Get The App

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી, સાબરકાંઠામાં 4 બાળકોના મોત

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
Chandipuram virus


Chandipura virus in Gujarat: હાલમાં ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં એક તરફ કોલેરા અને ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે ત્યારે સાબરકાંઠામાં ચાંદીપુરા વાઇરસે કહેર વર્તાવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના લીધે 4 બાળકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ચાંદીપુરા વાઇરસના આતંકને જોતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે અને મૃતક બાળકોના રિપોર્ટ તપાસ માટે પૂના મોકલવામાં આવ્યા છે. 

કોરોના વાઇરસની મહામારીને લોકો હજુ માંડ માંડ ભૂલ્યું છે, ત્યારે એક નવો વાઇરસ આતંક મચાવી રહ્યો છે. જોકે આ વખતે સફાળું જાગી ગયું છે. સાબરકાંઠામાં આરોગ્યની ટીમે સર્વે કામગીરી હાથ ધરી દીધી છે. સર્વે દરમિયાન અરવલ્લીમાં આ શંકાસ્પદ વાઇરસના લીધે 2 દર્દીઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું, તો બીજી તરફ ભિલોડાના કંથારિયા વિસ્તારમાં આરોગ્ય ટીમે દ્વારા કરવામાં આવેલા સર્વેમાં હાલમાં 2 દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. 

તાજેતરમાં મળતી માહિતી અનુસાર ખેડબ્રહ્માના દિગથલી ગામના 5 વર્ષીય બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસ લક્ષણો જોવા મળતાં હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું નિપજ્યું હતું. ચાંદીપુરા વાઇરસના લીધે અત્યાર સુધી 4 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું આરોગ્ય વિભાગનું અનુમાન છે. અત્યાર સુધી 6 કેસ મળી આવ્યા છે જેમાંથી 4 દર્દીઓના મોત નિપજ્યા છે અને બે દર્દીઓ સારવાર હેઠળ છે.

3 ગુજરાતના અને 1 રાજસ્થાનના બાળકનું મોત

સાબરકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સુતરિયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ બે અન્ય બાળકોમાં પણ આ પ્રકારના લક્ષણ જોવા મળ્યા છે. તે પણ આ વાઇરસથી સંક્રમિત લાગી રહ્યા છે. અત્યાર સુધી જે ચાર બાળકોના મોત થયા છે, તેમાંથી એક સાબરકાંઠા જિલ્લાનો અને બે પડોશી અરવલ્લી જિલ્લાના રહેવાસી હતા, જ્યારે ચોથું બાળક રાજસ્થાનનું રહેવાસી હતું.  હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અન્ય બાળકો રાજસ્થાનના છે. 

સાબરકાંઠા પંથકમાં વાઇરસ મળી આવતાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાબરકાંઠા દોડી આવ્યા હતા અને સાવચેતીના ભાગરૂપે ગાંધીનગર ખાતે અધિકારીઓને બેઠક યોજવામાં આવી હતી. હાલ તંત્ર એલર્ટ મોડ પર છે, વાઇરસનો વધુ ફેલાયો ન થાય તે માટે દવાઓનો છંટકાવ શરૂ કરી દીધો છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડોર ટુ ડોર ચકાસણી કરવામાં આવી રહી છે.

શું હોય છે ચાંદીપુરા વાઇરસના લક્ષણો? 

ચાંદીપુરા વાઇરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે. માથું દુખવું (માથાનો સોજો) જેવું થાય છે. આંખો લાલ થઇ જાય, લાલ ચાઠાં પડી જાય છે. અશક્તિ જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા આ વાઇરસના મુખ્ય લક્ષણ છે. આ વાઇરસ મચ્છર, લોહી ચુસનાર જંતુ અને સેન્ડફ્લાય જેવા વેક્ટર્સથી ફેલાય છે. આ રોગજનક વાઇરસ રેબડોવિરિડે પરિવારના વેસિકુલોવાઇરસ જીનસનો સભ્ય છે. 


Google NewsGoogle News