અમદાવાદમાં ડૉ. બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવા મામલે બેની ધરપકડ, પૂછપરછમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ
BR Ambedkar's statue vandalised in Ahmedabad: અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ડૉ. બાબા સાહેબની પ્રતિમાનો ખંડિત કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મંગળવારે (24મી ડિસેમ્બર) ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું છે. હવે આ મામલે પોલીસે બે ઓરોપીઓની ધરપકડ કરી છે.
અંગત અદાવતમાં ડૉ. આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી!
ખોખરામાં ડૉ. બાબા સાહેબની પ્રતિમા ખંડિત મામલે ભારે વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે. રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસે પોલીસ કમિશ્નરને રજૂઆત કરી છે. આ વચ્ચે હવે સમાચાર મળી રહ્યા છે કે, ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. બે સમાજ વચ્ચે ચાલતી તકરારની અદાવતમાં ડૉ. આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મેહૂલ ઠાકોર અને ભોલા ઠાકોરની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, પ્રતિમા ખંડિત કરવા માટે એક્ટિવા પર ચાર લોકો આવ્યા હતા. હાલ, અન્ય આરોપીઓ અને આરોપીઓને આશ્રય આપનાર જયેશ ઠાકોરની શોધખોળ ચાલી રહી છે.
ખોખરાની જયંતિ વકીલની ચાલીના લોકો ખોખરા વિસ્તારને બંધ કરાવવા માટે નીકળ્યા હતા. ખોખરા સર્કલ, હાઉસિંગ વિસ્તાર અને બાલભવન થઈ અને સમગ્ર વિસ્તારને બંધ કરાવવા માટે તેઓ દ્વારા તમામ દુકાનદારોને અપીલ કરવામાં નીકળ્યા હતી. પોલીસે સાથે રહી અને સ્થાનિક લોકોએ દુકાનો બંધ કરાવી રહ્યા હતા.
પોલીસે 4 શકમંદની અટકાયત કરી
આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. જુદી-જુદી 20 ટીમ ગુનાના ડિટેક્શનમાં લાગી છે. આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચાર શકમંદની અટકાયત કરીને પૂછપરછ કરી હતી.
ડૉ. બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરવાના મામાલે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માતાના નિવેદન અંગે હજુ સુધી માફી માંગી નથી. આ દરમિયાન ખોખરામાં ડૉ. બાબા સાહેબની પ્રતિમાને નુકસાન થયું છે.'
કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, 'જો રાજ્ય સરકાર સાચા અર્થમાં દલિતો, વંચિતોની હમદર્દ હોય અને ડૉ. બાબા સાહેબની વિચારધારા અને બંધારણમાં માનતી હોય, તો તાત્કાલિક નવી પ્રતિમા સ્થાપિત કરે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવે.'
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, '28મી ડિસેમ્બરે આખા દેશમાં પ્રોટેસ્ટ કરવાનો કોલ આવ્યો છે, તેમાં અમે જોડાઈશું. રાજ્ય સરકારનું વર્તન દલિતો વિરુદ્ધનું છે.'
રવિવારે (23મી ડિસેમ્બર) અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરજીની અસામાજિક તત્ત્વો દ્રારા ખંડિત કરવામાં આવી હતી. આ વિષયને ધ્યાનમાં રાખી સામાજિક સમરસતા મંચ ગુજરાત દ્વારા કલેકટર અને પોલીસ કમિશ્નરને આ નિંદનીય ઘટના મામલે આવેદન આવામાં આવ્યું હતું.
આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, 'આ દુષ્કૃત્ય સામાજિક સૌહાર્દ અને ભાઈચારાને દૂષિત કરી સમાજમાં અરાજકતા ફેલાવવાના મલીન ઇરાદાથી કરવામાં આવ્યું છે. સામાજિક સમરસતા મંચ, ગુજરાત આ કૃત્યને સખત શબ્દોમાં વખડી કાઢે છે. આ જઘન્ય કૃત્યના કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરીને દોષિતોને દંડિત કરવા માટે ત્વરિત કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવા માટે આપને નમ્ર વિનંતી છે.'