ઓલિમ્પિક થકી બ્રિટન ગુજરાતને કરશે મદદ, ઓફશોર વિન્ડ, શિક્ષણ અને સાયબર સિક્યુરીટી ક્ષેત્રે થશે વધુ ભાગીદારી
Britain- Gujarat more partnerships : યુનાઈટેડ કિંગડમ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે બન્ને પક્ષે ભાગીદારી વધારે મજૂબત બને અને 2036માં ભારતની અમદાવાદ ખાતે ઓલિમ્પિક યોજવાની બિડિંગ તથા તેના આયોજનમાં મદદરૂપ તૈયાર છે એમ બ્રિટનના નવી દિલ્હી ખાતેના મીનીસ્ટર અને ડેપ્યુટી હાઈ કમિશનર ક્રિસ્ટીના સ્કોટે અમદાવાદની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. ડેપ્યુટી હાઈ કમિશનરે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત અને તમિલનાડુ ભારતમાં પવન ઉર્જા ક્ષેત્રે સૌથી અગ્રેસર છે જયારે બ્રિટન ઓફશોર વિન્ડ ફાર્મિંગ ક્ષેત્રે આગળ છે તો એ દિશમાં પણ આગળ વધવા તેમનો દેશ ઉત્સુક છે.
ગુજરાત સમાચાર સાથે બ્રિટન અને ગુજરાત તથા ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો, બન્ને દેશ વચ્ચે અત્યારે મંત્રણા હેઠળ રહેલ ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ, લેબર પાર્ટીની સરકાર યુકેમાં સત્તા ઉપર આવ્યા પછી ભવિષ્યમાં દ્વિપક્ષીય સંબંધો કેવા રહેશે એ અંગે ડેપ્યુટી હાઈ કમિશનર સ્કોટે વિગતવાર ચર્ચા કરી હતી.
લેબર પાર્ટીની નવી સરકાર માટે ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો વધારે મજબૂત બને એ સૌથી મોટી પ્રાથમિકતા છે. “હજી થોડા દિવસો જ થયા છે કે નવી સરકાર બની છે. પણ બન્ને દેશના સંબંધોની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી અમારી સરકાર માટે તે સૌથી મોટી પ્રાથમિકતા છે. બન્ને દેશ વચ્ચે માત્ર વ્યક્તિથી વ્યક્તિ નહી પણ સાંસ્કૃતિક, આર્થિક વિકાસને વેગ મળે, આંતરિક અને વૈશ્વિક સુરક્ષા તેમજ કલાયમેટ ચેન્જ જેવા વિવિધ મુદ્દા છે. અમારા વિદેશ મંત્રી ડેવિડ લામીએ સ્પષ્ટ કરેલું છે કે સત્તા ઉપર આવ્યાના પ્રથમ મહિનામા એ ભારત આવશે. લેબર પાર્ટીએ પણ બન્ને દેશના સંબંધો વધારે મજબૂત બને એવી જહેરાત કરી છે,” એમ તેમણે ઉમેર્યું હતું.
અમદાવાદ ખાતે માત્ર બ્રિટન એક એવો દેશ છે જેની કાયમી ડિપ્લોમેટિક ઓફીસ છે. ગુજરાત સાથેના સંબંધો અંગે ક્રિસ્ટીના સ્કોટે જણાવ્યું હતું કે રાજ્ય અને દેશ વચ્ચે મજબૂત વ્યક્તિગત સમંધો છે. “ત્રીજા ભાગના બ્રિટીશ ઇન્ડિયન ભારતીયો છે. ગુજરાત આર્થિક રીતે એક પાવરહાઉસ છે અને ગુજરાતના જન પ્રતિનિધિઓ ભારતમાં મહત્વની ભૂમિકા ઉપર છે. વિધાર્થીઓ, વ્યાપારીઓ પણ સતત બન્ને તરફ પ્રવાસ કરે છે. બ્રિટીશ કંપનીઓ માટે ગુજરાતમાં અનેક તક રહેલી છે, રોકાણ કરેલું છે અને હવે ગિફ્ટ સિટી પણ અમારા માટે મહત્વનું છે.” એમ તેમણે જણાવ્યું હતું.
“ગુજરાતમાં કેમિકલ્સ અને મેન્યુફેક્ચરિંગ બ્રિટીશ કંપનીઓ સૌથી આકર્ષક રહ્યા છે. ગિફ્ટ સિટીમાં બ્રિટીશ ફાઈનાન્સિયલ સર્વિસ કંપનીઓ રોકાણ અને ટ્રેડીંગ માટે આવી રહી છે. આ સિવાય અમારા માટે શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણમાં વધારે કામગીરી થાય એવી ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત, સરકાર સાથેના સ્તરે અમે સાયબર સિક્યુરીટીમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટી સાથે કામગીરી કરી રહ્યા છીએ,” એમ તેમણે જણાવ્યું હતું.
શિક્ષણમાં વધુને વધુ વિદ્યાર્થીઓ ગુજરાતથી યુકે આવે એ સિવાય બન્ને દેશની યુનિવર્સીટી વચ્ચે કોઈ લીંક અપ થાય, અહીના વિદ્યાર્થીઓ અહી રહીને જ અનુભવી બ્રિટીશ પ્રોફેસર પાસે ભણે, બ્રિટીશ અભ્યાસ કરે એ અંગે ચર્ચા ચાલી રહી છે. જોકે, અત્યારે ચર્ચા પ્રાથમિક તબક્કામાં છે એટલે કહી શકાય નહી પણ અહી યુકેની યુનિવર્સીટીના કેમ્પસ હોય, વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિક અને એન્જિનિયર સાથે ભણે એટલું જ નહી પણ રિસર્ચ ક્ષેત્રે પણ જોડાય એવો ઉદ્દેશ છે.
અમદાવાદ ખાતે 2036માં ઓલિમ્પિક યોજાય એ માટે ભારત સરકાર તૈયારીઓ કરી રહી છે, બ્રિટન ૨૦૧૨માં સફળતાપૂર્વક લંડન ખાતે યોજાયેલા આ ખેલ મહાકુંભના અનુભવના આધારે મદદ કરી શકે એવી વાત પણ ડેપ્યુટી હાઈકમિશનરે કરી હતી. “અમારા માટે ઇસ્ટ લંડનમાં ઓલેમ્પિક એક બહુ મહત્વનો અનુભવ છે અને તેનું ગૌરવ પણ છે. આજથી 15 વર્ષ પહેલા ઇસ્ટ લંડન પ્રમાણમાં ગરીબ કે ઓછો વિકસિત વિસ્તાર હતો. આયોજન પછી અને તેમાં ઉભી કરેલી સવલતો જેનો આજે પણ ઉપયોગ થઇ રહ્યો છે તેનાથી એ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થયો છે. એ વિસ્તારમાં પણ વિકાસ આગળ વધી રહ્યો છે. અમે આ અનુભવ અને તેની સમજ ગુજરાતને આપી શકીએ. ઓલેમ્પિક માત્ર ખેલ ઉત્સવનું આયોજન નથી પણ તેનાથી સર્વાંગી વિકાસ પણ થઇ શકે એ જરૂરી છે,” એમ તેમણે જણાવ્યું હતું.
લોકશાહીના હકની રક્ષાનો સમય
સતત બદલાઈ રહેલી વૈશ્વિક સ્થિતિ અંગે વર્ષોનો અનુભવ ધરાવતા રાજદ્વારી સ્કોટે જણાવ્યું હતું કે પેહલા કરતા દુનિયા વધારે એકબીજા ઉપર આધારિત છે. “એક સ્થળની ઘટનાના પડઘાં સમગ્ર દુનિયામાં અસર કરતા થઇ ગયા છે. બ્રિટન અને ભારત લોકશાહી પરંપરાથી ચાલતા દેશ છે જેમાં પ્રજા શાંતિપૂર્વક કોણ રાજ કરે એ નક્કી કરે છે. અત્યારે કેટલાક દેશોમાં આવું નહી. લોકશાહીના હકની રક્ષા, દેશના સાર્વભૌમત્વનો સ્વીકાર અને આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન આ ત્રણ બાબતોએ બન્ને દેશ સાથે ચાલી શકે. આ હકની રક્ષા કરવાનો સમય છે,” એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતની થાળી અને વાવ બહુ પ્રિય
ભારતમાં લગભગ દોઢ વર્ષથી નીમાયેલા ક્રિસ્ટીના સ્કોટની ગુજરાતની આ ચોથી મુલાકાત છે. ગુજરાતની તેમની યાદો અંગે તેમણે જણાવ્યું હતું કે અગાઉની મુલાકાતમાં તેમણે રાણીની વાવની મુલાકાત લીધી હતી અને આ વખતે તે હેરીટેજ સાઈટ ચાંપાનેર જવાના છે. “ગુજરાતના દેશની સૌથી સારી વાવ છે અને તે મને બહુ પસંદ છે. આ ઉપરાંત, વેજ ફૂડની શોખીન હોવાથી મને ગુજરાતી થાળી પણ બહુ ગમે છે. મને એ ખાવાનો આનંદ આવે છે,” એમ તેમણે જણાવ્યું હતું.
યંગ પ્રોફેશનલ સ્કીમ આવતા સપ્તાહે ફરી શરૂ
ભારતમાં 18 થી 30 વર્ષના, ગ્રેજ્યુએટ માટે બ્રિટન સરકારે ૨૦૧૩માં યંગ પ્રોફેશનલ સ્કીમ શરૂ કરી હતી. આ વિઝાની એક નવી કેટેગરી છે. આ સ્કીમમાં લોટરી સીસ્ટમ હેઠળ યુવાનોને બે વર્ષના વિઝા આપવામાં આવે છે તેમાં યુકે પહોંચી ઉચ્ચ શિક્ષણ, નોકરી કરવી કે સ્વયંસેવક તરીકે કામ કરવાની છૂટ આપવામાં આવે છે. આ સ્કીમ સિવાય પણ વિદ્યાર્થીઓ, બિઝનેસ, ટુરિસ્ટ સહિતના અન્ય વિઝામાં પણ ગુજરાત અને ભારતીયોને સૌથી વધુ વિઝા આપવામાં આવી રહ્યા છે.