ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જયેશ રાદડિયાએ ભર્યું ફોર્મ! ઈફ્કોની ચૂંટણી પહેલા મોટો વિવાદ
IFFCO Election: સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની આગામી નવમી મેએ યોજવામાં આવનારી ચૂંટણીમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે ભાજપ તરફથી ગુજરાતના ઉમેદવાર તરીકે સહકાર સેલના વડા બિપીન પટેલના નામને મેન્ડેટ આપવામાં આવ્યુ હોવા છતાં મેન્ડેટની ઉપરવટ જઈને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું હોવાથી જયેશ રાદડિયા સામેનો પક્ષના મોભીઓનો આક્રોશ વધી ગયો છે.
જયેશ રાદડિયાએ મોવડીઓની ઉપરવટ જઈને ફોર્મ ભર્યું!
ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ગુજરાતની બેઠક પોતાને વારસાઈમાં મળી હોવાની માન્યતામાં રાચતા જયેશ રાદડિયાએ મોવડીઓની ઉપરવટ જઈને ફોર્મ ભર્યું છે. વાસ્તવમાં વરસો સુધી વિઠ્ઠલ રાદડિયા ઈફકોના ગુજરાતના પ્રતિનિધિ તરીકે બોર્ડમાં જતાં હોવાથી જયેશ રાદડિયાએ પોતાના સિવાય અન્ય કોઈને તે હક મળે જ નહીં તેવી માન્યતા સાથે ફોર્મ ભરી દીધું હતું.
બીજીતરફ ભાજપના પ્રાદેશિક વડા સી.આર. પાટિલે બિપીન પટેલના પક્ષના માન્યતા પ્રાપ્ત ઉમેદવાર તરીકે જાહેર કરી મેન્ડેડ ઈશ્યૂ કરવામાં આવ્યો છે. ગુજરાતના પ્રાદેશિક વડા બન્યા પછી મેન્ડેટ આપી આપીને જ સી.આર. પાટિલ ગુજરાતની અંદાજે 95ટકાથી વધુ સહકારી સંસ્થાઓમાં ભાજપનો ભગવો લહેરાવવામાં સફળ થયા છે. આ સ્થિતિમાં મેન્ડેડ જ સુપ્રીમ ગણાય છે. કેન્દ્રની નેતાગીરીને વિશ્વાસમાં લઈને તથા તેમની સૂચનાને આધીન રહીને જ મેન્ડેટ ઈશ્યૂ કરવામાં આવે છે. બીજું સહકાર સેલના વડા તરીકે બિપીન પટેલનો મેન્ડેટને ધ્યાનમાં રાખીને પક્ષે માન્ય કરેલા ઉમેદવારને જીતાડવામાં ખાસ્સી સફળતા મેળવી હોવાથી પણ પક્ષના મોભીઓએ તેમના નામના મેન્ડેટ ઈશ્યૂ કરવાની વાતને સમર્થન આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઈફ્કોની ચૂંટણી પહેલા મોટો વિવાદ
ગુજરાતના દરેક જિલ્લા અને શહેર પ્રમુખને મેન્ડેટની કોપી મોકલીને તથા ફોનથી સંદેશ આપીને જાણ કરી દેવાઈ છે અને ગુજરાતના તમામ 181 મત બિપીન પટેલની તરફેણમાં પડે તેની તકેદારી લેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. છતાંય મેન્ડેટની પોતાને જાણ જ ન હોવાનું બહાનું જયેશ રાદડિયાએ આગળ કર્યું છે. વાસ્તવમાં રાજકોટના જિલ્લા અને શહેર પ્રમુખે જયેશ રાદડિયાને મેન્ડેટની જાણ કરી હોવાનું કહેવાય છે. તેમ છતાં તેમણે મેન્ડેટ વિરુદ્ધ જઈ ફોર્મ ભર્યું હોવાથી તેમની સામે પક્ષની નારાજગી વધી ગઈ છે.
પરિણામે રાજકોટ જિલ્લા સહકારી બેંકના તેમના કાર્યકાળ દરમિયાન થયેલી ભરતી સહિતના મુદ્દાઓ પરની તપાસ ચાલુ કરવામાં આવે તેવા પણ નિર્દેશો મળી રહ્યા છે. આજે લોકસભાની ચૂંટણી ટાણે ભાજપ પરિવારવાદનો સખત વિરોધ નોંધાવી રહ્યો છે અને પરિવાર વાદને ખતમ કરવાની વાત કરી રહ્યો છે. ત્યારે જયેશ રાદડિયાના વલણથી નારાજ ભાજપના સમર્થકોએ રાજકોટ જિલ્લા બેંકના વડા તરીકે વિઠ્ઠલ રાદડિયાએ હોદ્દો સંભાળ્યો તે પછી જયેશ રાદડિયાને તે જવાબદારી સોંપવામાં આવી તેને પણ પરિવાર વાદના એક હિસ્સા તરીકે જ જોવામાં આવી રહ્યો છે. જયેશ રાદડિયાના ફોર્મમાં ટેકેદાર કે સમર્થક તરીકે સહી કરનાર સામે પણ ભાજપ તરફથી પગલાં લેવામાં આવે તો નવાઈ પામવા જેવું નહીં હોય.