સ્ટેમ્પ પેપર કૌભાંડમાં તેલગીના પાંચ સાગરીતોને CBI કોર્ટે ફટકારી ત્રણ-ત્રણ વર્ષની સજા
Stamp Paper Scam : દેશભરમાં રૂ.20 હજાર કરોડ રૂપિયાના બનાવટી સ્ટેમ્પ પેપર કૌભાંડના મુખ્ય સૂત્રધાર અબ્દુલ કરીમ તેલગીના પાંચ સાગરિતોને અત્રેની અમદાવાદ ગ્રામ્યની સીબીઆઇ કોર્ટે 20 વર્ષ જૂના એક કેસમાં દોષિત ઠરાવી ત્રણ-ત્રણ વર્ષની સજા અને રૂ.50 હજારનો દંડ ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે. સીબીઆઇ સ્પેશ્યલ જજ એન.એન.પાથરે તેલગીના સાગરિતો ફાલ્ગુની બાબુભાઇ પટેલ, કિશોર પુરુષોત્તમ પટેલ, પ્રશાંત નિગપ્પા પાટીલ, અમઝદઅલી ઉર્ફે અમઝદભાઇ અને ઝાકીરહુસૈન ઉર્ફે મીહિરભાઇનો સમાવેશ થાય છે.
20 વર્ષ જૂના કેસમાં તમામ પાંચેય આરોપીઓને દોષિત ઠરાવ્યા
સ્ટેમ્પ વિભાગના અધિકારીઓએ ગત તા.4-10-2001થી તા.8-10-2001 દરમ્યાન સુરત, અમદાવાદ સહિતના સ્થળોએ દરોડા પાડી બનાવટી સ્ટેમ્પ પેપરો જપ્ત કર્યા હતા. બાદમાં સમગ્ર પ્રકરણમાં સીબીઆઇ દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમ્યાન અબ્દુલ કરીમ તેલગી અને તેના સાગરિતો ફાલ્ગુની બાબુભાઈ પટેલ, કિશોર પુરષોતમભાઈ પટેલ, પ્રશાંત નિગપ્પા પાટીલ, અમઝદલી ઉર્ફે અમઝદભાઈ અને ઝાકીરહુસેન ઉર્ફે મીહીરભાઈ, સહિત 16 જણા સામે ગુનો નોંધીને ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા.
જેમાં અગાઉ અબ્દુલ કરીમ તેલગી અને રાજુ નાયકે ગુનો કબૂલી લેતા કોર્ટે તેને સજા ફટકારી હતી. આ પછી પાંચ આરોપીઓ સામે કેસ ચાલતા સીબીઆઈના ખાસ એડવોકેટ અતુલ રંજન પ્રકાશ સિંઘએ કેસ પુરવાર કરીને કોર્ટનેજણાવ્યુ હતુ કે, આરોપી સામે ગંભીર ગુનો પુરવાર થયો છે. કોર્ટે એક મહિલા સહિત પાંચેય આરોપીને ગુનેગાર ઠરાવીને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી.