યુવાનોએ નોકરી ગુમાવી, બાળકોની સ્કૂલ ફીના પૈસા નથી: ભાજપના જ ધારાસભ્યએ CMને લખ્યો પત્ર
Kumar Kanani Latter: સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અવાર-નવાર ચર્ચામાં રહે છે. ત્યારે હાલ ફરીથી કુમાર કાનાણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલાં એક પત્રના કારણે ચર્ચામાં આવ્યા છે. ધારાસભ્યએ પત્ર લખી સુરત તેમજ હીરા ઉદ્યોગની કથળતી સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી સરકાર પાસે મદદ માગી છે. કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી હીરા ઉદ્યોગ માટે પણ ટેક્સટાઇલ પોલિસીની જેમ ડાયમંડ પોલિસીની માગ કરી છે.
ડાયમંડ ઉદ્યોગ માટે કરી માગ
મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કુમાર કાનાણીએ કહ્યું કે, ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષ માટે નવી ટેક્સટાઇલ નીતિ જાહેર કરવા માટે ખૂબ-ખૂબ અભિનંદન. ટેક્સટાઇલ પોલિસીથી કાપડ ઉદ્યોગને વેગ મળશે અને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારીનું સર્જન થશે. ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ પછી બીજા નંબરે સૌથી વધુ રોજગારી આપતા ઉદ્યોગ એટલે ડાયમંડ ઉદ્યોગ, જેના માટે પણ પોલિસી જાહેર કરવી જોઈએ.
વિષય : નવી ટેક્ષ્ટાઇલ પોલીસી જાહેર કરવા બદલ અભિનંદન સાથે ડાયમંડ ઉદ્યોગ માટે પણ પોલીસી જાહેર કરવા બાબત. pic.twitter.com/z7DOmMRwWo
— Kishor Kanani (Kumar) (Modi ka parivar) (@ikumarkanani) October 16, 2024
સુરતની કથળતી આર્થિક સ્થિતિ
કાનાણીએ લખ્યું કે, છેલ્લાં કેટલાય સમયથી હીરા ઉદ્યોગ મંદીના કારણે કપરા સમયનો સામનો કરી રહ્યો છે. હાલ ભયંકર મંદીના કારણે ઘણાં યુનિટો બંધ કરવાની નોબત આવી છે. જેના કારણે ઘણાં હીરા ઉદ્યોગના કારીગરોને છૂટા કરવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. બેકારીના કારણે રત્ન કલાકારો મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમના બાળકોનું ભરણપોષણ પણ ન કરી શકતાં આત્મહત્યાના કિસ્સા પણ વધી રહ્યાં છે. ત્યારે ડાયમંડ ઉદ્યોગને મંદીમાંથી બહાર લાવવા ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસ માટે જેવી પોલિસી જાહેર કરવામાં આવી તેવી ડાયમંડ ઉદ્યોગ માટે પણ જાહેર કરવામાં આવે તેવી માગ છે.
આ પણ વાંચોઃ જાણીને નવાઇ લાગશે...ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જોવા મળે છે સૌથી વધુ ડોલ્ફિન
સરકાર પાસે માગી મદદ
કુમાર કાનાણીના આ પત્રથી રાજ્ય સરકાર દ્વારા બેરોજગારી ઘટવાના દાવાઓની પોલ ખુલી ગઈ છે. કુમાર કાનાણીના આ પત્રથી એ સાબિત થાય છે કે, સુરતની પરિસ્થિતિ કેટલી ખરાબ છે. જોકે, જ્યારે સુરતમાં ડિસેમ્બર 2023માં જ 3400 કરોડના ખર્ચે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, ત્યારે ડાયમંડ બુર્સ દેશના અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થશે તેવું જણાવ્યું હતું. જોકે, કુમાર કાનાણીના પત્રથી સુરતના વિકાસ અંગેના સરકારના આ દાવા પણ પોકળ સાબિત થતા જણાય છે.