ગુજરાતની બાકી 4 લોકસભા બેઠકમાંથી 2 પર ભાજપ મહિલા ઉમેદવારોને ટિકિટ આપે તેવી શક્યતા
અમરેલી, મહેસાણા, જૂનાગઢ અને સુરેન્દ્રનગર બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી
Lok sabha Elections 2024 | લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ભાજપે હજુ ગુજરાતમાં ચાર બેઠકો માટે ઉમેદવારોની શોધખોળ જારી રાખી છે. એવુ જાણવા મળ્યુ છેકે, ભાજપ હાઈકમાન્ડ અંતિમ યાદીમાં ગુજરાતની ચાર બેઠકો પૈકી બે મહિલા ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતારી શકે છે. એકાદ બે દિવસમાં જ ભાજપ ઉમેદવારોના નામોની ઘોષણા કરી શકે છે.
22 પર ઉમેદવારો જાહેર થયા
ગુજરાતમાં ભાજપે અત્યાર સુધીમાં ૨૨ બેઠકો પર ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. હજુ ચારેક બેઠકો પર કોને ટિકિટ આપવી તે અંગે દિલ્હીમાં મંથન ચાલી રહ્યુ છે. સૂત્રોના મતે, બાકીની ચાર બેઠકો પૈકી બે બેઠકો પર ભાજપ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી શકે છે. તેમાંય અમરેલી અને મહેસાણા બેઠક પર મહિલા ઉમેદવારની પસંદગી થઇ શકે છે.
ક્યાંથી કોને ચાન્સ?
મહેસાણામાં કડવા પાટીદાર ઉમેદવારની પસંદગી કરાશે ત્યારે આ બેઠક પર મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષા પટેલનું નામ ચર્ચામાં છે જયારે એમરેલીમાં લેઉવા પટેલને ટીકીટ આપવાનુ નક્કી છે ત્યારે ભાવનાબેન ગોંડલિયાને ઉમેદવાર બનાવાય તેવી અટકળોએ જોર પકડ્યું છે. એવી ચર્ચા છે કે, અમરેલીમાં પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉઘાડ,ભરત કાનાબાર, નાયબ દંડક કૌશિક વેકરિયા, મુકેશ સંઘાણી મુખ્ય દાવેદાર છે. જૂનાગઢમાં ગીતાબેન માલમ, કીરીટ પટેલના નામો છે. વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને રીપીટ કરે તેવી સંભાવના ઓછી છે. સુરેન્દ્રનગરમાં વર્તમાન સાંસદ મહેન્દ્ર મુંજપરાની સાથે પ્રકાશ વરમોરાનુ નામ ચર્ચામાં છે. મહેસાણામાં સાંસદ શારદાબેન પટેલના પુત્ર આનંદ પટેલ, ભાજપના દિગ્ગજ નેતા એ.કે.પટેલના પુત્ર પણ ટીકીટની લાઈનમાં છે.
અહીં ઉમેદવારો નક્કી થયા
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ભાજપે ભાવનગરમાં નિમુબેન બાંભણિયા, જામનગરમાં પૂનમ માડમ અને બનાસકાંઠામાં રૈખા ચિધરીને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. ભાજપ સુરેન્દ્રનગરમાં કોળી અથવા તો કારડીયા રાજપૂતને ઉમેદવાર બનાવી શકે છે. આમ, ભાજપ કુલ મળીને પાંચેક મહિલા ઉમેદવારને લોકસભાની ચૂંટણીમાં ટીકીટ આપે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.