Get The App

અમદાવાદમાં CTM બ્રિજ નીચે મળેલ મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલાયો, પૂર્વ પ્રેમીએ જ ગળુ દબાવીને હત્યા કરી

ક્રાઈમ બ્રાંચે આરોપીને ઝડપીને રામોલ પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ હાથ ધરી

Updated: Apr 12th, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં CTM બ્રિજ નીચે મળેલ મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલાયો, પૂર્વ પ્રેમીએ જ ગળુ દબાવીને હત્યા કરી 1 - image



અમદાવાદઃ તાજેતરમાં જ અમદાવાદમાં સીટીએમ એક્સપ્રેસ હાઈવે પરથી માનસિક અસ્થિર મહિલાનો મૃતદેહ મળી આવતાં અનેક તર્કવિતર્કો સર્જાયા હતાં. મૃતક મહિલાના ભાઈએ અજાણ્યા શખ્સ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મહિલાનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ થયા બાદ તેની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો. હવે પોલીસની તપાસમાં આ મહિલાના હત્યારાને ઝડપી પાડવામાં આવ્યો છે. 

મૃતદેહ મળતાં મહિલાના ભાઈએ ફરિયાદ કરી હતી
અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં આવેલી નવી વસાહતમાં રહેતા અખાભાઈ ભાટીની મોટી બહેનના લગ્ન ચમનભાઈ મકવાણા સાથે થયાં હતાં. તેને બે દીકરીઓને જન્મ આપ્યો હતો. લગ્ન બાદ પતિના ત્રાસથી તે પિયર આવી ગઈ હતી અને પાંચ વર્ષથી પિયરમાં જ રહેતી હતી. તે છેલ્લા ચારેક વર્ષથી માનસિક રીતે બીમાર હતી. તે બહાર ફરતી રહેતી અને મરજી પ્રમાણે ઘરે આવતી હતી. અખાભાઈને શનિવારે રાત્રે તેના કાકાના દીકરાનો ફોન આવ્યો હતો કે મોબાઈલ ફોનમાં વોટ્સએપમાં મેસેજ આવ્યો છે અને તેમાં તેની બહેનનો મૃત હાલતમાં ફોટો છે. તપાસ કરતાં સીટીએમ એક્સપ્રેસ હાઈવે તરફ જવાના રસ્તા પાસે તેની બહેન મૃત હાલતમાં મળી હતી. જેથી તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમના રીપોર્ટમાં તુલસીનુ ગળુ દબાવીને હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેથી તેના ભાઈએ અજાણ્યા શખ્સ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપીએ મહિલાનું ગળું દબાવીને હત્યા કરી
પોલીસ તપાસમાં પકડાયેલા આરોપી શંકર ખોખરીયાવાળાને પાંચેક વર્ષ પહેલાં તુલસી સાથે આડા સંબંધો હતાં. પરંતુ છેલ્લા બે વર્ષથી તુલસીને વીરસિંહ નામના યુવક સાથે આડા સંબંધો હતાં. સાતમી એપ્રિલે રાતના સમયે ખારીકટ કેનાલ પાસે વીરસિંહ અને તુલસી બેઠા હતાં. ત્યારે તુલસીએ આરોપી શંકરને ત્યાંથી પસાર થતો જોયો અને તેને ઉભો રહેવા માટે કહ્યું હતું. તેણે વીરસિંહ અને તુલસી અહીં બેઠા છે એવી વાત ઘરે નહીં કહેવા માટે જણાવ્યું હતું. ત્યારે આરોપીએ કહ્યું હતું કે તુ વીરસિંહ સાથે બોલે કે ના બોલે મારે શું લેવા દેવા. ત્યારે તુલસીએ તેને ધમકી આપી હતી કે જો મારા ઘરે ખબર પડશે તો તારી આવી બનશે. તેમ કહીને તુલસીએ આરોપીનો કોલર પકડીને ઝપાઝપી કરી હતી. ત્યાર બાદ આરોપીએ તુલસીનું ગળું દબાવીને પેડલ રીક્ષા પર ફેંકી દીધી હતી.

લાશને બ્રિજ નીચે મુકીને આરોપી ચાલતો થયો હતો
તેણે તુલસીના મૃતદેહને પેડલ રીક્ષામાં સુવાડી ઓઢણી ઢાંકીને લઈ ગયો હતો. તેણે કેનાલ પાસે એક પાણીની ચકલી પાસે પેડલ રીક્ષા ઉભી રાખીને તુલસીના મોઢા પર પાણી છાંટ્યું હતું પણ તુલસી મોતને ભેટી હતી. ત્યાર બાદ તેણે તુલસીની લાશને એક્સપ્રેસ હાઈવે તરફ જવાના બ્રીજ પાસે મુકી દીધી હતી અને પોતે પેડલ રિક્ષા લઈને ઘરે જતો રહ્યો હતો. ક્રાઈમ બ્રાંચે આરોપીને ઝડપીને તેને રામોલ પોલીસ સ્ટેશનમાં સોંપવા માટેની તજવીજ હાથ ધરી છે. 


Google NewsGoogle News