ગુજરાતમાં આજથી બજેટ સત્રનો પ્રારંભ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભાને સંબોધશે
આજથી શરૂ થનારા બજેટસત્રમાં 11 જેટલા વિવિધ બિલ રજૂ કરવામાં આવશે
બુધવારે દિવસ દરમિયાન સચિવાલયમાં બેઠકનો દોર ચાલુ રહ્યો હતો
Gujarat Budget Session : આજે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્ર સરકાનું વચગાળાનું બજેટ રજૂ કરશે. ત્યારે ગુજરાતમાં વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થશે. આજે બપોર બાર વાગ્યે રાજ્યની વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે. આજે વિધાનસભાના સત્રનો પ્રારંભ થાય તે પહેલા બુધવારે દિવસ દરમિયાન સચિવાલયમાં બેઠકનો દોર ચાલુ રહ્યો હતો. સવારે કેબિનેટ બેઠક મળી હતી ત્યારબાદ કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી અને સાંજે રાજકીય પક્ષોના વિધાયક દળની બેઠક મળી હતી.
બજેટ સત્રનો પ્રારંભ રાજ્યપાલના સંબોધનથી થશે
આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. બજેટ સત્રનો પ્રારંભ રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થશે. રાજ્યપાલના સંબોધન બાદ ઠરાવ અને ઉલ્લેખ રજૂ કરાશે. ત્યારબાદ પ્રથમ દિવસે મંત્રી બળવંતસિંહ રાજપૂત ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક 2024 ગૃહમાં રજૂ કરશે. હાલમાં ગુજરાતમાં જુદા-જુદા ત્રણ ગણોત વહીવટના કાયદા અમલમાં છે.
રાજ્યના નાણામંત્રી આવતીકાલે બજેટ રજૂ કરશે
આ સત્રમાં બીજી ફેબ્રુઆરીએ એટલે કે આવતીકાલે ગુજરાતનું બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ 2જી ફેબ્રુઆરીએ 2024-25ના વર્ષનું બજેટ વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર એક મહિના સુધી ચાલશે અને સત્ર દરમિયાન કુલ 26 બેઠકો યોજાશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 29મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આજથી શરૂ થનારા બજેટસત્રમાં 11 જેટલા વિવિધ બિલ રજૂ કરવામાં આવશે.