૧૫ લાખની સામે ૧.૧૦ કરોડ વસુલ્યા બાદ પણ નાણાં માંગી યુવકનું અપહરણ કર્યું
થલતેજ ગુલાબ ટાવરમાં રહેતા બે માથાભારે વ્યાજખોર સામે ફરિયાદ
જમીન દલાલ યુવકને અપહરણ કરીને સિંધુ ભવન રોડ પર લઇ ગયાઃ વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યોઃ બોપલ પોલીસ સ્ટેશનમાં પણ પાંચ વ્યાજખોર સામે ફરિયાદ
અમદાવાદ,
બુધવાર
શહેરના જોધપુરમાં રહેતા અને જમીન લે વેચનું કામ કરતા યુવકે પાંચ વર્ષ પહેલા બે વ્યાજખોરો પાસેથી ૧૫ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે સતત ધમકી અને ઉઘરાણી કરીને માથાભારે લોકોએ ૧.૧૦ કરોડ જેટલી રકમ વસુલી હતી. તેમ છતાંય, યુવક પાસે વધુ સાડા ત્રણ કરોડની માંગણી કરીને તેનું અપહરણ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. અન્ય બનાવમાં બોપલમાં રહેતા યુવકે પણ પાંચ વ્યાજખોરો સામે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જોધપુર સેટેલાઇટમાં આવેલા સમકિત-૨ બંગ્લોઝમાં રહેતા ઇન્દ્રવિજયસિંહ ચૌહાણ જમીન લે-વેચનું કામ કરે છે. તેમણે પાંચ વર્ષ પહેલા ફાઇનાન્સનું કામ કરતા રાજુ રબારી અને મનુ રબારી નામના બે ભાઇઓ પાસેથી છુટક છુટક કુલ ૧૫ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.
જેની સામે કુલ ૫૦ લાખ જેટલી રકમ રોકડમાં ચુકવી હતી. જ્યારે બેંકમાંથી નાણાં ચુકવીને કુલ ૧.૧૦ કરોડ જેટલા રકમ આપી દીધી હતી. તેમ છતાંય, ઇન્દ્રવિજયસિંહ પાસેથી બંને જણા વધારે નાણાંની માંગણી કરતા હતા. ગત સપ્ટેમ્બર મહિનામાં નાણાંકીય લેવડ-દેવડ મામલે તેમણે ઇન્દ્રવિજયસિંહને અતિથિ હોટલ પાસે બોલાવીને ધમકી આપી હતી કે હજુ હિસાબના સાડા ત્રણ કરોડ રૂપિયા લેવાના નીકળે છે. ત્યારબાદ માર મારીને કારમાં સિંધુ ભવન રોડ પર લઇ જઇને ધમકી આપીને ઉતારી દીધો હતો. આ અંગે તેમણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બે વ્યાજખોર ભાઇઓ સામે ગુનોે નોંધી કાર્યવાહી કરી છે. અન્ય બનાવમાં બોપલમાં રહેતા સુનિલ પટેલે ભવરલાલ મિસ્ત્રી, અનિલ દેસાઇ, ચેતન દેસાઇ, મહેન્દ્ર દેસાઇ, વિઠ્ઠલ મકવાણા નામના વ્યાજખોરો પાસેથી અલગ અલગ સમયે ૧૦ ટકાના વ્યાજે નાણાં લીધા હતા. જે ચુકવાયા હોવા છતાંય, તેમની પાસે સતત નાણાંની માંગણી કરીને ધમકી આપવામાં આવતી હતી. આ અંગે બોપલ પોલીસે પુરાવાના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.