'ધાર્મિક તહેવારો સમાજને જોડવાને બદલે...' ભાજપના દિગ્ગજ નેતાનું નવરાત્રી ટાણે મોટું નિવેદન
Dr. Bharat Kanabar Social Media Post: અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. ભરત કાનાબાર અવારનવાર સોશિયલ મીડિયામાં પોતાની પોસ્ટને લીધે ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ મૂકીને નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટના આયોજન પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે, 'માતાજીની ભક્તિને સ્તુતિ માટેના આયોજનને પાર્ટીનું લેબલ લાગ્યું અને તેની પાછળ પાછળ ચોર પગલે પ્રવેશ્યા અનેક દુષણો ઘૂસ્યા.'
ભાજપના નેતાએ નવરાત્રીનું આયોજન કરતા આયોજકો પર પ્રહાર કર્યા
ડો. ભરત કાનાબારે જ્ઞાતિ આધારિત નવરાત્રીનું આયોજન કરતા આયોજકો પર પ્રહાર કરતા 'X' પર લખ્યું કે, 'નવરાત્રીમાં શેરી અને જાહેર ચોકમાં થતા ગરબાઓ હવે માત્ર નાના ગામડાઓ પૂરતા સીમિત થઇ ગયા છે. મોટા શહેરોમાં તો મસ મોટા આયોજનો થાય છે. જેને 'પાર્ટી પ્લોટ'નું રૂપાળું નામ અપાય છે. માતાજીની ભક્તિ ને સ્તુતિ માટેના આયોજનને 'પાર્ટી'નું લેબલ લાગ્યું અને તેની પાછળ પાછળ ચોર પગલે પ્રવેશ્યા અનેક દુષણો!'
આ પણ વાંચો: ગુજરાત પોલીસનું પાપ: ઈ-ચીટિંગની નકલી અરજી કરાવીને બે કરોડ રૂપિયા ફ્રીઝ કરી લીધાં
'ખોબા જેવડા અમરેલીને પણ તેનો ચેપ લાગ્યો'
ભાજપના નેતાએ 'X' પર લખ્યું કે, 'શેરી કે સોસાયટીમાં થતા ગરબાઓમાં નાત-જાતના કોઈ ભેદભાવ હોતા નથી. પરંતુ હવે માત્ર અમુક જ્ઞાતિના સદસ્યોને જ પ્રવેશ મળી શકે તેવા આયોજનો થાય છે. ખોબા જેવડા અમરેલીને પણ તેનો ચેપ લાગ્યો છે. ધાર્મિક તહેવારો સમાજને જોડવાને બદલે તેના લીધે સમાજમાં અલગ અલગ ચોકા ઊભા થાય તો તેનાથી મોટી કમનસીબી કઈ હોય શકે?'