બાપુનગરમાં ભાજપના MLA દિનેશ કુશવાહે જાહેરમંચથી નારા લગાવ્યા, નારે તકબીર અલ્લાહુ અકબર
image : facebook
અમદાવાદ,તા.30 ડિસેમ્બર 2023,શનિવાર
એક તરફ, ભાજપ હિન્દુત્વના સહારે લોકસભાની ચૂંટણી જીતવા અત્યારથી તૈયારીઓ કરી છે ત્યારે ભાજપના ધારાસભ્ય લઘુમતી મતદારોને રાજી કરવા મથામણ કરી રહ્યા છે તેનુ કારણ છેકે, અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં આયોજીત ઇતેહાદે મિલ્લત કોન્ફરન્સમાં ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહે હેર મંચ પરથી નારે તકબીર-અલ્લાહુ અકબરના નારા લગાવ્યા હતાં. અસ્સલામો અલયકુમ કહીને સંબોધનની શરૂઆત કરી હતી. સોશિયલ મિડીયામાં દિનેશ કુશવાહનો વિડીયો ખુબ વાયરલ થયો છે. હાલ આ મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
'અસ્સલામો અલયકુમ' કહીને ધારાસભ્ય કુશવાહે સંબોધન શરૂ કર્યું, મૌલાનાના પગે પડી મંચ પર આર્શીવાદ પણ લીધા
બાપુનગરમાં આયોજીત મુસ્લિમોના એક ધાર્મિક સંમેલનમાં ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહે મંચ પર જ મૌલાનાના પગે આર્શિવાદ લીધા હતાં. આ ઉપરાંત કુશવાહે અસ્સલામો અલયકુમ કહીને સંબોધન કર્યુ કે, અહી ઘણાં લોકો ઉત્તરપ્રદેશના હશે. જયાં એક ઘર હિન્દુનું ને બીજુ ઘર મુસલમાનનું છે. આ સંસ્કૃતિ વચ્ચે લોકો રહી રહ્યા છે. જોકે, કમનસીબે, આજે કેટલાંક લોકોએ ભારતને બે ભાગમાં વહેચી દીધો છે. તેમણે એ વાતનો ય ઉલ્લેખ કર્યો કે, સમગ્ર વિશ્વમાં ભારતના મુસ્લિમો સૌથી વધુ સુખી છે.
બંધારણમાં એવી તાકાત છેકે, દરેક સમાજ-વ્યક્તિને એક સ્થાન મળ્યુ છે. કુશવાહે એમ પણ કહ્યુંકે, હું મતોનુ રાજકારણ કરતો નથી. નહીતર હું આ સંમેલનમાં આવ્યો ન હોત. મે મારી સંસ્કૃતિ અનુસાર મૌલાનાના પગે પડીને આર્શિવાદ પણ લીધા છે. હું મહોરમમાં પણ જાઉ છું ત્યારે કહું છું, નારે તકબીર-અલ્લાહુ અકબર. આમ કહી તેમણે નારો લગાવ્યો હતો. ક્રિકેટની વાત કહી તેમણે કહ્યુંકે, વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ હતો? મહંમદ શમી. આ જ ભારત દેશની ઓળખ છે.
કુશવાહે સ્થાનિક કમિટીની કબ્રસ્તાન સ્વચ્છતાની મુહિમને બિરદાવી એમ પણ કહ્યુંકે, આ મુહિમે જ મને ધારાસભ્ય બનાવ્યો છે. ઉપરવાલે કી મરજી કે બિના કુછ હોતા નહી. આમ, ભાજપના ધારાસભ્યએ મુસ્લિમ મતદારોને રાજી કરવા મથામણ કરી હતી. દિનેશ કુશવાહે કહ્યું કે, હું મતોની રાજનીતિ કરતો જ નથી વાસ્તવમાં મુસ્લિમોની મુહિમે મને ધારાસભ્ય બનાવ્યો છે.