Get The App

ભાજપ રાજમાં મ્યુનિ.માં બેફામ ભ્રષ્ટાચાર, ધર્મેન્દ્ર શાહે મેયરની ઓફિસમાં જ બેસી 500 કરોડનું કરી નાખ્યું

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
ભાજપ રાજમાં મ્યુનિ.માં બેફામ ભ્રષ્ટાચાર, ધર્મેન્દ્ર શાહે મેયરની ઓફિસમાં જ બેસી 500 કરોડનું કરી નાખ્યું 1 - image


Congress Accuses BJP: અમદાવાદ મહાનગર પાલિકાના ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર શાહે મેયરની ઓફિસમાં એન્ટી ચેમ્બરમાં બેસી 500 કરોડથી વધારેનો ભ્રષ્ટ્રાચાર આચર્યાનો કોંગ્રેસે આક્ષેપો લગાવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર અને મેયર કરતાં વધારે પાવર હોવાથી કચરોનો કોન્ટ્રાક્ટ હોય, બસનો કોન્ટ્રાક્ટ, રોડ-બ્રિજના કોન્ટ્રાક્ટ સહિતના કોઈપણ કોન્ટ્રાક્ટ હોય, કમિશન વિના કોન્ટ્રાક્ટ પાસ થતો ન હતો. 

કોંગ્રેસનો ગંભીર આક્ષેપ

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, દિલ્હીના સીધા આશીવાદ હોવાથી સુનિયોજિત રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસે માંગ કરી છે કે, ધર્મેન્દ્ર શાહે જે કામો મંજૂર કર્યા છે તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ભાજપના ક્યાં નેતાના ખાતામાં ક્યાં કોન્ટ્રાકટરે કેટલાં રૂપિયા જમા કરાવ્યા તેની પણ આઇટી વિભાગે તપાસ કરવી જોઇએ.

આ પણ વાંચો: ભાજપના પ્રભાવશાળી નેતા પાસેથી બંને પદ છીનવાયા, કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદો બાદ કાર્યવાહી


અમદાવાદ શહેરમાં કોન્ટ્રાક્ટની કટકીને લીધે સારા રોડ બનતા નથી. વારંવાર રોડ તૂટવાની સમસ્યાનો અમદાવાદીઓ ભોગ બની રહ્યાં છે. શહેરમાં વરસાદી પાણીમાં ધોવાયેલા અને તૂટેલા રસ્તા માટે હલકી ગુણવત્તાનુ મટિરિયલ્સ વપરાઈ રહ્યુ છે. એટલુ જ નહીં, મોટા પાયે કટકી-ભ્રષ્ટ્રાચાર જવાબદાર છે. સાથે સાથે ભાજપના ધારાસભ્યો અને કોપીરેટરોને એએમટીએસ-બીઆરટીએસના ઊચા ભાવે કોન્ટ્રાક્ટ આપી કોપીરેશનને કરોડો રૂપિયાનું નુકસાન પહોચાડવામાં આવી રહ્યુ છે. 

મ્યુનિ. કોર્પોરેશનને અંદાજીત 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું: કોંગ્રેસ

વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેશ પરમાર અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહે આક્ષેપ કર્યો કે, બહેરામપુરામાં કાપડ એકમો માટે એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વ્યક્તિ વિશેષને લાભ કરવામાં મ્યુનિ. કોર્પોરેશનને અંદાજીત 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એવી માંગ કરવામાં આવી કે, અમદાવાદ મ્યુસીપલ કોર્પોરેશનનો એક કર્મચારી 50 લાખ રૂપિયાની લાંચ લેતો પકડાય આ જ દર્શાવે છે કે, ભાજપ શાસિત નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. આ ભ્રષ્ટ કર્મચારીના તાર ક્યાં ક્યાં મોટા અધિકારી, રાજકારણીઓ સુધી પહોંચે છે તેની પણ તપાસ થવી જોઈએ. એએમસીમાં ભ્રષ્ટ્રાચાર કરવાનો છુટો દોર મળે તે માટે વિપક્ષ નેતાને વિવિધ સમિતિમાંથી દૂર કરાયા છે.

કોંગ્રેસે એવો સવાલ ઊઠાવ્યો છે કે, યુપીએ શાસનમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા અમદાવાદના વિકાસ માટે 5000 કરોડ રૂપિયા આપ્યા હતા. જેમાંથી 900 કરોડ રૂપિયા તો માત્ર વરસાદી પાણી અને ડ્રેનેજ માટે વપરાયા હતા. કરોડો રૂપિયા ખર્ચાયા પછી ય બે-ચાર ઈંચ વરસાદ પડતાં શહેરમાં પાણી પાણી થઈ જાય છે. તો આ 900 કરોડ રૂપિયા ક્યાં ગયા?

ભાજપના રાજમાં મ્યુનિ. કોર્પોરેશનનું તંત્ર એટલું ભ્રષ્ટ થઈ ચૂક્યુ છે કે, સામાન્ય વ્યક્તિ મકાન બનાવવાનો પ્લાન પણ પાસ કરાવી શકે તેમ નથી. આ ઉપરાંત બીયુ પરમીશન માટે ફ્લેટના યુનિટ દીઠ રૂપિયા ચુકવવા પડે છે. મનપા ઓફીસમાં કામ કરાવવું એ અભિમન્યુના કોઠા પસાર કરવા જેવી સ્થિતિ નાગરિકની થાય છે. ભાજપ સત્તાના નશામાં મસ્ત અને પ્રજા ત્રસ્ત જેવી સ્થિતિ છે. આ પરિસ્થિતિનું નિર્માણ થયુ છે ત્યારે કોંગ્રેસ મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા આક્રમકતાથી લડશે.

ગુજરાતમાં 'સેવાસદનો' આજે ભાજપ માટે 'મેવાસદનો' બન્યા

રાજ્યમાં 30 વર્ષથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મનપામાં ભાજપનું રાજ છે. ભાજપ રાજમાં જાણે ભ્રષ્ટ્રાચાર એ શિષ્ટાચાર બની ગયો છે. ભ્રષ્ટાચારના ચક્રવ્યૂહને કારણે મોરબી પુલ કાંડ, હરણીબોટ કાંડ, તક્ષશિલા કાંડ અને રાજકોટનો ટીઆરપી કાંડ સહિતની કરુણાંતિકાઓ કેટલાય ગુજરાતીઓ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુજરાતના સેવાસદનો આજે ભાજપ માટે મેવાસદનો બન્યા છે ભાજપ સરકાર દાવા કરે છે કે કોઈ મોટી માછલીઓ મગ્રમચ્છ કે ચમરબંધીને છોડવામાં નહીં આવે પરતું ભાજપ સાગઠીયા અને ભોજકને પકડે અને મોટા એનાકોન્ડા, વ્હેલ માછલીઓને ક્યારે પકડશે? તે ગુજરાતીઓ જાણવા માંગે છે. કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે આવનાર ગુજરાત વિધાનસભા સત્રમાં i ઉચ્ચ અધિકારીઓ, ચૂંટાયેલા નેતાઓ, પ્રતિનિધિઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અંગે કડક કાયદો બનાવવમાં આવે.

ભાજપ રાજમાં મ્યુનિ.માં બેફામ ભ્રષ્ટાચાર, ધર્મેન્દ્ર શાહે મેયરની ઓફિસમાં જ બેસી 500 કરોડનું કરી નાખ્યું 2 - image


Google NewsGoogle News