Get The App

અમદાવાદના બિલ્ડરો હવે રેરાના નિયમ મુજબ કાર્પેટ એરિયા પ્રમાણે મિલકત વેચશે

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
અમદાવાદના બિલ્ડરો હવે રેરાના નિયમ મુજબ કાર્પેટ એરિયા પ્રમાણે મિલકત વેચશે 1 - image


- સુપર બિલ્ટઅપ એરિયાના કોન્સેપ્ટને બાય બાય કરી દેશે

- સ્ટેમ્પ ડયૂટી, જીએસટી, મેઈન્ટેનન્સ ડિપોઝિટ ઉપરાંત સેકન્ડ પાર્કિંગ કે બીજી વધારાની સુવિધા આપવામાં આવશે તો તેને માટે ચાર્જ અલગથી ચૂકવવા પડશે

- સુપર બિલ્ટ અપમાં રેરા એરિયા 1800 ફૂટથી ઘટીને 950 ફૂટ થતાં જે મિલકતનો ભાવ ચો. ફૂટના રૂ.10000 હતો તે વધીને 19000 થવાની સંભાવના

અમદાવાદ,તા.30 ડિસેમ્બર 2023,શનિવાર

અમદાવાદ શહેરના દરેક બિલ્ડરો પહેલી જાન્યુઆરીથી તેમની રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીના સોદાઓ રેરા કાર્પેટના નિયમ મુજબ જ કરશે. આ સાથે જ સમગ્ર ગુજરાતમાં તેમણે સુપર બિલ્ટઅપ એરિયાથી મિલકત વેચવાની પદ્ધતિને કાયમને માટે બાયબાય કરી દેવાનો નિર્ણય કર્યો છે. ગાહેડ ક્રેડાઈના પ્રમુખ ધ્રુવ પટેલનું કહેવું છે, 'મિલકતના વેચાણની આ નવતર સિસ્ટમને કારણે મિલકતની કિંમતમાં રાતી પાઈનો પણ વધારો થશે નહિ. તેને બદલે મિલકતના સોદામાં પારદર્શકતા વધી જશે.' ગુજરાતના તમામ શહેરોના બિલ્ડરો પણ તેમને ટૂંક સમયમાં અનુસરવાનું ચાલુ કરી દેશે.

એક પાર્કિંગ, ક્લબ હાઉસ, ગાર્ડન એરિયા, સ્ટેરકેસ, લિફ્ટ જેવા કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અલગ કિંમત ચૂકવવી પડશે નહીં

આજે અમદાવાદમાં એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં તેમણે જણાવ્યુ હતું કે 1000 ચોરસ ફૂટના ફ્લેટની કિંમતમાં ખરીદનારની મૂળ કિંમતમાં જ એઈસી, ઔડા, લીગલ ચાર્જ આવી જશે. આ ત્રણેય ચાર્જ અલગથી ચૂકવવા પડશે નહિ. ફ્લેટની ખરીદી માટે ચૂકવવામાં આવેલી મૂળ કિંમત સાથે સામાન્ય રીતે એક પાર્કિંગ, ક્લબ હાઉસ-જિમની સુવિધા, ગાર્ડન એરિયા, સ્ટેરકેસ, લિફ્ટ સહિતનું કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળશે. બીજા શબ્દોમાં કહીએ તો કોમન ફેસિલિટી માટે મકાન ખરીદનારાઓએ અલગ કિંમત ચૂકવવી પડશે નહિ.

હા, રહેઠાણની કે કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદનારાઓએ મૂળ કિંમત ઉપરાંત સ્ટેમ્પ ડયૂટી, જીએસટી, મેઈન્ટેનન્સ ડિપોઝિટ અને ચાર્જિસ ચૂકવવા પડશે. તદુપરાંત વધારાના બીજા પાર્કિંગના કે બીજી વધારાની કોઈ સુવિધા આપવામાં આવી હશે તો તેને માટેના ચાર્જ અલગ ચૂકવવા પડશે. બીજા શબ્દોમાં કહીએ તો વધારાની બીજી ફેસિલિટી પ્રમાણે બિલ્ડર મિલકત ખરીદનારાઓ પાસેથી વધારાના ચાર્જ લઈ શકશે. અલબત્ત નવા નિર્ણયથી પ્રોપર્ટીના સોદાઓમાં પારદર્શકતા આવશે, પ્રોપર્ટીની કિંમતમાં કોઈ જ વધારો આવશે નહિ. પરિણામે જનતાએ એટલે કે મિલકત ખરીદનારાઓએ પણ રેરા એરિયા જોઈને જ મિલકતની ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. તેમને ઉપયોગ કરવા માટે મળનારા એરિયાના પ્રમાણમાં કોઈ જ તફાવત રહેશે નહિ. તેની માપણી પણ કરાવી શકશે. સુપર બિલ્ટ અપમાં ક્યાંક 40 ટકા તો ક્યાંક 45 અને 48 ટકા સુપર બિલ્ટ અપની ગણતરી થતાં દરેક પ્રોપર્ટી ખરીદનારને અલગ અલગ કારપેટ એરિયા મળતો હતો તેવું હવે પછી તૈયાર થનારી મિલકતમાં બનશે નહિ.

મિલકતની ખરીદી કરનારાઓને આપવામાં આવનારા દસ્તાવેજમાં પણ રેરો કારપેટ એરિયા જ દર્શાવવામાં આવશે. રેરા એરિયા પ્રોપર્ટી ખરીદનાર મપાવી પણ શકશે. તેમાં કોઈ તફાવત આવશે નહિ. આમ મિલકતની નવી વેચાણ સિસ્ટમમાં માત્ર ચોરસ ફૂટની ગણતરીનો ફેર છે, તેનાથી મિલકતની કિંમતમાં કોઈ જ વધારો આવવાની શક્યતા નથી. સુપર બિલ્ટ અપમાં જે મિલકતનો ભાવ ચોરસ ફૂટના રૂ.10000 હતો તે વધીને 18000થી 19000 થવાની સંભાવના છે. અમદાવાદના પ્રોપર્ટી માર્કેટનું વાર્ષિક કદ અંદાજે 40,000થી 50,000 કરોડનું છે. તેમાં પાંચ વર્ષથી દર વર્ષે અંદાજે 12 ટકાનો વધારો થતો જોવા મળે છે. પ્રોપર્ટી માર્કેટનો આ ગ્રોથ રેટ આગામી વરસોમાં પણ ચાલુ જ રહેવાની સંભાવના છે.

5મીથી 7મી ક્રેડાઈ અમદાવાદનો 18મો પ્રોપર્ટી શૉ યોજાશે

ક્રેડાઈ અમદાવાદે પાંચમીથી સાતમી જાન્યુઆરી વચ્ચે ગણેશ ગ્રાઉન્ડ ખાતે 18મા પ્રોપર્ટી શૉનું આયોજન કર્યું છે. આ પ્રોપર્ટી શામાં 60થી વધુ અગ્રણી ડેવલપર્સ અમદાવાદની 400થી વધુ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રિયલ પ્લોટિંગ, વીકએન્ડ વિલા તથા પ્લોટિંગ પ્રોજેક્ટ્સની પ્રોપર્ટીનું એક્ઝિબિશન યોજશે. ગુજરાતનો આ સૌથી મોટો પ્રોપર્ટી શા છે. તેમાં 60થી વધુ અગ્રણી ડેવલપર્સ ભાગ લેશે.



Google NewsGoogle News