GPSC હવે સુધારણાના મૂડમાં: આવનાર આઠ પરીક્ષાઓના ભાગ 1નું એક જ કોમન પ્રશ્નપત્ર રહેશે
Changes In GPSC Preliminary Exam : ગુજરાત જાહેર સેવા આયોગમાં હસમુખ પટેલની નિમણૂકના થોડા જ દિવસમાં GPSCની ભરતી પ્રક્રિયામાં ઝડપી કાર્યવાહી માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ડિસેમ્બર-જાન્યુઆરી 2024-25ની લેવાની થતી કુલ 11 ભરતી પૈકી 8 ભરતીમાં સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ એકસરખો હોવાથી ભાગ 1નું આઠ પરીક્ષાઓના એક જ પ્રશ્નપત્ર તૈયાર કરાશે.
GPSCની જાહેરાત અનુસાર, GPSCની અગાઉની ભરતી પદ્ધતિમાં ભાગ 1 અને ભાગ 2 મળીને કુલ 300 ગુણના પ્રશ્નપત્રની સંયુક્ત પરીક્ષા લેવાતી હતી. જ્યારે હવે GPSC સુધારણાના મૂડમાં છે, ત્યારે ભાગ 1-2 માટે એક જ પ્રશ્નપત્ર તૈયાર કરી પરીક્ષા લેવામાં આવે તો, ભાગ 1ના કુલ 11 પ્રશ્નપત્રો તૈયાર કરવા પડે. આ ઉપરાંત તેની આન્સર કી તૈયાર કરવામાં અને મૂલ્યાંકન કરવામાં ઘણો સમય જતો હતો. જેથી ભરતી પ્રક્રિયામાં વિલંબ થવાની સંભાવના રહેતી હતી. જેમાં નિરાકરણ લાવવા માટે આયોગ દ્વારા ભાગ 1 અને ભાગ 2 બંને પ્રશ્નપત્રો અલગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
GPSC ભાગ 1ની આઠ પરીક્ષાઓના પ્રશ્નપત્ર કોમન રહેશે
જેમાં હવે ભાગ 1ની આઠ પરીક્ષાઓ માટે એક જ પ્રશ્નપત્ર તૈયાર કરીને તેનું મૂલ્યાંકનની કાર્યવાહી કરાશે. જ્યારે અન્ય ત્રણ બાકી રહેતી ભરતીમાં ભાગ 1ના અલગ પ્રશ્નપત્ર તૈયાર કરીને અલગથી મૂલ્યાંકન કરાશે. આમ કરવાથી ભરતી પ્રક્રિયામાં સમય ઘટશે અને ઝડપથી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે.
આ પણ વાંચો : ગુજરાત દૂધ ઉત્પાદનમાં દેશમાં ચોથા ક્રમે, વર્ષે 172 લાખ મેટ્રિક ટનથી વધુ થાય છે ઉત્પાદન
GPSC હેઠળની નાયબ બાગાયત નિયામક, સાયન્ટિફિક ઓફિસર, ટેકનિકલ એડવાઈઝર, લેક્ચરર (સિલેક્ટશન સ્કેલ) નર્સિંગ, લેક્ચરર (સિનિયર સ્કેલ) નર્સિંગ, મદદનીશ ઈજનેર - સિવિલ, મદદનીશ ઈજનેર - વિધુત, જુનિયર ટાઉન પ્લાનરની ભરતી માટેની પ્રાથમિક કસોટી 12 જાન્યુઆરી, 2025ના રોજ લેવાશે. જ્યારે અન્ય ત્રણ ભરતીમાં આસિસ્ટન્ટ મેનેજર, અધિક મદદનીશ ઈજનેર, સ્ટેશન ઓફિસરની પ્રાથમિક કસોટી 19 જાન્યુઆરી, 2025માં લેવાશે. આ માટે પ્રાથમિક કસોટીના ભાગ 1 અને ભાગ 2 માટે ઉમેદવારોએ એક જ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો રહેશે.