ગુજરાતની વન્યજીવ સૃષ્ટિમાં સિંહ, દિપડા બાદ હવે ચિત્તાનું બ્રીડિંગ સેન્ટર બનાવાશે, કેન્દ્રની યોજના
Breeding Center of Cheetah: ગુજરાતની વન્યજીવ સૃષ્ટિમાં સિંહ, દિપડા પછી હવે ચિત્તાનું બ્રીડિંગ સેન્ટર ઉમેરાઇ રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર તૈયાર કરવાની યોજના શરૂ કરવામાં આવી રહી છે. વન વિભાગના અધિકારીઓએ મઘ્યપ્રદેશના કુનો- પાલપુર નેશનલ પાર્કની ફિલ્ડ વીઝીટની કરીને જરૂરી વિગતો એકત્રિત કરી છે.
પ્રોજેક્ટ માટે અંદાજે 20 કરોડ રૂપિયાની ફાળવણી
વન વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ હેઠળ ચિત્તાઓને બંધ પાંજરામાં ઉછેરવામાં આવશે. તેમના માટે પાણીના પોઇન્ટ, વન તળાવ, આર્ટિફિશિયલ શેડ, ટેકરા જેવી સુવિધા વિકસાવવામાં આવી રહી છે. કેન્દ્ર બનાવવા માટે 500 હેક્ટરનું બિડાણ બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે અંદાજે 20 કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવ્યા છે.
14 હજાર હેક્ટર ઘાસના મેદાનોમાં સુધારો
ચિત્તાઓનો શિકાર મળે તે માટે 14 હજાર હેક્ટર ઘાસના મેદાનોમાં સુધારો પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હાલ ગુજરાતમાં અન્ય બ્રિડીંગ સેન્ટરમાં રાખવામાં આવેલા વન્યપ્રાણીઓ તેમજ નવા જન્મેલા વન્યપ્રાણીઓને સેન્ટરમાં રાખી જરૂરિયાત પ્રમાણેના પ્રાણીઓને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યમાં મોર, નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા સહિત 21 પ્રજાતિઓની અંદાજે 9.53 લાખથી વધુની વસતી છે.
પક્ષી અભ્યારણ્યોમાં યાયાવર પક્ષીઓનો વધારો
આ ઉપરાંત રાજ્યના વિવિધ જળ પ્લાવિત વિસ્તાર, તળાવ, સરોવરોમાં ચાલુ વર્ષે 20 લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા છે. 14 વર્ષે પહેલાં થોળ પક્ષી અભ્યારણ્યમાં 31380 પક્ષીઓનું આગમન થયું હતું જે આ વર્ષે વધીને 1.11 લાખથી વધુનું થયું છે. એવી જ રીતે નળ સરોવરમાં પણ યાયાવર પક્ષીઓની સંખ્યા 1.31 લાખથી વધીને 14 વર્ષમાં 3.62 લાખ જેટલી થઇ છે. આટલા વર્ષોમાં આ બન્ને પક્ષી અભ્યારણ્યોમાં યાયાવર પક્ષીઓનો વધારો અનુક્રમે 355 અને 276 ટકા જોવા મળ્યો છે.
21 પ્રકારના પ્રાણીઓ નોંધાયા
2023ની વસતી ગણતરી પ્રમાણે રાજ્યમાં રાષ્ટ્રીય પક્ષી મોરની સંખ્યા 2.85 લાખ, નીલગાય 2.24 લાખ, 2.00 વાંદરા, એક લાખથી વધુ જંગલી સુવર અને ચિત્તલ, 9170 કાળિયાર, 8221 સાંભર, 6208 ચિંકારા, 2299 શિયાળ, 2274 દિપડા, 2272 લોંકડી, 2143 ગીઘ, 1484 વણીયાર, 1000 ચોશિંગા ઉપરાંત નાર, વરૂ, રીંછ અને ભેંકર જેવા 21 પ્રકારના પ્રાણીઓ નોંધાયા છે.
ગુજરાતમાં છેલ્લી ગણતરી પ્રમાણે એશિયાઇ સિંહની સંખ્યા 674 નોંધાઇ છે. ચાલુ વર્ષે યોજાયેલી વસતી પ્રમાણે ડોલ્ફિનની સંખ્યા 680 જોવા મળી છે. એ ઉપરાંત 7672 જેટલા ઘુડખરની વસતી નોંધાઇ છે. વન વિભાગની પ્રાણી શાખા દ્વારા રાજ્યના તમામ જિલ્લાસ્તરે ઉપસ્થિત વન્યપ્રાણીઓ સબંધિત મુશ્કેલીઓના નિવારણ માટે પ્રાણી રેસ્ક્યુ રિલીઝ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. વન્યપ્રાણી અને માનવ વચ્ચેના ઘર્ષણ નિવારવા સતત ઉપાયો કરવામાં આવી રહ્યાં છે.