અમદાવાદના ચાંદખેડામાં વધુ એક ચેઇન સ્નેચિંગની ઘટના, સ્થાનિક રહીશો અસુરક્ષિત બન્યા
Chain-Snatching in Chandkheda : રાજ્ય સહિત અમદાવાદમાં સતત ક્રાઇમ રેટનો ગ્રાફ ઉંચો જતો જોવા મળી રહ્યો છે. ચોરી, લૂંટ, હત્યા અને ચેઇન સ્નેચિંગ સહિતના ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે સવારે ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં એક્ટિવા પર આવેલા બે શખ્સોએ રાહદારીના ગળામાંથી સોનાની ચેન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રાહદારીની સર્તકતાના લીધે બંને યુવકો ચેઇન ખેંચવામાં નિષ્ફળ રહ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે ન્યૂ ચાંદખેડાના આસ્થા ફ્લેટ રોડ પર ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી. એલ.આઇ.સી. ઓફિસર મનોજભાઇ સોલંકી આજે (ગુરૂવારે) વહેલી સવારે મોર્નિંગ વૉક કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન બે યુવક એક્ટિવા પર આવ્યા હતા અને તેમની ગળામાં રહેલી સોનાની ચેન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમની સર્તકતાના લીધે ચેન ખેંચવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચેઇન સ્નેચિંગ અને મોબાઇલ સ્નેચિંગની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને વહેલી સવારે જ્યારે મોનિંગ વૉક અને ઇવનિંગ વૉક પર નિકળેલા લોકો ટાર્ગેટ બનાવવામાં આવે છે. આ વિસ્તાર ઝડપથી વિકાસ પામી રહ્યો છે પરંતુ મોટાભાગના રોડ પર સ્ટ્રિટ લાઇટો બંધ છે, ઘણા માર્ગો પર સ્ટ્રીટ લાઇટો લગાવવામાં જ આવી નથી. જેથી અસામાજિક તત્વો તેનો લાભ લઇને અવાર-નવાર ચોરી, લૂંટ અને ચેઇન સ્નેચિંગ અને મોબાઇલ સ્નેચિંગની ઘટનાઓને અંજા આપતા હોય છે.
છેલ્લા એક મહિનાથી શાંભાના ગાંઠીયા બની સ્ટ્રીટ લાઇટો
ન્યૂ ચાંદખેડાના સત્યા સ્ક્વેરથી લઇને ગાંઠીયા રથ સુધીના એક કિલોમીટર લાંબા રોડ પર છેલ્લા એક મહિનાથી સ્ટ્રીટ બંધ હાલતમાં હોવાથી શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. આ રોડ પર વહેલી સવારે અને સાંજના સમયે પરીક્ષાની તૈયારી કરતા યુવકો, આસપાસ સ્થાનિક રહેવાસી અને વડીલો મોર્નિંગ વૉક અને ઇવનિંગ વૉક માટે નીકળતા હોય છે. આ રોડ પર સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી ઘણીવાર ચેઇન સ્નેચિંગ અને મોબાઇલ સ્નેચિંગ ઘટનાઓ બની ચૂકી છે. તેમછતાં હજુ પણ આ રોડ પર અંધકાર પથરાયેલો છે. જો આ સ્ટ્રીટ લાઇટો વહેલી તકે ચાલુ કરવામાં આવે તો ચોરી, લૂંટ અને ચેઇન સ્નેચિંગ અને મોબાઇલ સ્નેચિંગની ઘટનાઓને અટકાવી શકાય એમ છે.