યુવતીને બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરનાર આરોપી ઝડપાયો
સોશિયલ મિડીયા દ્વારા યુવતીના સંપર્કમાં આવ્યો હતો
આરોપીના મોબાઇલમાંથી વાંધાજનક ચીજવસ્તુઓ મળી આવીઃ યુવકે અન્ય યુવતીઓને પણ ટારગેટ કર્યાનો ખુલાસો
અમદાવાદ,બુધવાર
શહેરમા શેલા વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીનો સોશિયલ મિડીયા દ્વારા સંપર્ક કરીને તેની સાથે મિત્રતા કેળવ્યા બાદ વાંધાજનક વિડીયો રેકોર્ડ કરીને યુવતી દ્વારા નાણાંની માંગણી કરનાર યુવકને બોપલ પોલીસે પુનાથી ઝડપી લેવાયો છે. તેણે ગોવામાં યુવતીના હાથ પર સિગારેટના ડામ આપ્યા હતા અને યુવતીએ તેના કહેવાથી હાથમાં બ્લેડ મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બોપલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. શહેરના શેલામાં રહેતી ૨૧ વર્ષીય યુવતી ડિસેમ્બર ૨૦૨૩માં ગોવા ખાતે કેમ્પમાં ગઇ હતી ત્યારે તેની સાથે સોશિયલ મિડીયાથી સંપર્કમાં આવેલા સાહીલ અહેમદ ઇબ્રાહીમ સતારકરે તેની સાથે જાતીય સતામણી કરીને હાથમાં સિગારેટના ડામ દીધા હતા. ત્યારબાદ યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કરવાની સાથે તેના સગાઓને ક્યુ આર કોડ મોકલીને નાણાંની માંગણી કરી હતી.
સાહીલે યુવતીનો વિડીયોકોલથી સંપર્ક કરીને સ્ક્રીન રેકોર્ડથી વિડીયો શુટ કરીને બ્લેકમેઇલ કરી હતી. આ મામલે બોપલ પોલીસે પુનાથી સાહીલ નામના યુવકની ધરપકડ કરી હતી. આ અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસના પોલીસ વડા ઓમપ્રકાશ જાટે જણાવ્યું કે આરોપી સાહિલનો મોબાઇલ ફોન જપ્ત કરીને તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી અપાયો છે. તેણે અન્ય યુવતીઓને પણ બ્લેકમેઇલ કરી હોવાની સંભાવના છે. ભોગ બનનાર યુવતી જ્યારે પુનામાં અભ્યાસ કરતી હતી. જેથી પુનામાં તેની સાથે અભ્યાસ કરતા અન્ય યુવક દ્વારા સાહિલે યુવતીની સોશિયલ મિડીયાની આઇડી મેળવીને ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ મેળવીને તેની સાથે સંપર્ક કેળવ્યો હતો. આ અંગે આરોપીની વધુ પુછપરછ કરવામાં આવી રહી છે.
બીજી તરફ યુવતી માનસિક રીતે હતાશ થઇ ગઇ હોવાથી તેને સારવાર માટે નેપાળ મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.