'કોઈના પૈસા નહીં ડૂબે, એક હૈ તો સેફ હૈ', BZના એજન્ટોએ સોશિયલ મીડિયામાં મેસેજો ફરતા કર્યા
BZ Group Scam : સાબરકાંઠા જિલ્લાના વાવડીમાં રહેતા ભુપેન્દ્રસિંહ ઝાલા નામની વ્યક્તિએ BZ GROUP હેઠળ રોકાણની અલગ અલગ સ્કીમ રજૂ કરીને 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. કૌભાંડને લઈને રોજે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. એક તરફ, BZ ગ્રુપ કૌભાંડના પીડિતો સામે આવી રહ્યાં છે, તો બીજી તરફ પીડિતો પોલીસ ફરિયાદ ન નોંધાવે તે માટે ગ્રુપના એજન્ટો પણ હવે સક્રિય થયા છે. કેટલાક એજન્ટો વોટ્સએપના માધ્યમથી મેસેજ કરીને લોકોને જણાવી રહ્યાં છે કે, 'કોઈના પૈસા નહીં ડૂબે... એક હૈ તો સેફ હૈ...' બધા એક નહીં રહીએ તો સરકાર બધુ જપ્ત કરી લેશે તેવી ધમકી પણ રોકાણકારોને આપવામાં આવી રહી છે.
વોટ્સએપ પર સક્રિય થયા BZ ગ્રુપના એજન્ટ
BZ કૌભાંડના એજન્ટો વોટ્સએપ ગ્રુપમાં સક્રિય થયા છે. મેસેજથી રોકાણકારોને દિલાસો તો આપી રહ્યા છે, સાથે જ પીડિતોને મીડિયા, નેતાઓ કે સરકાર પાસે ન જવાની સૂચના આપી રહ્યાં છે. એજન્ટો મેસેજમાં રોકાણકારોને ધમકી પણ આપે છે કે, 'સરકાર બધુ જપ્ત કરી લેશે.' BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધમાં કોઈપણ પોલીસ ફરિયાદ ન કરવાની પણ અપીલ કરાઈ રહી છે. BZ ગ્રુપના એજન્ટો મેસેજના અંતમાં લખે છે કે, 'એક હૈ તો સેફ હૈ'.
કોણ મોકલતું હતું વોટ્સએપ પર મેસેજ?
મળતી માહિતી મુજબ, BZ પોન્ઝી સ્કીમમાં વોટ્સએપ ગ્રુપમાં રાજેન્દ્રસિંહ નામનો વ્યક્તિ મેસેજ કરતો હોવાનું સામે આવ્યું છે. રાજેન્દ્રસિંહ BZ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. રાયગઢ પાસે આવેલી સંસ્કાર એજ્યુકેશન સ્કુલનું સંચાલન રાજેન્દ્રસિંહ કરતો હોવાની માહિતી મળી છે.
શું હતી સમગ્ર ઘટના?
સાબરકાંઠા જિલ્લાના વાવડીમાં રહેતા ભુપેન્દ્રસિંહ ઝાલાએ BZ GROUP હેઠળ રોકાણની અલગ અલગ સ્કીમ રજૂ કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની ગાંધીનગર CID ક્રાઈમને થોડા દિવસ પહેલા એક અરજી મળી હતી. ત્યારબાદ અરજીના આધારે CID ક્રાઇમે BZ GROUP પર દરોડા પાડ્યા હતા. આ પછી સમગ્ર મામલે કૌભાંડનો ભાંડો ભૂટ્યો હતો. જેમાં ભુપેન્દ્રસિંહે અલગ અલગ 11 જેટલી કંપની બનાવીને કરોડો રૂપિયાની હેરાફેરા કરી હતી. આ માટે તેને અલગ અલગ 27 બેંકોમાં ખાતા પણ ખોલાવ્યાં હતા. જ્યારે CID ક્રાઇમની ટીમે આ તમામ એકાઉન્ટ હાલ તો ફ્રીઝ કરી તપાસ હાથ ધરી.