Get The App

ગુજરાતમાં ભાજપના ધારાસભ્યએ આદિવાસી મહિલાને અપશબ્દો કહ્યાં, કમલમ સુધી ફરીયાદ પહોંચી

લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે ભરૂચ,સાબરકાંઠા, સુરેન્દ્રનગર,વડોદરામાં ભાજપના ડખા યથાવત

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં ભાજપના ધારાસભ્યએ આદિવાસી મહિલાને અપશબ્દો કહ્યાં, કમલમ સુધી ફરીયાદ પહોંચી 1 - image


Lok Sabha Elections 2024: ઉમેદવારોના નામો જાહેર કરાયાં બાદ ભાજપમાં અસંતોષ શમતો જ નથી. હજુય સાબરકાંઠા, વડોદરા, વિજાપુર, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં ભાજપના કાર્યકરોની નારાજગી યથાવત રહી છે. સાબરકાંઠામાં તો ભીખાજી ઠાકોરના સમર્થકોએ રજૂઆત કરતાં ભાજપના ધારાસભ્ય (BJP MLA) રમણ વોરા (Ramanlal Vora)એ આદિવાસી મહિલાને જાહેરમાં ગાળો ભાંડી હતી જેથી ભાજપના કાર્યકરો રોષે ભરાયા હતાં. એક તબક્કે બે જૂથો સામસામે આવ્યા હતાં.

ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસિમાએ પહોંચ્યો

જીલ્લા પંચાયતના સભ્ય અને આરોગ્ય સમિતીના મહિલા ચેરમેનને અપશબ્દ બોલી જાહેરમાં અપમાનિત કરાયા હતાં પરિણામે ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. આ ઘટનાને પગલે ભાજપની શિસ્તના લીરેલીરા ઉડ્યા છે. આદિવાસી મહિલા સાથે રમણ વોરાના વાણી વર્તનને લઈને કમલમ સુધી ફરિયાદ કરવામાં આવી છે. એટલું જ નહીં, રમણ વોરાને જાહેરમાં માફી માંગવા માંગ ઉઠી છે. લોકસભાની ચૂંટણી વખતે સાબરકાંઠામાં ભાજપમાં વિખવાદ વધુ વકરે તેવી પરિસ્થિતીનુ નિર્માણ થયુ છે.

સાબરકાંઠામાં અસંતુષ્ટો ભાજપની સામે મેદાને પડ્યા

સાબરકાંઠામાં પક્ષપલટુ ધારાસભ્ય મહેન્દ્ર બારૈયાની પત્નિ શોભના બારૈયાને ટિકિટ અપાતાં અસંતુષ્ટો ભાજપની સામે મેદાને પડ્યા છે. આજે ભિલોડોમાં ભીખુજી ઠાકોરના સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજ૫ વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરીને ભિલોડા-શામળાજી હાઈવે ચક્કાજામ કર્યો હતો જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ભીખાજીના સમર્થકોએ એવી માંગ કરી છેકે, આયાતી ઉમેદવાર શોભના બારૈયાને બદલે ભીખાજીને ટિકિટ આપો. જો પુનઃ ટિકિટ આપવામાં નહી આવે તો ભાજપને ચૂંટણી પરિણામ ભોગવવા પડશે. ભાજપના કાર્યકરોના દેખાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાવ્યો હતો.

વડોદરામાં આંતરિક રોષ યથાવત રહ્યો

વડોદરામાં રંજન ભટ્ટે તો ચૂંટણી નહી  લડવાનો સ્વૈચ્છિક રીતે ઈન્કાર કર્યો છે જેના કારણે ઉમેદવાર બદલીને ભાજપે  ડો. હેમાંગ જોશીની પસંદગી કરી છે તેમ છતાંય આંતરિક રોષ યથાવત રહ્યો છે. ભાજપના જગ્રુપમાં જ ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી સામે વિરોધનો વંટોળ શરૂ થયો છે. એવી કોમેન્ટ થવા માંડી છેકે સાંસદ બન્યા બાદ હેમાગ જોશી કોઈને ઓળખશે ય નહીં. આ ઉપરાંત હેમાંગ જોશીએ સાવલી જોયું છે ખરું? આમ ભાજપના સભ્યો વચ્ચે થયેલી ચેટ વાઈરલ થઈ છે.

સુરેન્દ્રનગરમાં ભાજપ સામે કોળી સમાજ મેદાને પડ્યો

સુરેન્દ્રનગરમાં હવે ભાજપ સામે કોળી સમાજ મેદાને પડ્યો છે. તળપદા કોળી સમાજે સમેલન યોજી એવો આરોપ મૂક્યો છેકે, ભાજપે કોળી સમાજ સાથે અન્યાય કર્યો છે. આગામી ચૂંટણીમાં ભાજપે તેનુ પરિણામ ભોગવવુ પડશે. સુરેન્દ્રનગરમાં કકળાટ શરૂ થયો છે જેથી ભાજપના નેતાઓની મુશ્કેલી વધી છે. આ તરફ, ભરૂચમાં આદિવાસી ગીત રજૂ કરીને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને નિશાન બનાવાયા છે. ગામમાં રોડ બન્યો છે પરિણામે ઘેરૈયાએ ગીત બનાવીને ભાજપના ઉમેદવારની ઠેકડી ઉડાડી છે. ઘેરૈયાનું આ ગીત સોશિયલ મિડિયામાં વાયરલ થયુ છે. નેત્રંગ પંથકમાં રોડ બન્યો નથી પરિણામે હવે મતદારો ભાજપના સાંસદ-ઉમેદવારને ઘેરી રહ્યા છે.

ગુજરાતમાં ભાજપના ધારાસભ્યએ આદિવાસી મહિલાને અપશબ્દો કહ્યાં, કમલમ સુધી ફરીયાદ પહોંચી 2 - image


Google NewsGoogle News