ભાજપે ગઢ સાચવ્યો: જૂનાગઢમાં ભાજપે હેટ્રીક સાથે રૅકોર્ડ બનાવ્યો, કોંગ્રેસ 11 બેઠકો પર સમેટાઈ
Junagadh Municipal Corporation Election: ગુજરાતના જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપે પોતાના જ ગઢમાં જીતની હેટ્રિક નોંધાવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકમાંથી ભાજપના ફાળે 48 બેઠક આવી છે. જ્યારે કોંગ્રેસે 11 બેઠક પર જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે, વોર્ડ નંબર નવમાં અપક્ષનો વિજય થયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના કુલ 15 વોર્ડમાં 60 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી ઓછુ મતદાન જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં નોંધાયું હતું. આ વખતે જૂનાગઢમાં માત્ર 40 ટકા જ મતદાન થયું હતું. જ્યારે ચોરવાડમાં સૌથી વધુ 76 ટકા મતદાન નોંધાયુ હતું. ગુજરાતમાં 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા, અને ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જૂનાગઢની માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસનો દેખાવ 50-50 રહ્યો હતો. બંનેના ફાળે 15-15 બેઠકો આવી છે.
8 બેઠકોમાં ભાજપ બિનહરીફ
જૂનાગઢ મહાનગરપાલિકાની કુલ 60 બેઠકોમાંથી આઠ બેઠકો પર ભાજપની બિનહરીફ જીત થઈ હતી. જ્યારે રાજ્યની 66 નગરપાલિકાઓમાંથી કુલ 461 વોર્ડમાંથી 24 વોર્ડ બિનહરીફ જાહેર થયા હતા. અર્થાત્ કુલ 1844 બેઠકોમાંથી 167 બેઠકો બિનહરીફ રહી હતી, જેમાં 162 ભાજપની, 1 બેઠક કોંગ્રેસ અને 4 બેઠક અન્યને મળી છે.
જૂનાગઢમાં કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોની જાહેરાત સાથે જ અનેક જગ્યાએથી વિવાદ થયો હોવાના અહેવાલો પણ મળ્યા હતા. જૂનાગઢમાં વોર્ડ નંબર-8માં કોંગ્રેસની જીત થતાં જ પથ્થરમારાની ઘટના સામે આવી છે. પથ્થરમારામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કોંગ્રેસના વિજય સરઘસ દરમિયાન પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. હાલ, પોલીસે સમગ્ર મામલો થાળે પાડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. વળી, બીજીબાજુ મોરબીના વાંકાનેરમાં વોર્ડ નંબર 6માં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ફટાકડા ફોડવાની બાબતે બબાલ થઈ હતી.
જૂનાગઢમાં હાર થતાં જ ઉમેદવારે કેસરિયો પહેર્યો
જૂનાગઢ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર નવમાં કોંગ્રેસના ઉમેદવાર મહિપાલસિંહ બસિયા હાર્યા છે. આ હારની જાહેરાત થયાના થોડી જ ક્ષણોમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે ફંડ ન મળતાં મહિપાલસિંહ નારાજ હતાં. જેથી કંટાળીને ભાજપમાં જોડાયા છે.