બી.આર.ટી.એસ.બસ સર્વિસ સફેદ હાથી સમાન પુરવાર ત્રણ વર્ષમાં ૨૬૫ કરોડની જંગી ખોટ
એ.એમ.ટી.એસ.ને માથે મ્યુનિ.ની ૩૬૭૩ કરોડની લોનના દેવું,હવે બી.આર.ટી.એસ.પણ તંત્ર માટે બોજારુપ બની
અમદાવાદ,બુધવાર,4 જાન્યુ,2023
અમદાવાદમાં વર્ષ-૨૦૦૮-૦૯થી શહેરીજનો પબ્લિક ટ્રાન્સપોર્ટ
સિસ્ટમનો બહોળો ઉપયોગ કરે એ હેતુથી શરુ કરવામા આવેલી બી.આર.ટી.એસ.બસ સર્વિસ સફેદ
હાથી સમાન પુરવાર થવા પામી છે.વર્ષ-૨૦૨૧-૨૨માં રુપિયા ૧૦૭ કરોડની ખોટ સાથે ત્રણ
વર્ષમા કુલ મળીને રુપિયા ૨૬૫ કરોડની જંગી ખોટ કરી છે.એ.એમ.ટી.એસ.ની ખોટ ૩૬૭૩ કરોડ
સુધી પહોંચવાની સાથે બી.આર.ટી.એસ.પણ હવે મ્યુનિસિપલ તંત્ર માટે બોજારુપ સાબિત થઈ
રહી છે.
વર્ષ-૨૦૦૮-૦૯મા હાલના વડાપ્રધાન અને તે સમયના રાજયના
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શહેરીજનો માટે એ.એમ.ટી.એસ.ની સાથે બી.આર.ટી.એસ.બસ
સર્વિસ શરુ કરવામા આવી હતી.જે સમયે આ સર્વિસ શરુ કરાઈ હતી એ સમયે શહેરીજનો તેમના
વાહનો ઘેર મુકી પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો બહોળો ઉપયોગ કરશે એવી સંભાવના હાલના
સમયમા પોકળ સાબિત થઈ રહી છે.મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જનમાર્ગ લિમિટેડની રચના
કરવામા આવ્યા બાદ શહેરના વિવિધરુટ ઉપર જનમાર્ગ દ્વારા બી.આર.ટી.એસ.ની કુલ ૩૭૪ બસ
દોડાવવામા આવી રહી છે.આ પૈકી ૧૨૪ ડીઝલ,૨૦૦
ઈલેકટ્રીક તથા ૫૦ સી.એન.જી.બસનો સમાવેશ થાય છે.તંત્ર તરફથી ઓનરોડ દોડાવવામા આવતી
બસો પૈકી ડીઝલ બસ મોંઘી પડી રહી હોવાનો
દાવો કરવામા આવી રહયો છે.ડીઝલ બસ પાછળ પ્રતિ કિલોમીટર ૮૦ રુપિયા,ઈલેકટ્રીક બસ
પાછળ પ્રતિ કિલોમીટર ૫૫ તેમજ સી.એન.જી.બસ પાછળ પ્રતિ કિલોમીટર રુપિયા ૫૦નો ખર્ચ
કરવામા આવી રહયો છે.આગામી નાણાંકિય વર્ષથી બી.આર.ટી.એસ.દ્વારા ઓનરોડ દોડાવવામા
આવતી તમામ બસ ઈલેકટ્રીક થઈ ગયા બાદ ખોટમા ઘટાડો થવા લાગશે એવો દાવો તંત્ર તરફથી
કરવામા આવી રહયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની એક સમયે નફો કરતી સર્વિસ
હાલ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામા આવેલી ૩૬૭૩કરોડની જંગી લોનના દેવા સાથે ઓનરોડ એ.એમ.ટી.એસ.ની બસો
દોડાવવામા આવી રહી છે.એ.એમ.ટી.એસ.વધુ સક્ષમ બનાવવાના બદલે શરુ કરવામાં આવેલી
બી.આર.ટી.એસ.ની સર્વિસ પણ હવે જંગી ખોટ કરતા પબ્લિક ટ્રાન્સપોર્ટના બહોળા ઉપયોગના
હેતુ સાથે શરુ કરવામા આવેલી બી.આર.ટી.એસ.સર્વિસ પણ હવે સફેદ હાથી સમાન પુરવાર થઈ
રહી છે.ગત શનિવારે બી.આર.ટી.એસ.ની બસમા આગ લાગવાની ઘટના બની હતી.થોડા સમયના અંતરે વર્ષ-૨૦૨૨મા
બી.આર.ટી.એસ.બસમા આગ લાગવાની ત્રણ ઘટના બની હતી.સ્ટાર્ટર સ્પીડ, મારુતિ ટ્રાવેલ
તથા ટ્રાવેલ ટાઈમ આ ત્રણેય કોન્ટ્રાકટરોને બે લાખનો વહીવટી દંડ ભરવા નોટિસ આપવામા
આવી છે.આ ત્રણેય બસ ડીઝલ હતી.
બી.આર.ટી.એસ.ની કયા વર્ષમાં કેટલી ખોટ?
વર્ષ ખોટ(કરોડમાં)
૨૦૧૯ ૬૦.૪૩
૨૦૨૦ ૯૭.૦૦
૨૦૨૧ ૧૦૭.૦૦
એ.એમ.ટી.એસ.ના દેવાની સ્થિતિ
પ્રકાર રકમ(કરોડમાં)
એએમસી લોન ૩૬૭૩.૦૦
પીએફ લોન ૯૧.૦૦
કેન્દ્રની લોન ૩.૦૦
રાજયની લોન ૭૧.૦૦
પેસેન્જર ટેકસ ૩૩.૦૦