Get The App

વધુ એક કૌભાંડમાં ભાજપ કનેક્શન! ગાડી ભાડે લઈ ગીરવે મૂકી છેતરપિંડી કરતો ભાજપ નેતાનો પુત્ર ઝડપાયો

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
BJP Leader's Son Arrested In Car Scam


BJP Leader's Son Arrested In Car Scam: અમદાવાદના માધુપુરા વિસ્તારમાં રહેતા ભાજપના બક્ષીપંચ યુવા મોરચના પ્રમુખના પુત્રએ મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું કહીને 40 જેટલા લોકોને પ્રતિમાસ 33 હજારનું ભાડુ અપાવવાનું કહીને કારનો કબજો મેળવ્યા હતો. ત્યારબાદ તમામ ગાડીઓ અલગ અલગ લોકોને ગીરવે આપીને છેતરપિંડી કરી હોવા ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાઈ છે. 

આરોપી પ્રિન્સ મિસ્ત્રીની ધરપકડ

આ કૌભાંડનો ભોગ બનેલા લોકોએ 13 દિવસ પહેલા તેમની સાથે મોટાપ્રમાણમાં છેતરપિંડી થઇ હોવાની અરજી ક્રાઇમ બ્રાંચમાં આપી હતી. પરંતુ રાજકીય દબાણમાં આવીને પોલીસે કોઇ કાર્યવાહી કરી નહોતી. છેવટે સમગ્ર ઘટનાએ રાજકીય સ્વરૂપ લેતા પોલીસને શુક્રવારે(26મી જુલાઈ) ગુનો નોંધવા માટે સુચના આપવામાં આવી હતી અને શનિવારે (27મી જુલાઈ) આરોપી પ્રિન્સ મિસ્ત્રીની ધરપકડ કરવામાં આવી છે.

જાણો શું સમગ્ર મામલો

અસારવામાં આવેલી ચીમનલાલ ઘાંચીની ચાલીમાં રહેતા કાજલભાઈ જાદવ સિવિલ હોસ્પિટલમાં શબવાહીની ભાડેથી ફેરવે છે. આ ઉપરાંત તેમની પાસે અન્ય એક કાર પણ છે. ડિસેમ્બર 2023માં તેમની સાથે સિવિલ હોસ્પિટલમાં શબવાહિની ચલાવતા મિત્રએ કહ્યું હતું કે, પ્રિન્સ મિસ્ત્રીને તેણે કાર ભાડે આપી છે. જેમાં 50 હજાર ડિપોઝીટ અને પ્રતિમાસ 33 હજાર રૂપિયા ભાડુ આપે છે. જેથી કાજલભાઇએ પણ તેમની કાર ભાડે આપવાની ઇચ્છા વ્યક્ત કરતા તેમના મિત્રએ પ્રિન્સ મિસ્ત્રી સાથે મુલાકાત કરાવી હતી. ત્યારે પ્રિન્સ મિસ્ત્રી કહ્યું હતું કે, 'મને મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે. જેથી મોટાપ્રમાણમાં ગાડીઓ ભાડે મુકવાની છે અને દર મહિને 1 થી 15 તારીખમાં ભાડુ ચુકવી દેવામાં આવશે.'

આ પણ વાંચો: લૂંટો રે ભાઈ લૂંટો : કેસરિયો ખેસ પહેરો, પક્ષના નામે કાળા કરતૂત કરો, અઠવાડિયામાં 8 કેસનો ખુલાસો


પ્રિન્સના પિતા કનુભાઇ ભાજપના બક્ષીપંચ યુવા મોરચના પ્રમુખ હોવાથી તેના પર વિશ્વાસ કરીને કાજલભાઇએ તેમજ અન્ય લોકોએ ગાડીઓ ભાડે આપી હતી. બેથી ત્રણ મહિના સુધી નિયમિત રીતે ભાડુ ચુકવવામાં આવ્યું હતું. ત્યારબાદ મોટાભાગના લોકોને ભાડુ ચુકવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. પ્રિન્સ મિસ્ત્રીએ બહાનું બતાવ્યું હતું કે, 'બિલ પાસ થશે ત્યારે બાકીનું ભાડુ એક સાથે ચુકવી આપશે.' પરંતુ તેણે ફોન ઉપાડવાનું બંધ કરતા ગત 13મી જુલાઇના રોજ ગાડીઓ ભાડે આપનાર લોકો પ્રિન્સના ઘરે ગયા હતા. ત્યારે તે મળી આવ્યો નહોતો. તેના પિતા કનુભાઇએ કહ્યું હતું કે, 'મારે પ્રિન્સ સાથે કોઈ સંબધ નથી.'

આ મામલે તપાસ કરતા ગાડીઓના માલિકોને ચોંકાવનારી માહિતી મળી હતી કે, પ્રિન્સે ગાડીઓ ભાડે આપવાનો કોન્ટ્રાક્ટ મળ્યાની ખોટી વાત જણાવીને કારને લીધા બાદ અન્ય લોકોને ગીરવે મુકી દીધી હતી. આ અંગે ભોગ બનનાર લોકોએ આક્ષેપ કર્યો છે કે તેમણે તેમની સાથે થયેલી છેતરપિંડી અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં 10 દિવસ પહેલા અરજી આપવામાં આવી હતી. પરંતુ, રાજકીય દબાણમાં આવીને પોલીસે આ બાબતને અવગણી હતી. જો કે  સમગ્ર મુદ્દો રાજકીય બનતા ગાંધીનગરથી મળેલી સૂચના બાદ શુક્રવારે ગુનો નોંઘ્યો હતો. ભાજપના નેતા કનુભાઇ મિસ્ત્રીના પુત્ર પ્રિન્સ સામે નોંધાયેલી ફરિયાદમાં પોલીસે રાજકીય દબાણમાં આવીને કેટલીક માહિતીનો ઉલ્લેખ કર્યો ન હોવાનો આક્ષેપ ફરિયાદી દ્વારા કરવામાં આવ્યો છે. 

કાજલભાઇ જાદવે જણાવ્યું કે પ્રિન્સ મિસ્ત્રીએ કહ્યું હતું કે તેના પિતા ભાજપના નેતા અને પોતે પણ વિશ્વ હિદું પરિષદમાં કામગીરી કરે છે. લોકસભાની ચૂંટણીની કામગીરી માટે ભાજપને મોટાપ્રમાણમાં ગાડીઓની જરૂર છે અને તે કોન્ટ્રાક્ટ તેને મળ્યો છે. આમ, તેણે લોકોને વિશ્વાસમાં લઇને મોટા પ્રમાણમાં ગાડીઓ ભાડે મેળવીને બારોબાર ગીરવે આપી દીધી હતી. પરંતુ લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે ગાડીઓ જોઇતી હોવાની વાતનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો નહોતો. આમ, પોલીસ રાજકીય દબાણમાં આવીને ચૂંટણીની બાબતનો ફરિયાદમાંથી છેદ ઉડાવી દીધો હતો.

પ્રિન્સ મિસ્ત્રીએ ગાડી કોને ગીરવે આપી? 

પ્રિન્સ મિસ્ત્રીએ સમગ્ર શહેરમાંથી 400થી વધારે ગાડીઓ ભાડે મેળવવાનું કહીને અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કેટલાંક ગેરકાયદે કામ કરતા લોકોને ગીરવે આપી હતી. જેની સામે તેણે કારની વેલ્યુ પ્રમાણે એક લાખની માંડીને પાંચ લાખ રૂપિયા સુધીની રકમ લીધી હતી. તેણે 44 જેટલી કાર કોની પાસેથી લઇને? કોને કેટલા રૂપિયામાં ગીરવે આપી હતી? તેની એક યાદી પણ મળી આવી હતી. સુત્રોના જણાવ્યાઅનુસાર, તેણે માત્ર અમદાવાદમાં જ નહી પણ ગુજરાતના અન્ય શહેરોમાં આપેલી ગાડીઓથી અનેક ગેરકાયદેસર કૃત્યો આચરવામાં આવતા હતા.

આ પણ વાંચો: 'તારીખ પે તારીખના ટ્રેન્ડથી ન્યાય પદ્ધતિમાં વિલંબ', ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની માર્મિક ટકોર


અમદાવાદમાંથી 400 જેટલી ગાડીઓ ભાડે મેળવી હોવાનું સામે આવ્યું

પ્રિન્સ મિસ્ત્રીએ લોકસભાની ચૂંટણીની કામગીરીમાં મોટા પ્રમાણમાં ગાડીઓની જરૂર હોવાનું કહીને માત્ર અસારવા વિસ્તારમાંથી જ નહી પણ પરંતુ, શહેરના ઓઢવ, રામોલ, નિકોલ, નરોડા સહિતના વિસ્તારોમાંથી 400 જેટલી ગાડીઓ પ્રતિ કાર 50 હજાર રૂપિયાની ડીપોઝીટથી લઇને બે કરોડ રૂપિયા જેટલી રકમ એકઠી કરી લીધી હતી.એટલું જ નહી તેણે કાર ભાડે લેવા અંગેના કોઇ લેખિતમાં કરાર પણ કર્યા નહોતા અને ભાજપના નામે અનેક લોકોને ટારગેટ કર્યા હતા. આ અંગે ક્રાઇમ બ્રાંચના ડીસીપી અજીત રાયજને જણાવ્યું કે, 'હાલ ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે. આ કૌભાંડમાં ભોગ બનનાર લોકો અમારો સંપર્ક કરી શકે છે.'

ગીરવે મુકેલી ગાડીઓનો ઉપયોગ ગેરકાયદે કામમાં થતો હોવાની શક્યતા

પ્રિન્સ મિસ્ત્રીએ લોકસભાની ચૂંટણીના કામ માટે ઉપયોગમાં લેવાનું કહીને ગાડીઓ ગીરવે મુકી હતી. જે ગાડીઓનો ઉપયોગ ગેરકાયદે રીતે થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અસારવા વિસ્તારમાંથી તેણે કુલ 54 ગાડીઓ ભાડે લીધી હતી. જે ગાડીઓ પૈકી 14 ગાડીઓ જીપીઆરએસની મદદથી પરત મેળવવામાં સફળતા મળી હતી. આ ગાડીઓ દારૂના ખોખા, કોથળી અને લોહીના નિશાન મળી આવ્યા હતા. આમ આ ગાડીઓનો ઉપયોગ દારૂ અને પશુઓની હેરફેર માટે થતો હોવાની વાત પણ સામે આવી છે. આ અંગે તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

પિતા કનુભાઇ મિસ્ત્રી સામે પણ કાર્યવાહી કરવા માટે જિજ્ઞેશ મેવાણીની રજૂઆત

કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, 'લોકસભાની ચૂંટણીની કામગીરી માટે ભાજપના કમલમથી કોન્ટ્રાક્ટ મળ્યો હોવાની વાત જણાવીને પ્રિન્સ મિસ્ત્રીએ અનેક લોકોને છેતર્યા છે. પ્રિન્સ મિસ્ત્રી પણ વીહીપ તેમજ બજરંગ દળમાં સક્રિય છે. સાથેસાથે તેના પિતા પણ ભાજપના બક્ષીપંચના યુવા મોરચાના  પ્રમુખ છે. જેથી પ્રિન્સ કોઇ રાજકીય પીઠબળ વિના આટલુ મોટુ કૌભાંડ આચરે તે શક્ય નથી. જેમાં તેના પિતાની સંડોવણીની પણ શક્યતા છે. જેથી પોલીસે આ કેસમાં કનુભાઇ મિસ્ત્રી સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સાથેસાથે અન્ય રાજકીય લોકોની સંડોવણી અંગે પણ તપાસ કરવામાં આવે.'

વધુ એક કૌભાંડમાં ભાજપ કનેક્શન! ગાડી ભાડે લઈ ગીરવે મૂકી છેતરપિંડી કરતો ભાજપ નેતાનો પુત્ર ઝડપાયો 2 - image


Google NewsGoogle News