સાબરકાંઠા: નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે બે લોકો તણાયા, ફાયર બ્રિગેડ-તંત્રની ટીમનું દિલધડક રેસ્ક્યુ
Rain In Sabarkantha : હવામાન વિભાગ આગામી ત્રણ દિવસ ઉત્તર ગજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે. ધોધમાર વરસાદને પગલે સાબરકાંઠાના ઇડર તાલુકાના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં બે લોકો કાર સાથે તણાયા હતા. આ પછી પ્રશાસન દ્વારા બંને લોકોનું સફળ રેસ્ક્યુ કરીને જીવ બચાવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે કલેક્ટરે સોશિયલ મીડિયામાં જાણકારી આપી.
આ પણ વાંચો : બંગાળની ખાડીમાં વાવાઝોડાની આશંકા: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદની આગાહી, IMDનું ઍલર્ટ
ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરીને બંનેને બચાવાયા
સાબરકાંઠાના ઇડર તાલુકાના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા હતા. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિકોને થતા ડિઝાસ્ટર વિભાગને જાણ કરવામાં આવી હતી. આ પછી, ઈડર અને હિંમતનગર ફાયર વિભાગના ટીમ ઘટના સ્થળે પહોંચીને નદીના ધસમસતા પ્રવાહમાં તણાયેલા બંને લોકોનું રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યાં હતા.
કલેક્ટરે ઘટના અંગે જાણકારી આપી
સમગ્ર ઘટનાને લઈને સાબરકાંઠાના કલેક્ટર દ્વારા સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે, 'ઇડર તાલુકામાં કરોલ નદી ઉપર વડીયાવીર ગામે બનાવેલા કોઝવેમાં એક દંપતી કાર સાથે ફસાયા હતા. નદીમાં તણાયેલા લોકોનું ફાયરની ટીમ અને તંત્ર દ્વારા સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું, પ્રાથમિક હેલ્થ ચેક-અપ કરી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને સલામત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા.'