Get The App

સીઆઇડી ક્રાઇમે ચાર એજન્ટો વિરૂદ્ધ ૫૯ લાખની છેતરપિંડીના બે ગુના નોંધ્યા

કેનેડામાં વિઝાના નામે છેતરપિંડીના કેસમાં વધારો

યુવક પાસેથી મુંબઇના એજન્ટે ૩૪ લાખ લઇને કોઇ વિઝા પ્રોસેસ ન કરીઃ કલોલમાં રહેતી યુવતીના પિતા પાસેથી રૂપિયા ૨૫ લાખ પડાવી લેવાયા

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
સીઆઇડી ક્રાઇમે  ચાર એજન્ટો વિરૂદ્ધ ૫૯ લાખની છેતરપિંડીના બે ગુના નોંધ્યા 1 - image

અમદાવાદ, રવિવાર

કેેનેડામાં વર્ક પરમીટના નામે કે કાયમી કરી આપવાના નામે છેતરપિંડી કરવાના ગુનાઓમાં વધારો થયો છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઇમે છેતરપિંડીની વધુ બે ફરિયાદ નોંધી છે. જેમાં પ્રાંતિજમાં રહેતા યુવકને કેનેડામાં સ્થાયી કરવાના નામે મુંબઇના બે એજન્ટોએ રૂપિયા ૩૪ લાખ રૂપિયા લઇ કોઇ પ્રોસેસ કરી નહોતી . જ્યારે બીજા બનાવમાં કલોલમાં રહેતી યુવતીને કેનેડામાં નોકરીના  અપાવવાનું રહીને ગાંધીનગરના  બે એજન્ટોએ રૂપિયા  ૨૫ લાખ રૂપિયા પડાવીને પરત આપ્યા નહોતા.   ગાંધીનગર જિલ્લાના કલોલમાં રહેતા મુકેશભાઇ પટેલનો પુત્ર સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં અભ્યાસ કરે છે. જ્યારે તેમની પુત્ર જીલે નર્સિગનો કોર્ષ પુર્ણ કર્યો હતો. તેમની દીકરીને કેનેડામાં પીઆર વિઝા સાથેે સેટલ થવાનું હોવાથી ગત જુલાઇ ૨૦૨૨માં તેમણે ગાંધીનગર કુડાસણમાં આવેલા ઉગતી કોર્પોરેટ પાર્ક સ્થિત ઉમિયા ઓવરસીઝ પર સંપર્ક કર્યો હતો. જ્યાં અનેરી પટેલ નામની યુવતીએ તેમને ૬૫ લાખની પીઆર વિઝા અપાવવાની ખાતરી આપી હતી. ત્યારબાદ  વિવિધ ડોકયુમેન્ટની સાથે  વિશાલ પટેલને ૨૦ લાખ રૂપિયા ચુકવ્યા હતા. તે પહેલા પાંચ લાખ એડવાન્સ આપ્યા હતા.

ત્યારે ઉમિયા ઓવરસીઝના વિશાલ પટેલ , અંકિત પટેલ અને અનેરી પટેલે વિઝાની ખાતરી આપી હતી. ત્યારબાદ કોઇ કાર્યવાહી થતી નહોતી. ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વિઝા માટે કોઇ પ્રોસેસ કરવામાં આવી નહોતી.જેથી મુકેશભાઇએ અંકિત પટેલ અને વિશાલ પટેલ (ંબને રહે. લવારપુર, ગાંધીનગર) વિરૂદ્ધ છેતરપિડીની ફરિયાદ નોંધાવી હતી.  

અન્ય બનાવમાં  સાબરકાઠાના પ્રાંતિજમાં રહેતા જયદીપ પટેલને કેનેડા જવાનું હોવાથી હિંમતનગરમાં આવેલી એક ઓફિસમાં ફાઇલ મુકી હતી. પરંતુ, તે રિજેક્ટ થઇ હતી. ત્યારબાદ તેમણે તેમના એક જાણીતા વ્યક્તિના રેફરન્સથી મુંબઇ વિરાર વેસ્ટમાં આવેલા એટલાન્ટીક સ્ટડી ઓવરસીઝના અલ્પાબેન ઠક્કરનો સંપર્ક કર્યો હતો.  તેમણે આ માટે તેમને એસ જી હાઇવે પરની હોટલ પર બોલાવીને ૩૪ લાખમા ંડીલ નક્કી કરી હતી. જેથી નક્કી થયા મુજબ જયદીપે ૩૪ લાખ ચુકવી આપ્યા હતા. ત્યારબાદ અમદાવાદના આરટીઓ સર્કલ પર આવેલી એક હોટલમાં આઇઇએલટીએસની પરીક્ષા પણ અપાવી હતી. જો કે ત્યારબાદ અલ્પા ઠક્કર અને ઓવરસીઝના માલિક રાજુલ અજયે ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. જેથી જયદીપે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે એજન્ટોએ વિઝાની કોઇ પ્રોસેસ કરી નહોતી. આ અંગે સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News