હવે રહસ્ય ખુલશે: કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ નેતાઓ ફફડ્યા, કોણે ફન્ડિંગ કર્યું સામે આવશે?
BZ Ponzi Scheme: 6 હજાર કરોડ રૂપિયાના બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે પોલીસના સકંજામાં છે. આરોપી ઝાલા હાલ સાત દિવસના પોલીસ રિમાન્ડ પર છે, ત્યારે આખાય કૌભાંડમાં હવે એક પછી એક રહસ્ય ખુલશે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની સ્કીમમાં કયા કયા રાજકીય નેતાઓએ ફંડિગ કર્યું છે તેની તપાસ થશે. આ જોતાં રાજકીય નેતા, એજન્ટો, મદદગારો ફફડી ઊઠ્યા છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાના ભાજપના નેતાઓ સાથે સંબંધ
બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના ભાજપના ટોપના નેતાઓ સાથે રાજકીય સંબંધ જગજાહેર છે. એટલું જ નહીં, રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર સાથે નજીકના સબંધ હોવાની ચર્ચા છે. સાબરકાંઠા-અરવલ્લીના શિક્ષકોએ ઝાલાની પોન્ઝી સ્કીમમાં મોટાપાયે રોકાણ કર્યું છે. આ કૌભાંડ થકી ઝાલાએ સાબરકાંઠા જ નહીં, અન્ય જિલ્લાઓમાંથી પણ લાખો-કરોડો ઉઘરાવ્યા છે.
ભાજપના નેતાઓ સાથે રાજકીય કનેક્શન ધરાવતા આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકસભાની ચૂંટણીમાં ય ઝૂકાવ્યું હતું. જો કે, ભાજપના નેતાઓના ઇશારે જ તેણે ફોર્મ સુદ્ધાં પાછું ખેચ્યું હતું. ઝાલાની શૈક્ષણિક સંસ્થાઓના કાર્યક્રમમાં પણ ભાજપના ટોપના નેતાઓ હાજરી આપતા હતા. ભાજપના યુવા મોરચાના સદસ્ય ઝાલાના એજન્ટ છે. સીઆઇડી ક્રાઇમે આ બધીય જાણકારી મેળવી વઘુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અંબાજીના ભક્તો માટે ગૂડ ન્યૂઝ, અમદાવાદથી ટૂંક સમયમાં ટ્રેન શરૂ થશે, 20% કામગીરી પૂર્ણ