Get The App

ટિકિટ વહેંચણીમાં અનેકના પત્તાં કપાતા ગુજરાત ભાજપમાં ભડકો, અસંતુષ્ટોની અપક્ષ તરીકે ઉમેદવારી

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
ટિકિટ વહેંચણીમાં અનેકના પત્તાં કપાતા ગુજરાત ભાજપમાં ભડકો, અસંતુષ્ટોની અપક્ષ તરીકે ઉમેદવારી 1 - image


Local Body Election 2025 : નગરપાલિકા,તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણી  માટે ઉમેદવારોના નામ જાહેર કરાયાં બાદ ભાજપમાં બળવા જેવી પરિસ્થિતી પરિણમી છે. ટીકીટ ન મળતાં ભાજપના દાવેદારોએ પક્ષની વંડી ઠેકીને પક્ષપલટો કર્યો છે તો કેટલાંક નેતાઓએ કેરસિયો ખેસ ઉતારીને અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે. આમ, ફોર્મ ભરવાના આખરી દિવસે બબાલ થઇ હતી. ભાયાવદર,જામનગર, બિલીમોરા,લાઠી, કરજણ અને ભાવનગર સહિત અન્ય શહેરોમાં ભાજપના દાવેદારો ભાજપ સામે ચૂંટણી મેદાને ઉતર્યાં છે. 

જૂનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત 68 નગરપાલિકા, ત્રણ તાલુકા પંચાયતની કુલ મળીને 2178 બેઠકો માટે ભાજપ,કોંગ્રેસ અને આપે ઉમેદવારો જાહેર કર્યાં છે. ભાજપની ટીકીટ ન મળતાં કેટલાંય શહેરોમાં ભાજપના ટીકીટ વાંચ્છુઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભાયાવદરમાં તો ટીકીટ ન મળતાં ભાજપના 1૫થી વઘુ નેતાઓએ કોંગ્રેસનો હાથ થામ્યો છે. એટલુ જ નહીં, કેસરિયો ખેસ ઉતારી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝુકાવ્યું છે. લાઠીમાં પણ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખે રાજીનામુ ધર્યુ છે. 

જામનગરમાં મહિલા મોરચાના પૂર્વ પ્રમુખે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. બિલીમોરામાં ભાજપે ટીકીટ ન આપતાં દાવેદારોએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ફોર્મ ભર્યુ હતું. ભાવનગરમાં પાલિકાના કારોબારીના પૂર્વ સભ્ય રાજીનામું ધરી દીધુ છે. કરજણ પાલિકામાં પણ પૂર્વ હોદ્દેદારો આપમાં જોડાયા છે. હાલોલમાં છેલ્લી ઘડીએ મેન્ડેટ બદલી દેવાયા હતાં જેથી નારાજ ભાજપના નેતાઓએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ હતું માંગરોળમાં પણ ભાજપના નારાજ કાર્યકરોએ રાજીનામુ ધરી આપમાં જોડાયાં હતાં. 

ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભર્યુ હતું. ટીકીટ ન મળતાં અસંતુષ્ટોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી હતી. મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે તે દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ જશે. ભાજપના નેતાઓ અસંતુષ્ટોને મનાવી ફોર્મ પરત ખેંચાવવામાં કેટલાં સફળ રહે છે તે જોવુ રહ્યું. અત્યારે તો ભાજપે ડેમેજકંટ્રોલ માટે સિનિયર નેતાઓને મેદાને ઉતારવા નક્કી કર્યુ છે. હાલ જે ભાજપમાં આંતરિક અસંતોષનો ભડકો થયો છે તે જોતાં પાલિકા-પંચાયતની ચૂંટણી પર ચોક્કસ અસર થશે તે નક્કી છે. 


Google NewsGoogle News