જન્મ લેતાં 50 હજારમાંથી 1 બાળકને બ્લેડર એસ્ટ્રોફીની સમસ્યા
- સર્જરીમાં 7 થી 8 કલાકનો સમય થાય છે
અમદાવાદ,તા.23 જાન્યુઆરી 2024,મંગળવાર
પેશાબની કોથળીમાં જન્મજાતખામી ધરાવતા બાળકોને બ્લેડર એસ્ટ્રોફી પ્રકારની બિમારી થાય છે. સરેરાશ 40 હજારથી 50 હજાર બાળકોમાંથી 1 બાળક આ સમસ્યા સાથે જન્મે છે.
સિવિલમાં 16 મી ઈન્ડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપનો પ્રારંભ : 16 બાળકોની સર્જરી કરાશે
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપનો પ્રારંભ થઇ ગયો છે. જેમાં દેશ-વિદેશના નિષ્ણાતો ભાગ લઇ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 16 વર્ષથી ઈન્ડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપ હાથ ધરવામાં આવે છે. જન્મજાત પેશાબની કોથળીમાં ખામી ધરાવતા બાળકોને બ્લેડર એસ્ટ્રોફી પ્રકારની બિમારી થાય છે. જેમાં પેશાબની કોથળીનું બહારની બાજુએ વિકાસ થયેલ હોય છે. આ પ્રકારની સર્જરી તબીબી જગતમાં અત્યંક જટીલ માનવામાં આવે છે. આ સર્જરીમાં થાપાના હાડકાને તોડયા પછી પેશાબની થેલી અંદર મૂકવા માં આવે છે. જેમાં બાળરોગ સર્જરી, પેડિયાટ્રીક યુરોલોજી અને હાડકાના વિભાગના સહિયારા પ્રયાસથી સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. એક બાળકની સર્જરી 8 થી 10 કલાક ચાલતી હોય છે.અમેરિકામાં રૂપિયા 3 કરોડમાં થતું ઓપરેશન અમદાવાદ સિવિલમાં વિના મૂલ્યે કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું કે, 'ભારત સહિત નેપાળ, કેન્યા બાંગ્લાદેશ જેવા દેશમાંથી આવેલા બાળકોની બ્લેડર એસ્ટ્રોફીની સમસ્યા આ વર્કશોપમાં દૂર કરવામાં આવશે.
અંદાજે ૧૬૦ જેટલા બાળકોને આ વર્કશોપ માં ચકાસવામાં આવશે .તેમાંથી અત્યંત ગંભીર સમસ્યા ધરાવતા અને તાકીદે જરૂરિયાત હોય તેવા જ બાળકોના આ બ્લેડર એસ્ટ્રોફીની સર્જરી કરીને તેમને સમસ્યામાંથી ઉગારવામાં આવશે.વર્ષ દરમિયાન ૩૩ બ્લેડર એસ્ટ્રોફીના ઓપરેશન સિવિલમાં કરાયા છે. '