પોલીસની 'દિવાળી: ગૃહમંત્રીના આદેશને પોલીસ ઘોળીને પી ગઇ, રૂ.10 હજારથી 1 લાખ સુધીનું ઉઘરાણું
Gujarat Police Illegal Collection: દિવાળીના તહેવારોમાં બજારોમાં મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. છેલ્લી ઘડીની ખરીદીને લીધે બજારોમાં ભીડ ઉમટી છે ત્યારે વેપારીઓએ હાશકારો અનુભવ્યો છે. આ તરફ, પોલીસે દિવાળીના નામે ઉઘરાણું શરૂ કર્યુ છે. અત્યાર સુધી બે-પાંચ હજાર ઉઘરાવતી પોલીસે આ દિવાળી પર 25-50 હજારથી માંડીને એક લાખ સુધીનુ ઉઘરાણુ કરી રહી છે તેવી વ્યાપક ફરિયાદો ઉઠી છે. એટલુ જ નહીં, આ મામલે શહેર પોલીસ કમિશનર સુધી રજૂઆત કરવામાં આવી છે.
મહત્વની વાત એછેકે, ખુદ ગૃહરાજ્ય મંત્રી એ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં વેપારીઓને હેરાનગતિ ન થાય તે માટે પોલીસને સૂચના આપી હતી. જોકે, સ્થિતિ એવી સર્જાઇ છેકે, અમદાવાદ પોલીસ ગૃહમંત્રીના આદેશને જાણે ઘોળીને પી ગઇ છે.
મંદીના માહોલમાં ખાખી વર્દીએ ઉઘરાણાંમાં પણ કર્યો વધારો
કારમી મોંઘવારી, બેરોજગારી ઉપરાંત મંદીનો માહોલને લીધે વેપારીઓ દિવાળીના તહેવારોમાં નિરાશા અનુભવી રહ્યાં છે. આ સંજોગોમાં હવે ખાખી વર્દીએ ખંડણીખોરની ભૂમિકા ભજવવાની શરૂ કરી દીધી છે. અત્યાર સુધી દિવાળીમાં પોલીસ વેપારીઓ પાસેથી બે-પાંચ હજાર રૂપિયા ઉઘરાવતી હતી પણ આ વખતે પોલીસે જાણે દિવાળી ઉઘરાણામાં ય વધારો કરી દીધો છે.
દિવાળી બોનસ રુપે રૂ.25-50 હજારનું ઉઘરાણું
વેપારીઓ ખુદ ફરિયાદ કરી રહ્યાં છેકે, અમદાવાદ શહેરમાં શાહપુર,એલિસબ્રીજ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પોલીસ વેપારીઓ પાસેથી દિવાળી બોનસ રુપે રૂ.25-50 હજાર ઉઘરાવી રહી છે. આ ઉપરાંત દાણીલીમડા, નારોલ, નરોડા, ઓઢવ, વટવા જેવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં તો ઉદ્યોગ સંચાલકો પાસે ખુલ્લેઆમ એક લાખની દિવાળી માંગવામાં આવી રહી છે. આ કારણોસર વેપારીઓ ખાખી વર્દીથી તોબા પોકારી ઉઠ્યાં છે.
વેપારીઓનું કહેવુ છે કે, બારે માસ ધંધો કરવાનો એટલે પોલીસ સાથે ક્યાં વેર રાખવું? પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર બંધાય નહી. આ કારણોસર વેપારીઓ પોલીસના ત્રાસથી મજબૂરવશ થઇ ઉઘરાણા પેટે મો માંગી રકમ ચૂકવવા મજબૂર બન્યાં છે.
આ મામલે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે શહેર પોલીસ કમિશ્નરને લેખિત પત્ર મોકલી રજૂઆત કરી છે. સાથે એવી માંગ પણ કરી છેકે, વેપારીઓને હેરાન કરતાં ભ્રષ્ટ પોલીસ કર્મચારી વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા જોઇએ. આ ઉપરાંત વેપારીઓને પણ અપીલ કરી છેકે, જો પોલીસ અધિકારી-કર્મચારી ગેરકાયેદસર રકમની માંગણી કરે તો લાંચ રુશ્વત વિરોધી વિભાગનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવી જોઈએ.