આજે સાંજે અમદાવાદીઓ અહીં કરશે આથમતા સૂર્યની પૂજા, સૌ પ્રથમ રામ અને સીતાએ કરી છઠ પૂજા
Chhath Puja in Ahmedabad: પૂર્વના બાપુનગર, વિરાટનગર, ઠક્કરનગર, ખોડિયારનગર વગેરે વિસ્તારોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે. તેમના દ્વારા કારતક સુદ છઠથી ચાર દિવસ કરાતી છઠ પૂજાની ઉજવણી આ વર્ષ પાંચથી આઠ નવેમ્બર સુધી કરાશે. ત્યારે આજે ગુરુવારે સાંજે અને શુક્રવારે પરોઢે ઈન્દિરા બ્રિજના છઠ ઘાટ તથા વિવિધ વિસ્તારોમાં બનાવાતા કુંડ પાસે સૂર્યદેવ અને છઠી માતાની પૂજા કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.
સૌ પ્રથમ ભગવાન રામ અને સીતા કરી છઠ પૂજા
પૂર્વમાં રહેતા ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ વગેરે રાજ્યોના લોકો દ્વારા મંગળવારથી છઠ પૂજા પર્વ મનાવવાનું શરૂ કરી દેવાયું છે. લોકવાયકા મુજબ યુદ્ધમાં વિજયી થઈને લંકાથી પરત ફર્યા બાદ માતા સીતા અને ભગવાન રામ દ્વારા બિહારમાં સૌપ્રથમ વાર ગંગા ઘાટે કૃતજ્ઞતા વ્યકત કરવા છઠ પૂજા કરવામાં આવી હતી. ત્યારથી આ પરંપરાચાલતી આવી છે.
શ્રદ્ધાળુઓ 36 કલાકના નિર્જલા ઉપવાસ રાખશે
આ વર્ષે પાંચ નવેમ્બરે નહાય-ખાય એટલે કે સ્નાન કરી સાત્વિક ભોજન સાથે છઠ પૂજા પર્વનો પ્રારંભ કરાયો હતો. બાદ આજે બીજા દિવસે ‘છોટી છઠી' મનાવી શ્રદ્ધાળુઓ 36 કલાકના નિર્જલા ઉપવાસ રાખશે. આવતી કાલે ગુરુવારે બડી છઠી મનાવાશે. જેમાં સાંજે પાંચ વાગ્યાથી સૂર્યાસ્ત સુધી નદીમાં ઉભા રહીને આથમતા સૂર્ય અને છઠી માતાની પૂજા કરાશે.
મેદાનોમાં પાણીના કુંડ બનાવીને પૂજા કરાશે
બાદ શુક્રવારે પરોઢથી સૂર્યોદય સુધી નદીકાંઠે ઉગતા સૂર્યની આરાધના કરાશે. આ દરમિયાન મીઠી પુરી, મીઠા ભાત (બખીર) સહિત ફળ અને અળવી, કોળું વગેરે કાચા શાકભાજીનો ભોગ ધરાવાય છે અને પછી ઘરે પ્રસાદમાં તેમનું શાક બનાવાય છે. હાલ ઈન્દિરા બ્રિજના છઠ ઘાટે તૈયારીઓને આખરીઓપ અપાઈ રહ્યો છે. તેમજ બાપુનગર સહિત પૂર્વના વિસ્તારોના મેદાનોમાં પાણીના કુંડ બનાવી બે દિવસ પૂજા કરાશે.