અમદાવાદ: વસ્ત્રાલમાં લોકો પર તલવાર-લાકડીથી હુમલો કરનારાના ઘર પર પડ્યા હથોડા
Vatral Anti-social elements : અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. ત્યારે વસ્ત્રાલની શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં ગુરુવારે મોડી રાતે લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવનાર 9 અસામાજિક તત્ત્વોને રામોલ પોલીસે પકડી પાડ્યા હતા અને શુક્રવારે જાહેરમાં સરભરા કરી હતી. ત્યારબાદ આ ઘટનાના 24 કલાકમાં સરકારે મોટો નિર્ણય લેતાં તમામ આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાનો નિર્ણય લીધો હતો. એ.એમ.સીના અધિકારીઓ, પોલીસ કમિશ્નર સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
વસ્ત્રાલમાં કેટલાક અસામાજિક તત્ત્વોના આતંકની ઘટનાના 24 કલાકમાં જ સરકારે મોટો નિર્ણય લીધો છે. તમામ આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવવાનો આદેશ આપી દીધો છે. પોલીસ કમિશ્નર સહિત તમામ પોલીસ અધિકારીઓ આરોપીઓના ઘરે પહોંચ્યા છે.
આ ઘટનાના આરોપીઓની ગેરકાયદેસર મિલકત પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. ઘટનાના આરોપી રાજવીર સિંહ બિહોલાના ઘરે તંત્ર પોલીસ કાફલા સાથે પહોંચી ગયું હતું. બુલડોઝર ફેરવતાં પહેલાં ઘરમાંથી સામાન બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખોખરાના ભગવાનદાસની ચાલીમાં શ્યામ કામલેના મકાન હથોડા વડે મકાન તોડી પાડવામાં આવ્યું છે. જ્યારે અલ્કેશ યાદવના ઘરે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓનું મનોબળ તોડવા માટે થોડીવારમાં તેમને ઘટનાસ્થળે લાવવામાં આવ્યા હતા અને ઉઠક-બેઠક કરાવવામાં આવી હતી.
આ મામલે પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે, આરોપીઓએ રામોલ વિસ્તારમાં જાહેર રોડ પર તોડફોડ કરી ભયનો માહોલ ઊભો કર્યો હતો. પંકજ ભાવસાર નામનો આરોપી પાસામાં જઈ આવ્યો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે. એક જુવેનાઇલ છે અને 13 આરોપીઓ છે. તેમને 4 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. 14માંથી 7 આરોપીઓનાં ઘર ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે. ત્યારે તેમના ઘર પર હવે બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જો કોઈ આવું ફરીવાર કરશે તો પોલીસ દ્વારા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
શું હતો મામલો?
કેટલાક લોકોનો દાવો છે કે બે જૂથ વચ્ચે કોઈ મામલે અદાવતને કારણે આ ઘટના બની હતી. જેમાં વીડિયોમાં જોઈ શકાય છે કે તોફાની તત્ત્વોએ રાહદારીઓને પણ નિશાન બનાવવાનું શરુ કર્યું હતું. વિસ્તારમાં ઘર-મકાન-દુકાનોની આજુબાજુ ઊભેલા વાહનોમાં પણ તોડફોડ મચાવી હતી. સ્થાનિકો કહે છે કે લગભગ 15થી 20 તોફાનીઓના ટોળાએ આતંક મચાવ્યો હતો અને વાહનો અને રાહદારીઓ પર બેફામ હુમલા કર્યા હતા અને અપશબ્દો કહ્યા હતા.
9 આરોપી પકડાયા...
માહિતી અનુસાર આ ઘટનામાં 9 અસામાજિક તત્ત્વોને રામોલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમને બરાબરનો મેથીપાક આપવામાં આવ્યો. જાહેર રસ્તા પર જ તેમને પાઠ ભણાવાયો હતો. જેનો વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે.