયા સાથે એન્સેફેલાઇટિસ હોય તો કિડની, મગજ જેવા અંગોને નુકસાન થવાનું પણ જોખમ રહે છે. 

બમણી ગતિએ વધ્યો ચિકનગુનિયા

સામાન્ય રીતે ડેન્ગ્યુ કરતાં ચિકનગુનિયાના કેસ 10 ગણા ઓછા હોય છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વખતે ચિકનગુનિયાના 30 ટકાથી વઘુ કેસ નોંધાયા છે. હાલ જે સત્તાવાર આંકડા સામે આવી રહ્યા છે તેના કરતાં પણ ચિકનગુનિયાના કેસ અનેકગણા વધુ છે. આ વખતે ચોમાસા દરમિયાન ચિકનગુનિયાના કેસમાં બમણી ગતિએ વધારો થવા લાગ્યો છે. ડૉક્ટરોના મતે આ વખતે કેટલાક દર્દીઓમાં ચિકનગુનિયાની સાથે એન્સેફેલાઇટિસ પણ જોવા મળે છે. આ દર્દીઓમાં ચિકનગુનિયા જેવા જ તાવ, સાંધાના દુખાવા, ફોલ્લીઓ થવાના લક્ષણો હોય છે. આ પછી બીજા સપ્તાહમાં બળતરા મગજ સુધી પહોંચવા લાગે છે. 

આ પણ વાંચોઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગમે ત્યારે તિરાડો પડી શકે, ફેક એકાઉન્ટ પરથી પોસ્ટ કરનાર સામે ફરિયાદ

ચિકનગુનિયાના લક્ષણો

જેના કારણે દર્દી અશક્તિ, વધુ ઉંઘ આવવી, ચાલવામાં સમસ્યા, અનિયમિત યુરિનરી જેવી ફરિયાદ કરે છે. દિલ્હીમાં આ પ્રકારના લક્ષણ સાથેના દર્દીના સેમ્પલ જોવા મળ્યા છે તેને પૂનાની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ વિરોલોજીમાં પરીક્ષણ માટે મોકલાયા છે. જેના આધારે વાયરસ મ્યુટેશન છે કે ચિકનગુનિયાનો કોઈ નવો સ્ટ્રેઇન તે સ્પષ્ટ થશે. આ પ્રકારના કેસનું પ્રમાણ હાલ દેશમાં ખૂબ જ ઓછું છે. પરંતુ આ ગંભીર પ્રકારની બીમારીને ‘ગુઇલિયન બેર સિન્ડ્રોમ’ તરીકે ઓળખાય છે. જેમાં ચેતાતંતુઓને અસર થવા ઉપરાંત ભારે અશક્તિ આવવી, પેરાલિસિસ થવાનું જોખમ પણ રહે છે. કેટલાક દર્દીઓ એવા પણ છે જેમને ભારે અશક્તિ આવવાથી ચાલતાં-ચાલતાં પડી જાય છે. 

આ અંગે અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે, ‘આપણે ત્યાં આ વખતે ગત વર્ષની સરખામણીએ ચિકનગુનિયાના કેસ ખૂબ જ વધારે જોવા મળ્યા છે. જૂન સુધી ચિકનગુનિયાના કેસ પ્રમાણમાં ઓછા હતા. પરંતુ હવે ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. દર વર્ષે ડેન્ગ્યુ કરતાં 10મા ભાગના ચિકનગુનિયાના કેસ હોય છે. 

30 ટકાથી વધી ગયા ચિકનગુનિયાના કેસ

જોકે, આ વખતે ચિકનગુનિયાના કેસ પણ વધારે જોવા મળે છે. ગત વર્ષ કરતાં ચિકનગુનિયાના કેસમાં 30 ટકાથી વઘુ વધારો જોવા મળ્યો છે. ચિકનગુનિયા એન્સેફેલાઇટિસના કેસ આપણે ત્યાં હજુ વધારે જોવા મળ્યા નથી. આ વાયરસ શરીરના કોઈપણ ઓર્ગનને જોખમ પહોંચાડી શકે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય કે દર્દીને તેનું નિદાન મોડું થાય તો તકેદારી જરૂરી છે. ’ 

દર્દીને 8થી 10 દિવસ ICUમાં સારવાર લેવી પડે છે

ચિકનગુનિયાથી મગજને અસર થઈ હોય તેવા કેસ ગુજરાતમાં હજુ સુધી નોંધાયા નથી તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. અલબત્ત, દિલ્હી-મહારાષ્ટ્રમાં આ પ્રકારના કેસ જોવા મળ્યા છે, જેમાં ચિકનગુનિયાથી મગજને અસર થતાં દર્દીને ચાર-પાંચ દિવસ તો કેટલાક કિસ્સામાં 8-10 દિવસ આઇસીયુમાં સારવાર આપવી પડી છે. આ દર્દીના મગજનું સ્કેન કરાતાં તેમાં મગજમાં સોજો જોવા મળ્યો હતો. 

આ પણ વાંચોઃ 11 ઈંચ વરસાદ ખાબકતાં આ તાલુકો જળબંબાકાર, ગુજરાતમાં 24 કલાકમાં 114 તાલુકા ભિંજાયા

અમદાવાદમાં તાવના રોજના 6 હજારથી વઘુ દર્દી

અમદાવાદમાં તાવના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદમાં 1 હજાર જેટલી ખાનગી હૉસ્પિટલ આવેલી છે અને તેમાં દરરોજ આવતાં સરેરાશ 50 દર્દીમાંથી 6થી 8 દર્દી તાવની સમસ્યા સાથેના હોય છે. આ સ્થિતિએ અમદાવાદની હૉસ્પિટલોમાં રોજના 6 હજાર દર્દી નોંધાય છે. તાવના આ અંદાજે 6 હજાર દર્દી પૈકી 1 હજાર ડેન્ગ્યુ-ચિકનગુનિયાના હોય છે. આ ઉપરાંત તાવના રોજના 10 ટકા દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવા પડે છે.

દર વર્ષે આ સિઝન દરમિયાન ચિકનગુનિયાના કેસ જોવા મળે છે. ત્યારે આ વર્ષે જૂન 2024 સુધીમાં 189 કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા સાત વર્ષમાં ચિકનગુનિયાના કેસ

વર્ષ
શંકાસ્પદ
કન્ફર્મ
2018
10,601
1,290
2019
8,084
669
2020
8,120
1,061
2021
32,372
4,044
2022
20,855
1,046
2023
24,124
513
2024
8,437
189

 


Google NewsGoogle News