Get The App

અમદાવાદમાં ઢોર નિયંત્રણ પોલીસીની ઘોર ખોદાઈ, રસ્તે પસાર થતી મહિલાને ગાયે શિંગડા માર્યા

મહિલા ગાયથી બચવા ગઈ અને પડી ગઈ ત્યારે ગાયે મહિલાના શરીર પર શિંગડા માર્યા

થોડીવારમાં તો ગાયોનું ટોળું ઉમટ્યું અને બચાવવા આવેલા લોકોને પણ અડફેડે લીધા

Updated: Aug 29th, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં ઢોર નિયંત્રણ પોલીસીની ઘોર ખોદાઈ, રસ્તે પસાર થતી મહિલાને ગાયે શિંગડા માર્યા 1 - image



અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના બિસ્માર રસ્તા અને રખડતાં ઢોર મુદ્દે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. ત્યાર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર અંકુશ પોલિસીને સુધારા વધારા સાથે મંજૂરી આપી દેવામાં આવી છે. આ પોલીસીની ઐસી કી તૈસી જોવા મળી રહી છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં એક મહિલા ચાલતી પસાર થતી હતી ત્યારે રસ્તા ઉપર ઊભેલી ગાયે અચાનક હુમલો કર્યો હતો. મહિલા નીચે પડી જતાં તેને ગાયે શિંગડાં માર્યાં હતાં. સ્થાનિક લોકોએ મહિલાને ગાયના હુમલામાંથી બચાવી હતી. 

મહિલાને શરીરના ભાગે ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયા

સુત્રોના જણાવ્યા પ્રમાણે નરોડા વિસ્તારમાં વર્ષાબેન પંચાલ નામની મહિલા પસાર થઈ રહ્યાં હતાં એ દરમિયાનમાં રોડ ઉપર ગાયોનું ટોળું ઊભું હતું. અચાનક જ એક ગાય તેમની પાછળ પડી હતી. વર્ષાબેન દોડવા ગયાં એ દરમિયાન તેઓ નીચે પડી ગયાં હતાં અને ગાય તેમની ઉપર હુમલો કરી દીધો હતો. ત્યાંના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ગાયને ભગાડી હતી. ત્યાર બાદ મહિલાને શરીરના ભાગે ઇજાઓ થતાં 108 બોલાવી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મહિલાને પાંસળીઓના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. 

સીએનસીડી વિભાગની કામગીરી સામે સવાલ

રખડતાં પશુઓને લઈ નિયંત્રણ માટે ઢોર પોલિસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. જોકે ઢોર નિયંત્રણ પોલિસીનો અમલીકરણ હજી સુધી કરવામાં આવ્યો નથી. અમદાવાદમાં તમામ વિસ્તારોમાં રોડ ઉપર ઢોર રખડતાં જોવા મળી રહ્યાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર આખા દિવસમાં શહેરમાંથી રોજના 50થી પણ ઓછા ઢોર પકડવામાં આવતાં સીએનસીડી વિભાગની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. 


Google NewsGoogle News