Get The App

સરકારી નાણાનો દુરુપયોગ, ગુજરાતનાં 30 જાહેર સાહસોએ કરી 2500 કરોડની ખોટ, બંધ કરો આવા ધંધા!

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
public enterprises


CAG Report: ગુજરાત સરકારના વિવિધ બોર્ડ-નિગમ અને સરકારી કંપનીઓની નાણાકીય પરિસ્થિતિ પર ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)એ આકરી ટીકાઓ કરી છે. તેમણે સરકારને કહ્યું છે કે 'આ સાહસો અને કંપનીઓના પુનરુત્થાન કે તેને સમેટી લેવા માટેનો યોગ્ય નિર્ણય કરવો જોઈએ. ખોટ કરતાં 30 જાહેર સાહસોએ સરકારને આર્થિક મદદ કરવા કંઈ ઉખાડ્યું નથી.' 

CAGનો રિપોર્ટ

CAGના રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજ્યના જાહેર ક્ષેત્રના 63 ઉપક્રમો દ્વારા કમાવવામાં આવેલા 9927.30 કરોડ રૂપિયાના નફામાંથી 94.38 ટકા ફાળો માત્ર 10 જાહેર ઉપક્રમોનો જ હતો, જ્યારે રાજ્યના જાહેર ક્ષેત્રના 30 ઉપક્રમો દ્વારા કરવામાં આવેલી 2456.98 કરોડ રૂપિયાની ખોટ પૈકી 2276.72 કરોડ રૂપિયાનું નુકશાન રાજ્યના જાહેર ક્ષેત્રના છ ઉપક્રમોએ નોંધાવ્યું છે.

સરકારી નાણાનો દુરુપયોગ, ગુજરાતનાં 30 જાહેર સાહસોએ કરી 2500 કરોડની ખોટ, બંધ કરો આવા ધંધા! 2 - image

આ પણ વાંચો: ખાનગી કોલેજમાં MBBS ભણવું સપનું બની જશે! કરોડપતિ વાલીઓને જ પોષાય તેવો તોતિંગ ફી વધારો


વિધાનસભામાં રજૂ થયેલા કેગના 2023ના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે નાણાકીય વર્ષના ઓડિટ હેઠળ જાહેર ક્ષેત્રના 101 એકમો અમારી સમક્ષ હતા, જેમાં ચાર વૈધાનિક નિગમો, 65 સરકારી કંપનીઓ અને 32 સરકાર નિયંત્રિત કંપનીઓનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે નાણાકીય પત્રકોની રજૂઆતની બાબતમાં નિયમ સમયસીમાનું 69 એકમોએ પાલન કર્યું નથી અને તેના 188 હિસાબો પડતર રહ્યાં છે. રાજ્ય સરકારે નુકશાન કરતા જાહેર ઉપક્રમોની કામગીરીની સમીક્ષા કરવી જોઇએ.

સરકારી નાણાનો દુરુપયોગ, ગુજરાતનાં 30 જાહેર સાહસોએ કરી 2500 કરોડની ખોટ, બંધ કરો આવા ધંધા! 3 - image

આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 153 તાલુકામાં મેઘરાજાની રમઝટ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો


કેગ તરફથી નોંધાયું છે કે સરકારે વ્યક્તિગત રૂપે રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમો માટે નાણાકીય સમયપત્રકો સમયસર રજૂ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવો જોઇએ અને પાછલી બાકીના નિકાલ પર દેખરેખ રાખવા વહીવટી વિભાગોને જરૂરી સૂચનાઓ આપવી પડશે. એટલું જ નહીં, સરકારે નિષ્ક્રિય કંપનીઓની સમીક્ષા કરી તેમના પુનરુત્થાન કે સમેટી લેવા યોગ્ય નિર્ણય કરવો જોઇએ.

સરકારી નાણાનો દુરુપયોગ, ગુજરાતનાં 30 જાહેર સાહસોએ કરી 2500 કરોડની ખોટ, બંધ કરો આવા ધંધા! 4 - image

સરકારે નુકશાન કરતી કંપનીઓમાં મૂડીરોકાણ કર્યું છે જે પૈકી સરદાર સરોવર નર્મદા નિગમમાં સંચિત નુકશાન 7,898 કરોડ રૂપિયાની સામે 31મી માર્ચ 2023ની સ્થિતિએ કુલ મૂડીરોકાણ 70 હજાર કરોડ રૂપિયા છે. એવી જ રીતે જીએસપીસી એનએનજી લીમીડેટમાં સંચિત 599 કરોડનું નુકશાન છે અને મૂડી રોકાણ 537 કરોડ દર્શાવવામાં આવ્યું છે. આમ તો રાજ્ય સરકારે જાહેર ક્ષેત્રના 101 ઉપક્રમોમાં 2023ના નાણાકીય વર્ષના અંતે કુલ 1.86 લાખ કરોડના મૂડીરોકાણ સામે શેરમૂડી અને લાંબી મુદ્દતની લોનમાં 1.25 કરોડનું રોકાણ કર્યું છે, જે પૈકી 42 ઉપક્રમોની લાંબી મુદ્દતની બાકી લોનની સંખ્યા 24, 115 કરોડ રૂપિયા હતી.

સરકારે વિવિધ સંસ્થાઓને આપેલી 833 કરોડની લોન વસૂલ થઇ નથી

ગુજરાત સરકારના વિભાગોમાં નાણાકીય ગોલમાલ અને અનેક ભોપાળાં બહાર આવ્યાં છે, જે પૈકી નિષ્ક્રિય લોન ખાતાઓની સંખ્યા પણ આશ્ચર્યજનક છે, જેમાં સરકારના 833.30 કરોડ ફસાયેલા પડ્યાં છે.અલગ અલગ સંસ્થાઓ અને સત્તાધિકારીઓને અગાઉના વર્ષોમાં આપવામાં આવેલી લોનની બાકી સિલકો નિષ્ક્રિય રહી હતી જેમાં છેલ્લા 14 વર્ષોમાં તો મુદ્દલ પરત કરવામાં આવી નથી અને વ્યાજની પણ કોઇ ચૂકવણી થઇ નથી. કેગ તરફથી સરકારને ભલામણ કરવામાં આવી છે કે આવી બાકી લોનની યોગ્ય સ્તરે સમીક્ષા કરી સુધારાલક્ષી પગલાં લેવા જોઇએ.

જાહેર સાહસોની મહત્ત્વની વિગતો

•રાજ્યમાં જાહેર ક્ષેત્રના 15 નિષ્ક્રિય ઉપક્રમો પૈકી પાંચ ફડચામાં છે.

•નાણાકીય વર્ષ 2022-23માં બિસાગ સેટેલાઇટ કોમ્યુનિકેશન ફડચામાં ગયું છે.

•નિષ્ક્રિય ઉપક્રમોમાં 498. 57 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ છે.

•69 ઉપક્રમોએ બાકી નાણાકીય પત્રકો આપ્યાં નથી.

•જાહેર ક્ષેત્રના 58 ઉપક્રમોનું કુલ ટર્નઓવર 1.94 લાખ કરોડ રૂપિયા છે.

•ટર્નઓવરમાં ઉર્જા ક્ષેત્રના જાહેર ઉપક્રમોએ સૌથી વધુ 75.91 ટકા ફાળો આપ્યો છે.

•32 એકમોમાં સરકારે લાંબી મુદ્દતની 16500.47 કરોડની લોન આપી છે.

•જાહેર ક્ષેત્રના 64 ઉપક્રમોની કુલ અસ્ક્યામતો 3.97 લાખ કરોડ રૂપિયા છે.


સરકારી નાણાનો દુરુપયોગ, ગુજરાતનાં 30 જાહેર સાહસોએ કરી 2500 કરોડની ખોટ, બંધ કરો આવા ધંધા! 5 - image


Google NewsGoogle News