CBSEની ધો.10-12ની બોર્ડની પરીક્ષા આવતીકાલથી શરૂ, સીસીટીવી મોનિટરિંગ ઓફિસર પરીક્ષાર્થીઓ પર રાખશે બાજ નજર
CBSE Exam : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવતીકાલે (15 ફેબ્રુઆરી) શરૂ થશે. જેમાં 44 લાખ જેટલાં વિદ્યાર્થીઓ વિવિધ 204 જેટલાં વિષયોમાં પરીક્ષા આપશે. દેશભરમાં આવતીકાલથી CBSEની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે, ત્યારે પરીક્ષામાં કોઈ પ્રકારની ગેરરીતિ ઊભી ન થાય તેને લઈને CBSE દ્વારા નવી સીસીટીવી પોલિસી અપનાવી છે.
CBSE બોર્ડ પરીક્ષાનું ટાઇમ ટેબલ ડાઉનલોડ કરવામાં માટે અહીં ક્લિક કરો
સીસીટીવી મોનિટરિંગ ઓફિસર રાખશે પરીક્ષાર્થીઓ પર બાજ નજર
CBSEની ધોરણ 10 અને 12ની બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 જાન્યુઆરી 2025થી 14 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલી. જ્યારે આવતીકાલથી થિયરી શરૂ થશે. CBSEએ પરીક્ષા કેન્દ્ર પર 240 વિદ્યાર્થીઓ અથવા 10 ક્લાસરૂમ વચ્ચે સીસીટીવી મોનિટરિંગ ઓફિસર મુકવામાં આવ્યા છે, જેમના દ્વારા વિદ્યાર્થીઓ પર નજર રાખવામાં આવશે. આ સીસીટીવી રેકોર્ડિંગનને આશરે બે મહિના સુધી રાખવામાં આવશે. રાજ્યમાં રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 48 કેન્દ્ર પર ધોરણ 10ના 2602 અને ધોરણ 12ના 1623 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
શાળાઓએ માર્કસ અપલોડ કરવાના રહેશે
પ્રેક્ટિકલ પરીક્ષાની માર્ગદર્શિકા મુજબ, શાળાઓએ માર્કસ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. શાળાઓએ વિદ્યાર્થીઓના માર્કસ બોર્ડની વેબસાઈટ પર પરીક્ષાના દિવસે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. બોર્ડે શાળાઓને પ્રેક્ટિકલ પરીક્ષાઓ તેમજ માર્ક્સ અપલોડ કરવાની પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા સૂચના આપી હતી. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, માર્ક્સ અપલોડ કરવાની તારીખ લંબાવવામાં આવશે નહીં.
33 ટકા માર્ક્સ જરૂરી
CBSE બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓ માટે થિયરી પરીક્ષામાં સફળ થવાની સાથે પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. જો કોઇ વિદ્યાર્થી થિયરી પરીક્ષામાં પાસ થયો હોય પરંતુ પ્રેક્ટિકલ પરીક્ષામાં નાપાસ થયો હોય તો તેને નાપાસ જ ગણવામાં આવશે. નોંધનીય છે કે, CBSE બોર્ડની પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીને તમામ વિષયોમાં 33 ટકા માર્ક્સની જરૂર હોય છે.