કેરકેટર તરીકે કામ કરીને ચોરી કરતા બંટી બબલી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયા
બોપલમાં આવેલા આરોહી એલિઝીયમમાં ચોરી કરી હતી
કેરકેટર અને અન્ય હોમ સર્વિસમાં રજીસ્ટ્રેશન કરાવીને પતિ પત્ની પાસે નોકરી કરાવી ચોરી કરાવતો હતો
અમદાવાદ,સોમવાર
દર્દીઓની કાળજી માટે કેરટેકર તરીકેની નોકરી કરીને ઘરમાં તક મળતા ચોરી કરતી બટી બબલીને બોપલ પોલીસે ઝડપી લીધી છે. બોપલમાં આવેલા આરોહી એલિઝયમમાં એક વૃદ્ધાની કાળજી લેવાની કામગીરી દરમિયાન યુવતીએ અલગ અલગ સમયે કુલ સાડા આઠ લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી હતી. મુળ રાજસ્થાનના બાંસવાડામાં રહેતા દંપતિએ અન્ય ચોરી કરી હોવાની શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
સાઉથ બોપલમાં આવેલા આરોહી એલિઝયમમાં રહેતા સારિકાબેન પાંચપોરના સાસુનું ઓપરેશન કરવામાં આવ્યું હોવાથી તેમણે પીએસએલ હોમ સર્વિસની મદદથી નિકિતા દાયમા નામની યુવતીને ગત ૨૪મી ડિસેમ્બરથી ૧૩ ફેબુ્રઆરી સુધી તેમના સાસુની કાળજી લેવા માટે કેરટેકર તરીકે રાખી હતી. બાદ તેના સાસુને સારૂ થતા તે દિલ્હી ગયા હતા અને તેમના દાગીના લેવા જતા કબાટમાં અન્ય દાગીના પણ મળી આવ્યા નહોતા. જેથી નિકીતા પર શંકા રાખીને બોપલ પોલીસ મથકે રૂપિયા સાડા આઠ લાખની કિંમતના દાગીનાની ચોરી થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી ટી ગોહિલે હોમ સર્વિસ પ્રોેવાઇરનો સંપર્ક કરીને નિકીતાનું લોકેશન મેળવીને તપાસ કરી હતી. જેમાં તેની અટકાયત કર્યા બાદ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે તેના પતિ માંગીલાલ સાથે મળીને ચોરી કરતી હતી. જેમાં તે તક મળતા થોડા થોડા દાગીના ચોરી કરીને તેના પતિને આપતી હતી. પોલીસે તપાસ કરતા ચોરીના તમામ દાગીના તેની પાસેથી મળી આવ્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.