ભાજપે ટિકિટ વહેંચણીમાં 'સારા નહીં, 'મારા'ની નીતિ અપનાવી, માનીતા ફાવી ગયા, નિયમ બધા કાગળે રહ્યાં
Gujarat Election 2025: નગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ ભાજપમાં અસંતોષ ભભૂક્યો છે. ખુદ કાર્યકરો આક્ષેપ કરી રહ્યાં છે કે, ટિકિટ પસંદગીમાં પ્રદેશ નેતાગીરીએ નિયમો નેવે મૂક્યાં છે. બધાય નિયમો માત્ર કાગળ પર રહ્યાં હોય તેવો ઘાટ સર્જાયો છે. સંનિષ્ઠ કાર્યકરો ટિકિટથી વંચિત રહ્યાં છે તો માનિતા-મળતિયા ફાવ્યા છે.
પોતાના જ નિયમો નેવે મુક્યા
ટિકિટની વહેંચણી બાદ ઉત્તર ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્ર સુધી ભાજપ પ્રત્યે નારાજગી પ્રવર્તી રહી છે. તેનું કારણ એ છે કે, પાલિકા-પંચાયતની ચૂંટણીમાં 60થી વધુ વય હોય તેમજ બે ટર્મથી વધુ વખત ચૂંટાયા હોય તેને ચૂંટણી મેદાને નહીં ઉતારવા ભાજપે નક્કી કર્યું હતું. પરંતુ જે રીતે ઉંમેદવારોના નામ જાહેર કરાયા છે, તેના પરથી ભાજપે પોતાના જ નિયમને નેવે મુક્યા હોય તેવું જણાય છે.
ભાજપ કાર્યકરોમાં અસંતોષ
કેટલીક પાલિકા-પંચાયતમાં તો છેક છેલ્લી ઘડીએ ભાજપને મેન્ડેટ બદલવા પડયાં છે. નો રિપિટ થિયરી નામપુરતી જ રહી છે કારણ કે, કેટલાંયને રિપિટ કરાયા છે. આ જોતાં કાર્યકરો આરોપ લગાવી રહ્યાં છે કે, ટિકિટ પસંદગી મુદ્દે નક્કી કરાયેલાં નિયમો નેવે મૂકાયા છે. પક્ષ માટે પરસેવો પાડનારા કાર્યકરો કોરાણે મૂકાયા છે જ્યારે રાજકીય વર્ગ ધરાવનારાને ટિકિટ અપાઈ છે. સારા નહીં પણ મારાની નીતિ અપનાવાઈ છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, જેને જોતાં ભાજપમાં અસંતોષનો ચરુ ઉકળ્યો છે. ભાજપના જ દાવેદારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને ભાજપને હરાવવા ચૂંટણી મેદાને પડ્યાં છે. હવે ડેમેજ કંટ્રોલ કરવું ભાજપ માટે જ મુશ્કેલ બન્યું છે.
આ પણ વાંચોઃ બોલેરો પીકઅપમાંથી ટ્રાવેલ્સ બસમાં જ્વલંતશીપ પ્રવાહી ભરતા ૪ ઝડપાયા
પ્રાંતિજ, તલોદ, ખેડબ્રહ્મામાં ભાજપ વિરૂદ્ધ અપક્ષો
પ્રાંતિજ પાલિકામાં છ વોર્ડમાં ભાજપમાં 23 ઉમેદવારો સામે 23 અપક્ષ ચૂંટણી મેદાને છે. આ સ્થિતિને પગલે ભાજપ માટે કપરી સ્થિતિ ઉભી થઈ છે. જો અપક્ષ ઉમેદવારો ફોર્મ પરત નહીં ખેંચે તો ભાજપને સત્તા નહીં મળે તેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડબ્રહ્મા નગરપાલિકામાં ઉમેદવારો સામે અસંતોષ વકર્યો છે. તલોદ નગરપાલિકામાં કેટલાંક આગેવાનો પોતાની ટિકિટ કન્ફર્મ છે તેવું માનતા હતાં પણ છેલ્લી ઘડીએ પત્તુ કપાયું છે, ત્યારે સમર્થકોમાં અસંતોષનો ઉભરો સામે આવ્યો છે. મંગળવારે બગાવતી ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારોને દામ-સામ-દંડથી બેસાડવાના પેતરા રચાય તેવી શક્યતા છે. અસંતોષ, આંતરિક જૂથવાદને જોતાં પાલિકાના પરિણામોમાં પણ તેની માઠી અસર થાય તેવું સ્થાનિક નેતાઓએ રાજકીય ગણિત માંડ્યું છે.