આળસુ GPSCની ઘોર બેદરકારી: 3 પરીક્ષામાં ઉમેદવારો રિપીટ થવાથી જગ્યાઓ ખાલી રહેશે, નવા ઉમેદવારો ઇન્ટરવ્યુથી વંચિત રહેશે
GPSC Exam Pattern : અગાઉ ટાઈમ ટેબલ અને કેલેકન્ડર પ્રમાણે ચાલતી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) હવે આળસુ બની ગઈ છે. આ આળસને પરિણામે એક જ પ્રકારની પરીક્ષાઓમાં ઉમેદવારોનું ભવિષ્ય લટકી ગયું છે. GPSC દ્વારા તારીખ 20 થી 25 ઓક્ટોબર દરમિયાન જાહેરાત ક્રમાંક 47/2022-23 ની મુખ્ય પરીક્ષાનું આયોજન કર્યું, જેમાં આશરે 10,000 થી વધારે ઉમેદવારો પરીક્ષા આપશે. પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાન લેતા જાહેરાત ક્રમાંક 47/2022-23ના પ્રાથમિક પરીક્ષાના પરિમાણમાં ફેરવિચારણા તેમજ જાહેરાત ક્રમાંક 30/2021-22ના આખરી પરિણામ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી પિટિશનનો આખરી ચુકાદો આવ્યો નથી. આ પછી વર્ગ-1/2 ની સિવિલ સર્વિસ પરીક્ષા એટલે કે જાહેરાત ક્રમાંક 20/2022-23ની મુખ્ય પરીક્ષાનું પરિણામ પણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
2021 થી 2023ની ત્રણેય પરીક્ષામાં ઉમેદવારો રિપીટ થવાની શક્યતા
આમ સમાંતરે વર્ગ-1/2 ની સિવિલ સર્વિસની કુલ ત્રણ પરીક્ષાઓ GPSC દ્વારા આયોજિત છે. એક સાથે ચાલી રહેલી ત્રણેય પરીક્ષા વચ્ચે જાહેરાત ક્રમાંક 30/2021-22માં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારો જાહેરાત ક્રમાંક 20/2022-23ના ઇન્ટરવ્યૂમાં પણ પસંદ થાય તેવી પ્રબળ શક્યતા છે. આ ઉપરાંત, જાહેરાત ક્રમાંક 30/2021-22 અને 20/2022-23ના ઉમેદવારો જાહેરાત ક્રમાંક 47/2022-23ની મુખ્ય પરીક્ષામાં અને આખરી પરીણામમાં પણ રિપીટ થશે.
આ પણ વાંચો : અમરેલી જિલ્લા પંચાયતમાં કરાર આધારિત ભરતી, પગાર રૂ. 60000, જાણો સમગ્ર વિગતો
એક પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કર્યા બાદ જ અન્ય પરીક્ષા લેવાતી
ઉપરોકત જાહેરાતોમાં વેઇટિંગ લિસ્ટની કોઈ જોગવાઈ ન હોવાથી પ્રબળ શક્યતા છે કે ત્રણેય જાહેરાતોમાં સમાન વિદ્યાર્થીઓ જ રિપીટ થાય, અંતે જગ્યાઓ ખાલી રહેવાની સાથે મુખ્ય પરીક્ષામાં નવા ઉમેરાયેલા ઉમેદવાર ઇન્ટરવ્યુથી પણ વંચિત રહી શકે છે. GPSC દ્વારા દર વર્ષે એક જ સિવિલ સર્વિસ પરીક્ષા લેવામાં આવે છે. જેમાં પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર થયા બાદ જ અન્ય સિવિલ સર્વિસ પરીક્ષાની મુખ્ય પરીક્ષા લેવામાં આવે છે.
ભૂતકાળમાં GPSC દ્વારા પણ આ જ પ્રકારે પ્રથમ એક પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કર્યા બાદ જ અન્ય સિવિલ સર્વિસ પરીક્ષાની મુખ્ય પરીક્ષા લેવામાં આવતી હતી.
47/2022-23ની ભરતી કાર્યવાહીને પછી આગળ વધારવી...
જેમ કે, જાહેરાત ક્રમાંક 121/2016-17નું અંતિમ પરીણામ પ્રસિધ્ધ થયા બાદ જાહેરાત ક્રમાંક 40/2018-19ની પ્રાથમિક પરીક્ષા યોજવામાં આવી હતી. જેના અંતિમ પરિણામ પછી જ જાહેરાત ક્રમાંક 26/2020-21 યોજવામાં આવી. આમ કરવાથી કોઇપણ પરીક્ષામાં સમાન ઉમેદવારો રિપીટ થવાના ચાન્સ જ રહેતા નથી.
આથી તમામ બાબતોને ધ્યાને લઇને અગાઉની પરીક્ષાઓ પૂર્ણ જાહેર ન થાય ત્યાં સુધી હાલ જાહેરત ક્રમાંક 47/2022-23ની કાર્યવાહીને આગળ ન વધારવી જોઈએ, કે જેથી ઉમેદવારોનું હિત પણ જળવાય અને સરકારી સંસાધનો અને સમયનો પણ બચાવ થઈ શકે.