રાજીવ મોદી કેસમાં અનેક ઘટસ્ફોટ થશે! બલ્ગેરિયન યુવતીની થશે પૂછપરછ, આજથી ઈન્ક્વાયરી શરુ
આ પહેલા પોલીસે અત્યાર સુધીમાં 40 લોકોના નિવેદન લીધા
Rajiv modi case : અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ ન લેવાતા બલ્ગેરિયન યુવતીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જે મામલે હવે ઈન્ક્વાયરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં મહિલાની ફરિયાદ નોંધ્યા પહેલા શું બન્યું? પોલીસે તેની સાથે કેવું વર્તન કર્યું તેમજ ક્યા અધિકારીઓ અને લોકોએ તેમના પર દબાણ કર્યું તે અંગે બલ્ગેરિયન યુવતીની પૂછપરછ કરવામાં આવશે.
યુવતીએ પોલીસ કર્મચારીઓ પર આક્ષેપ કર્યા હતા
આ ઈન્ક્વાયરી પ્રક્રિયા શરુ થતા જ બલ્ગેરિયન યુવતી અનેક ઘટસ્ફોટ કરી શકે છે તેમજ આ કેસમાં પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓની પોલ ખોલી શકે છે ઉલ્લેખનીય છે કે યુવતીએ કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે આક્ષેપ કર્યા હતા કે તેઓ આ કેસમાં સમાધાન કરવા માટે દબાણ કરી રહ્યા હતા.
પોલીસે અત્યાર સુધીમાં 40 જેટલા લોકોના નિવેદન લીધા
આ પહેલા સોલા પોલીસે આ કેસમાં કાર્યવાહીને તેજ કરતા અત્યાર સુધીમાં 40 જેટલા લોકોના નિવેદન લીધા છે અને રાજીવ મોદીને નોટિસ પાઠવવામાં આવી છે. પોલીસે રાજીવ મોદીને તપાસમાં સાથ સહકાર આપવા તેમજ નિવેદન લખાવવા પોલીસ સમક્ષ હાજર રહેવા માટે નોટિસમાં કહેવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે રાજીવ મોદી અને તેના એચઆર સામે સોલા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે.
શું છે મામલો ?
અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી સામે ખુદ તેમની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરતી મૂળ બલ્ગેરિયાની યુવતીએ જાતીય સતામણી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. અરજદાર યુવતી દ્વારા કરાયેલી રિટ અરજીમાં ફાર્મા કંપનીના સીએમડી રાજીવ મોદી વિરૂદ્ધ આઇપીસીની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી દાદ માંગવામાં આવી હતી.