૮૫ વર્ષ અગાઉ નિર્માણ પામેલા અમદાવાદના ટાઉનહોલનું ૨૬ કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે

ગુજરાતી સ્થાપત્યના પ્રભાવવાળા ટાઉનહોલની રચના ૧૯૩૯માં બ્રિટીશ સ્થપતિ કલોડબેટલીએ કરી હતી

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
૮૫ વર્ષ અગાઉ નિર્માણ પામેલા અમદાવાદના ટાઉનહોલનું ૨૬ કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે 1 - image


અમદાવાદ,શનિવાર,14 ઓકટોબર,2023

૮૫ વર્ષ અગાઉ નિર્માણ પામેલા અમદાવાદના ટાઉનહોલનું રુપિયા ૨૬ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે.ગુજરાતી સ્થાપત્યના પ્રભાવવાળા ટાઉનહોલ તથા મા.જે.પુસ્તકાલયની રચના બ્રિટીશ સ્થપતિ કલોડબેટલીએ કરી હતી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાઉનહોલનું નવીનીકરણ કરવા અંગે ટેન્ડર ઈન્વાઈટ કરવાની કામગીરી કરવામાં આવી છે.

એલિસબ્રિજના સામેના ભાગમાં વીસમી સદીના કાપડના  જાણીતા ઉદ્યોગપતિ મંગળદાસ ગિરધરદાસના સ્મારક તરીકે  ટાઉનહોલનું વર્ષ-૧૯૩૦માં નિર્માણ કરવામાં આવ્યું હતુ.ટાઉનહોલના બાંધકામની શરુઆત વર્ષ-૧૯૩૬માં કરવામાં આવી હતી.જેના નિર્માણ માટે નાગરિકો દ્વારા દાન કરવામાં આવ્યુ હતુ.હાલ ટાઉનહોલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો છે.વર્ષ-૧૯૬૦ના દશકમાં બી.વી.દોશીની આગેવાનીમાં ટાઉનહોલનું નવીનીકરણ કરવામાં આવ્યુ હતુ.૧૯૯૭-૯૮ના વર્ષમાં મંગળદાસ ગિરધરદાસના પૌત્ર એવા સ્થપતિ કમલ મંગળદાસની આગેવાની હેઠળ ટાઉનહોલમાં વ્યાપક નવીનીકરણ કરવામાં આવ્યુ હતુ.તે સમયે મૂળ ઈમારતની આસપાસ એક ઉંચો ઓટલો ઉમેરવામાં આવ્યો હતો.રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈના કહેવા મુજબ,હાલના ટાઉનહોલમાં રહેલી સાઉન્ડ સિસ્ટમ,સીટ ઉપરાંત આંતરીક રીતે વ્યાપક બદલાવ નવીનીકરણની કામગીરી સમયે કરવામાં આવશે.ટાઉનહોલનુ જે હેરીટેજ સ્ટ્રકચર છે તેને હેરીટેજ બાબતના તજજ્ઞા કારીગરો પાસે નવીનીકરણ કરાવવામાં આવશે.હોલના અંદરના ભાગમાં કલરકામ કરવાની સાથે સમગ્ર ટાઉનહોલને વોટરપ્રુફ બનાવવામાં આવશે.પાર્કીંગની વ્યવસ્થાને પણ પ્રાધાન્ય આપવાની સાથે હોલના બહારના ભાગમાં જયાં આવશ્યક હશે ત્યાં સમારકામ કરાવવામાં આવશે.

ટાઉનહોલ આર્ટ ડેકો બિલ્ડિંગનું ઉદાહરણ છે

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ટાઉનહોલ આર્ટ ડેકો બિલ્ડિંગનું ઉદાહરણ છે.હોલમાં વચ્ચે બનતા અષ્ટકોણ ભાગમાં દર્શકો માટની બેઠકો ગોઠવવામાં આવી છે.તારા આકારની આ ઈમારતને અષ્ટકોણીય ગુંબજ દ્વારા ઢાંકવામાં આવી છે.આ સમગ્ર યોજના હિન્દુ મંદિરોના મંડપથી પ્રેરાયેલી છે.બહારની ઈંટોની જાડી દિવાલોમાં હિન્દુ મંદિરોની જેમ પગથીયાવાળા ખાંચ પાડી ખૂણાઓ બનાવેલા છે.તેના છજા અને અલંકૃત જાળીઓની રચના ગુજરાતી સ્થાપત્યકળાનો પ્રભાવ દર્શાવે છે.


Google NewsGoogle News