રાજ્યપાલના સંબોધન સાથે ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આરંભ
- ગુજરાતમાં છેલ્લા બે દાયકા પ્રાયોરિટી, પોલીસી અને પર્ફોર્મન્સના રહ્યા : રાજ્યપાલ
ગાંધીનગર,તા.23 ફેબ્રુઆરી 2023,ગુરૂવાર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે આજે 15મી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો શુભારંભ થયો હતો. રાજ્યપાલે કહ્યું કે, મારી સરકાર હંમેશા ગુજરાતના નાગરિકોની ઉન્નતિ, સશક્તિકરણ અને પ્રગતિ માટે પ્રતિબધ્ધ છે. વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્ય; એ 'પંચશક્તિ' મારી સરકારની અગ્રતા છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકા પ્રાયોરિટી, પોલીસી અને પર્ફોર્મન્સના રહ્યા છે. છેલ્લા નવ વર્ષોથી ગુજરાતને 'ડબલ એન્જિન સરકાર'ના લાભો મળી રહ્યા છે. માનવ વિકાસ અને જનકલ્યાણના તમામ આયામોમાં ગુજરાત અન્ય રાજ્યો માટે આદર્શ-પથપ્રદર્શક રહ્યું છે. એક પણ ક્ષેત્ર એવું નથી જેમાં ગુજરાતે નવા શિખરો સર ન કર્યા હોય, નવી સિદ્ધિ હાંસલ ન કરી હોય. અને એટલે જ આજે ગુજરાત સમગ્ર દેશ માટે 'મોડેલ સ્ટેટ' બન્યું છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, ભારત સરકારની 'અમૃત ભારત સ્ટેશન યોજના' અંતર્ગત અમદાવાદ સહિત ગુજરાતના 87 રેલવે સ્ટેશનોનો વિકાસ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને ગુજરાતની રાજધાની ગાંધીનગર અને દેશની આર્થિક રાજધાની મુંબઈને જોડતી સેમી હાઈસ્પીડ 'વંદે ભારત ટ્રેન'ની ભેટ આપી છે, એ જ રીતે ગુજરાતના નાના શહેરોને મોટા શહેરો સાથે જોડતી 'વંદે મેટ્રો ટ્રેન'ની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. ભારત સરકારે વર્ષ 2023-24 ના અંદાજપત્રમાં ગુજરાતમાં રેલવેના વિકાસ માટે ₹8332 કરોડની ઐતિહાસિક ફાળવણી કરી છે.
ગુજરાત દેશનું 'ગ્રોથ એન્જિન' રહ્યું છે, નલ સે જલ, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી યોજનાઓના વ્યાપક અને અસરકારક અમલીકરણથી જનકલ્યાણકારી સેવાઓમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે.
રાજ્યપાલે કહ્યું હતું કે, G20 ની ત્રણ બેઠકો બિઝનેસ G20 ઇન્સેપ્શન મીટીંગ ગાંધીનગરમાં, પ્રવાસન પર આધારિત બીજી બેઠક ધોરડો-કચ્છમાં અને ત્રીજી અર્બન20 શેરપા ઇન્સેપ્શન બેઠક અમદાવાદમાં યોજાઈ ગઈ. આગામી માર્ચ મહિનામાં સુરતમાં અને જૂન મહિનામાં એકતાનગર-કેવડિયા સહિત વર્ષ 2023 માં ગુજરાતમાં G20 સમૂહના પ્રતિનિધિઓની અન્ય 13 બેઠકો યોજાશે.