ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ: અત્યાર સુધી 14ના શંકાસ્પદ મોત, 27 કેસ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ચાંદીપુરાના 27 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ ઉપરાંત, ચાંદીપુરા વાયરસને કારણે 14 લોકોના મોત થયાં છે. રાજ્યમાં સૌથી વધુ ચાંદીપુરા વાયરસના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 4-4 કેસ નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા 27 કેસમાંથી 3 કેસ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવ્યાં હોવાના જાણવા મળ્યું છે. વાયરસની ગંભીરતાને પગલે 47 હજારથી વધુ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય મંત્રી વીડિયો કોન્ફરન્સ કરીને અધિકારીને સૂચના આપશે.
આરોગ્ય મંત્રી વીડિયો કોન્ફરન્સ દ્વારા અધિકારીને સૂચના આપશે
રાજ્યમાં 12 જેટલાં જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી અમદાવાદ શહેરમાં પણ બે શંકાસ્પદ કેસ સામે આવ્યાં છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો જોવા મળતાં આરોગ્ય મંત્રી તેની ગંભીરતા દાખવીને વીડિયો કોન્ફરન્સ થકી અધિકારીઓને સૂચના આપવામાં આવશે.
રાજ્યમાં 47 હજારથી વધુ લોકોનું સ્ક્રીનીંગ કરાયું
ગુજરાતમાં 8500 થી વધુ ઘરો અને 47 હજારથી વધુ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્ય સરકારે ચાંદીપુરા વાયરસ સામે સાવચેતી રાખવા અંગેની સૂચના પણ આપવામાં આવી છે. બીજી તરફ, ચાંદીપુરા વાયરસની જાણકારી મળતા સમગ્ર દેશમાં ખળબળાટ મચી ગયો છે. જેને પગલે દેશની આરોગ્ય એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.
શું છે ચાંદીપુરા વાયરસના લક્ષણો?
ચાંદીપુરા વાઇરસ અસરગ્રસ્તને સૌથી પહેલા તાવ આવે છે. આ વાયરસમાં ફલૂ જેવા લક્ષણો જોવા મળે છે. આ સાથે મગજમાં સોજો આવવાની એન્સેફાલીટીસ નામની ગંભીર બિમારીના પણ લક્ષણો જોવા મળે છે.
ચાંદીપુરા વાયરસ શું છે?
ચાંદીપુરા વાયરસ એ RNA વાયરસ છે, સામાન્ય રીતે માદા ફ્લેબોટોમાઇન માખી દ્વારા ફેલાય છે. વર્ષ 1966માં પહેલીવાર મહારાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસ સંબંધિત કેસ સામે આવ્યો હતો. આ વાયરસની ઓળખ નાગપુરના ચાંદીપુરમાં થઈ હોવાથી તેનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2004 થી 2006 અને 2019 માં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ વાયરસના કેસ સામે જોવા મળ્યાં હતા. ચાંદીપુરા વાયરસ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સૌથી વધુ અસર કરે છે. 15 વર્ષની અંદરમાં આ વાયરસનો ભોગ બનેલા બાળકોનો મૃત્યુદર વધુ જોવા મળે છે. આ ઉપરાંત, ચાંદીપુરા વાયરસ સામે રક્ષણ મેળવવા માટે કોઈ પ્રકારીની એન્ટી વાયરલ દવાની શોધ થઈ નથી.