અમદાવાદના બુટલેગરો અપગ્રેડ થયા, ફૂડ સપ્લાયના નામે દારૂની હોમ ડિલિવરી શરુ કરી
Bootleggers home delivery : નવા વર્ષની ઉજવણી અને દારૂની પાર્ટીને સીધું કનેકશન છે. જેના કારણે નવા વર્ષે વિદેશી દારૂ અને બિયરની ડિમાન્ડ સામાન્ય દિવસ કરતાં બમણી થઈ છે. ત્યારે ચાલુ વર્ષે દારૂની ડિમાન્ડને પહોચી વળવા માટે બુટલેગરોએ દારૂ સપ્લાય કરવા માટે કેરીયર તરીકે કામ કરતાં યુવકોને મોટા પ્રમાણમાં સક્રિય કર્યા છે. જેમાં તેમને એક બોટલ સપ્લાય કરવા માટે રૂપિયા 50થી 100 સુધીનું કમિશન આપવામાં આવી રહ્યું છે. આમ, શહેરમાં પ્રતિદિન ખૂબ મોટા પ્રમાણમાં સ્થાનિક સ્તરે દારૂની સપ્લાય શરુ થઈ છે. જેમાં ફૂડ સપ્લાય કરતાં યુવકોને પણ ફૂડ ડિલવરીના નામે દારૂ સપ્લાય માટે મોકલવામાં આવી રહ્યા છે.
દારૂ સપ્લાય કરવા માટે કેરિયરને પ્રતિ બોટલ 50થી 100 રૂપિયાનું કમિશન
નવા વર્ષની ઉજવણીને હવે બે દિવસ બાકી છે ત્યારે શહેરમાં વિદેશી દારૂની ડિમાન્ડ સરેરાશ કરતાં બમણાં ઉપરાંતની થઈ ગઈ છે. ખાસ કરીને બ્રાંડેડ વિદેશી દારૂ અને બિયર સપ્લાય કરતાં બુટલેગરો પાસે ખૂબ મોટાપ્રમાણમાં ઑર્ડર આવ્યા છે. જેની સપ્લાયને પહોંચી વળવા માટે બુટલેગરોએ દારૂની સપ્લાય કરતાં યુવકોને સક્રિય કર્યા છે. જેમાં તેમને દારૂની એક બોટલ દીઠ રૂપિયા 50થી 100 સુધીનું કમિશન આપવામાં આવી રહ્યું છે.
સૌથી નવાઈની વાત એ છે કે પોલીસ ટુ વ્હીલર પર દારૂની સપ્લાય કરતાં શંકાસ્પદ યુવકોને ઝડપી લેવા માટે સક્રિય થતાં બુટલેગરોએ ફૂડ સપ્લાય કરતાં વિવિધ ફૂડ ચેઇનમાં કામ કરતાં યુવકોને દારૂની ડિલવરી કરવાની કામગીરી સોંપી છે. જેમાં તેમનું કમિશન પ્રતિ બોટલ 150 રૂપિયા નક્કી કર્યું છે. જો કે શહેરના સેટેલાઇટ, પ્રહ્લાદનગર, બોડકદેવ, થલતેજ, બોપલ, મકરબા, વૈષ્ણોદેવી, શાહીબાગ જેવા પોશ વિસ્તારોમાં જ ફૂડ સપ્લાય સાથે જોડાયેલા યુવકોને કામગીરી સોંપવામાં આવી છે.
દારૂની બોટલમાં 500થી 1000 રૂપિયાનો વધારો
એક બુટલેગરે જણાવ્યું કે આ વર્ષે આખો ડિસેમ્બર મહિનો સતત પોલીસ ચેકિંગને કારણે ગત વર્ષના પ્રમાણમાં 30 ટકા ઓછો દારૂ મળ્યો છે. જેની સામે ડિમાન્ડ વધારે હોવાથી દારૂની બોટલમાં 500થી 1000 રૂપિયાનો વધારો લઈને સપ્લાય શરુ કરવામાં આવી છે. આ ઉપરાંત, દારૂ સપ્લાય કરતાં યુવકનું કમિશન પણ બોટલની કિંમતમાં ઉમેરવામાં આવી રહ્યું છે.
એકલ દોલક બોટલ દારૂ સપ્લાય કરતાં યુવકો ઝડપાઈ તો પોલીસ માત્ર કેસ નોંધીને વધારે પૂછપરછ કરતી નથી અથવા સેટિંગ કરી લે છે. જેના કારણે પોલીસની ઘોંસ ઘણે અંશે ઓછી થઈ છે.