6000 કરોડનું BZ કૌભાંડ તપાસ બાદ 450 કરોડનું થઈ ગયું, એક કરોડથી વધુ રોકાણ કરનારા 10 લોકો
BZ scam : 6000 હજાર કરોડના બીઝેડ પોન્ઝી સ્કિમ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે પોલીસના સકંજામાં છે. આરોપી ઝાલા હાલ સાત દિવસના પોલીસ રિમાન્ડ પર છે ત્યારે પરિક્ષીતા રાઠોડે ( ડી.આઇ.જી. સીઆઇડી ક્રાઇમ) પત્રકાર પરિષદ યોજી અનેક રહસ્યો પરથી પડદો ઉંચક્યો હતો.
બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા પૂછપરછમાં રોકાણની વિગતો આપતાં જણાવ્યું હતું કે રોકાણકારોની વિગતો ઓનલાઇન વેબસાઇટ BZTRADE.in ઉપર રોજેરોજ એન્ટ્રીઓ કરવામાં આવતી હતી. આ BZTRADE.in ના ડેટા મેળવતા BZ GROUP માં કુલ આશરે 11,000 રોકાણકારોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાની વિગત મળી આવી છે.
આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની વિરૂદ્ધમાં 27 નવેમ્બર 2024ના રોજ ફરીયાદ દાખલ થઇ તે દિવસે મધ્યપ્રદેશ બગલામુખી ખાતે ગયો હતો અને ત્યાંથી પોતાના ફોન સ્વીચ ઓફ કરીને રાજસ્થાનમાં આશરે 15 દિવસ રોકાયો હતો. ત્યારબાદ તેના અન્ય સાગરીતનો સંપર્ક કરી મહેસાણા જીલ્લાના દવાડા ગામ ખાતે ફાર્મ હાઉસ પર આશરે 14 દિવસ રોકાયો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.
આ પણ વાંચો: ગુજરાતનું કરપ્શન મોડલઃ કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પર ભરતી કરો, પછી ટેક્સ વસૂલી તેમને કંગાળ કરો
તેની પાસેથી તેના 4 જુના મોબાઇલ ફોન તેમજ ગુનો દાખલ થયા બાદ 4 નવા મોબાઇલ ફોન ખરીદ કરી તેમાં નવા 3 સીમકાર્ડ લીધા હતા. જીયોના 3 નવા ડોન્ગલ દ્વારા વોટ્સએપ કોલથી તેના સાગરીતોનો સંપર્ક કરતો હતો. તેના મોબાઇલ ફોનમાંથી BZ GROUP ના મુખ્ય એજન્ટોના નંબરો વોટ્સએપ ચેટની વિગતો મળી આવી છે.
પુછપરછ દરમિયાન BZ FINANCIAL SERVICES ની કુલ-17 શાખાઓ જેમાં (1) પ્રાંતિજ શાખા (2) હિમંતનગર શાખા (3) વિજાપુર શાખા (4) પાલનપુર શાખા (5) રાયગઢ શાખા (6) ભીલોડા શાખા (7) ખેડબ્રહ્મા શાખા (8) ગાંધીનગર (9) રણાસણ શાખા (10) મોડાસા શાખા (11) માલપુર શાખા (12) લુણાવાડા શાખા (13) ગોધરા શાખા (14) બાયડ શાખા (15) વડોદરા શાખા (16) ડુંગરપુર (રાજસ્થાન) (17) રાજુલા (અમરેલી) ખાતે શાખાઓ ચાલુ કરી હતી.
આ શાખાઓ મારફતે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હોવાની હકિકત જણાવી હતી. તેણે 100 અંદાજે કરોડની આશરે 17 થી 18 મિકલતો વસાવી છે. તેના સગા-સંબંધી, મિત્રો સહિતના લોકોની મિલકતની પણ તપાસ કરાઈ રહી છે. બિટ કોઈન- ડિજીટલ કરન્સીમાં રોકાણ કર્યું છે કે નહીં તેની તપાસ ચાલુ છે. આ ગુનામાં અત્યાર સુધી 8 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
પૂછપરછની શરૂઆત કરવામાં આવી તો તેણે ઘણી બધી હકિકતો છુપાવી હતી પરંતુ હવે તમામ માહી પ્રાપ્ત કરી લેવામાં આવી છે. મહિલા પોલીસકર્મી એ તેનો અંગત મુદ્દો છે. તે તેની સાથે લગ્ન કરવાનો હતો એમ તેણે જણાવ્યું હતું. જોકે આ મામલે મહિલા પોલીસકર્મીની મિકલતની પણ તપાસ કરવામાં આવશે.
ફરિયાદીએ 6 હજાર કરોડ લખાવ્યું હતું, પણ હાલમાં 400 થી 450 કરોડની ફિગર મળી રહી છે. તપાસમાં 3 ક્રિકેટરોના નામ સામે આવ્યા છે તેમના રોકાણ અંગે તપાસ થઈ રહી છે. એક ક્રિકેટરનું રોકાણ 10 થી 25 લાખનું છે. એક કરોડથી વધુ રોકાણ કરનાર 10 જેટલા લોકો છે તેમની તપાસ કરાઈ રહી છે. એજન્ટોના પાન કાર્ડ અને સર્વરની તપાસ કરાઈ રહી છે. ડેટા ડિલીટ થયા હશે તો તેને ડિટેક્ટ કરાશે. આ સમગ્ર મામલે રોકાણકારો પાસેથી તેણે શું આર્થિક લાભ લીધો, કેવી રીતે ટ્રાન્ઝેક્શન કર્યું, સી.એના રોલની તપાસ થશે. જોકે નેતાઓ સાથે સબંધની વાત તપાસમાં સામે આવી નથી.