ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર આરોપી તથ્ય તથા તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે માનવવધનો ગુનો દાખલ
આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે ટાળાને ગાળો બોલીને ધમકીઓ આપી હતી
અમદાવાદઃ શહેરમાં ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 9 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું મોત થયું છે. પોલીસે અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલ, તેના પિતા પજ્ઞેશ પટેલ, 3 યુવતી સહિત 6ની અટકાયત કરી છે.આ ઘટનામાં કોઈએ પુત્ર તો કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે. તે ઉપરાંત ત્યાં ફરજ પર રહેલા એક કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પણ મોતને ભેટ્યાં છે. આ મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકો પણ સામેલ છે. હોસ્પિટલમાં મૃતકોના સ્વજનોનું આક્રંદ અને હૈયાફાટ રૂદનથી ગમગીની છવાઈ ગઈ હતી. આ કેસમાં પોલીસે કાર ચાલક તથ્ય પટેલ તથા તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે માનવ વધનો ગુનો દાખલ કર્યો છે. તે ઉપરાંત સરકાર તરફે કાર ચાલક સામે અલાયદી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અકસ્માત થયો તે સમયે કાર 160ની સ્પીડમાં હતી
એફએસએલના રીપોર્ટમાં અકસ્માત થયો તે સમયે કાર 160ની સ્પીડમાં ચાલી રહી હતી. તે ઉપરાંત પોલીસને પુછપરછમાં એવું પણ જાણવા મળ્યું હતું કે, કારમાં મ્યુઝિક સિસ્ટમ મોટા અવાજે ચાલી રહી હતી. જેના કારણે બહારનો કોઈ પણ અવાજ સંભળાઈ રહ્યો નહોતો. ગાડીમાં તથ્ય પટેલ સહિત 6 લોકો સવાર હતાં. આ તમામ ગાડીમાં મસ્તી કરી રહ્યાં હતાં. લોકોથી બચવા માટે આ પાંચેય લોકો ત્યાંથી ફરાર થઈ ગયાં હતાં એવું કારમાં સવાર લોકોએ પોલીસની પુછપરછમાં જણાવ્યું છે.કારમાં સવાર લોકોએ પોલીસને કહ્યું હતું કે, રાત્રે ઈસ્કોન બ્રિજ પર પહોંચ્યા ત્યારે સ્ટ્રીટ લાઈટ નહોતી જેના કારણે આગળ શું છે તે દેખાયું નહીં અને અકસ્માત થયો હતો. તથ્ય સાથે જેગુઆરમાં આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલ હતી. આ પાંચેયની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. આ પાંચેય તથ્ય સાથે મોહમદપુરા પાસે આવેલા એક કેફેમાં ભેગા થયા હતા. બધા ત્યાંથી રાજપથ ક્લબ તરફ જવા નીકળ્યા હતા.
તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી કરવા આદેશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી, અટકાયત અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસના આદેશો આ ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા હતા. અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં એક જોઈન્ટ કમિશનર, ત્રણ ડી.સી.પી અને પાંચ પી.આઈ આ અકસ્માતની ઘટના અંગે તપાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરોમાંથી પસાર થતાં હાઈવે સહિત રાજ્યભરમાં હાઈવે પર વાહનોની સ્પીડ વગેરેની દેખરેખ માટે સી.સી.ટી.વી કેમેરા નેટવર્ક અને મહાનગરોનાં હાઈવે પર લાઈટ પોલ અંગે પોલીસ, માર્ગ-મકાન, શહેરી વિકાસ વિભાગ અને સ્થાનિક સત્તાતંત્ર વચ્ચે સંકલન સાધીને વધુ સુદ્રઢ બનાવવા મુખ્ય સચિવને સુચનાઓ આપી હતી.